‘ખુરશી પર ફેવીકોલ લગાવીને બેઠા છે નીતીશ કુમાર’, CM ના વાયદા પર પ્રશાંત કિશોરે ઉડાવી મજાક

બિહારમાં ફરી એકવાર મહાગઠબંધનની સરકાર બન્યા બાદ રાજકીય ગલિયારામાં ચર્ચાઓનું બજાર ગરમ છે. ત્યારે હવે નેતાઓ વચ્ચે શબ્દયુદ્ધ પણ તેજ બન્યું છે. ભાજપની સાથે હવે ચૂંટણી વિશ્લેષક પ્રશાંત કિશોરે પણ બિહારની નવી સરકાર પર નિશાન સાધ્યું છે. તેમણે મુખ્યમંત્રી નીતિશ કુમારના 20 લાખ નોકરીઓના વચનની મજાક ઉડાવી છે. નીતીશ કુમારે મહાગઠબંધન સરકારમાં મુખ્યમંત્રી તરીકે શપથ લીધા બાદ બિહારના યુવાનોને 20 લાખ નોકરીઓ આપવામાં આવશે તેવું વચન આપ્યું હતું.

પ્રશાંત કિશોરે નીતિશના વચનની મજાક ઉડાવી
નીતિશ કુમારે કહ્યું હતું કે બિહારમાં ઓછામાં ઓછી 10 લાખ સરકારી નોકરીઓ અને વધારાની 10 લાખ ‘રોજગારની તકો’ ઊભી થશે. નીતિશના નોકરીના વચન પર કટાક્ષ કરતા પ્રશાંત કિશોરે કહ્યું કે જો સરકાર આગામી બેથી ત્રણ વર્ષમાં 5 થી 10 લાખ રોજગારીની તકો ઊભી કરશે તો તેઓ તેમના જન સૂરજ અભિયાનને સમાપ્ત કરી દેશે. તેમણે કહ્યું કે હું તેમને (નીતીશ કુમાર)ને નેતા તરીકે સ્વીકારીશ.

પોતાના જન સૂરજ અભિયાન હેઠળ સમસ્તીપુર પહોંચેલા પ્રશાંત કિશોરે બુધવારે મહાગઠબંધન સરકાર પર જોરદાર નિશાન સાધ્યું. તેમણે કહ્યું કે સરકાર શાળાઓમાં ભણાવતા શિક્ષકોને સમયસર પગાર ચૂકવી શકતી નથી અને તેઓ નવી નોકરી ક્યાંથી આપી શકશે. પ્રશાંત કિશોરે દાવો કર્યો હતો કે આગામી સમયમાં વધુ રાજકીય ઉથલપાથલ થશે. અમને આવ્યાને માત્ર 3 મહિના થયા છે અને બિહારની રાજનીતિ 180 ડિગ્રી પર આવી ગઈ છે. આગામી વિધાનસભાની ચૂંટણી આવે ત્યાં સુધીમાં બિહારના રાજકારણમાં અનેક વાર પલટો આવશે.

‘ફેવિકોલ સાથે ખુરશી પર બેઠેલા નીતિશ’
કટાક્ષ કરતા તેમણે કહ્યું કે નીતીશ કુમાર ‘ફેવિકોલ’ લગાવીને પોતાની ખુરશી પર બેઠા છે અને અન્ય પાર્ટીઓ ક્યારેક-ક્યારેક અહીં-ત્યાં ફરતી રહે છે. પ્રશાંત કિશોરે કહ્યું કે જનતાએ આ સરકારને મત આપ્યા નથી. આ સરકાર જુગાડ પર ચાલી રહી છે. જેનાથી લોકોનો ભરોસો નથી. તેમણે 2005 થી 2010 વચ્ચે એનડીએ સરકારના કામની પણ પ્રશંસા કરી હતી.

Scroll to Top