ઉત્તર કોરિયાએ જાપાન પર મિસાઈલ ફાયરિંગની પુષ્ટિ કરી, કહ્યું- આ અમારી પ્રતિક્રિયાત્મક ‘પરમાણુ હુમલા’ ક્ષમતાનો પુરાવો

ઉત્તર કોરિયાએ રવિવારે પાછલા દિવસે કરવામાં આવેલા હ્વાસોંગ-15 ઇન્ટરકોન્ટિનેન્ટલ બેલિસ્ટિક મિસાઇલ (ICBM)ના પરીક્ષણની પુષ્ટિ કરી હતી. ઉત્તર કોરિયાના કહેવા પ્રમાણે, તેણે આ પરીક્ષણ અચાનક લોન્ચિંગ ડ્રિલમાં કર્યું હતું. પરીક્ષણનો ઉદ્દેશ્ય પ્રતિકૂળ શક્તિઓનો સામનો કરવા દેશની ક્ષમતા દર્શાવવાનો હતો. દક્ષિણ કોરિયા અને યુનાઇટેડ સ્ટેટ્સે આગામી સૈન્ય કવાયતો માટે કડક જવાબ આપવાની ચેતવણી આપ્યા બાદ ઉત્તર કોરિયાએ શનિવારે બપોરે જાપાનના પશ્ચિમ કિનારે સમુદ્રમાં લાંબા અંતરની બેલિસ્ટિક મિસાઇલ લોન્ચ કરી હતી.

સરમુખત્યારની બહેને અમેરિકાને ચેતવણી આપી

રવિવારે એક અલગ નિવેદનમાં ઉત્તર કોરિયાના નેતા કિમ જોંગ ઉનની બહેન કિમ યો જોંગે મિસાઈલ પરીક્ષણની પુષ્ટિ કરી હતી અને અમેરિકાને સાવચેત રહેવાની ચેતવણી આપી હતી. તાનાશાહની બહેને કહ્યું કે અમેરિકા યુએન સુરક્ષા પરિષદને ઉત્તર કોરિયા વિશે ખોટી માહિતી આપવાનો પ્રયાસ કરી રહ્યું છે જે દુશ્મનાવટની નીતિથી ઓછું નથી.

અમે દુશ્મનની દરેક ચાલ પર નજર રાખીએ છીએ, જડબાતોડ જવાબ મળશેઃ કિમ યો જોંગ

સરમુખત્યારની બહેને કહ્યું કે હું ચેતવણી આપું છું કે અમે દુશ્મનની દરેક ચાલ પર નજર રાખીશું અને તેની દરેક પ્રતિકૂળ ચાલ સામે યોગ્ય અને ખૂબ જ મજબૂત અને ભારે જવાબી કાર્યવાહી કરીશું.

દક્ષિણ કોરિયાએ શનિવારે જ આરોપો લગાવ્યા હતા

દક્ષિણ કોરિયાના જોઈન્ટ ચીફ્સ ઑફ સ્ટાફ (જેસીએસ) એ શનિવારે જણાવ્યું હતું કે ઉત્તર કોરિયાએ તેના પૂર્વ કિનારેથી સમુદ્ર તરફ બેલેસ્ટિક મિસાઈલ છોડી હતી. ઉત્તર કોરિયાનું આ પગલું આગામી સપ્તાહે વોશિંગ્ટનમાં યોજાનારી યુએસ-દક્ષિણ કોરિયાની સંયુક્ત કવાયત પહેલા આવ્યું છે. જોઈન્ટ ચીફ ઓફ સ્ટાફે જણાવ્યું હતું કે ઉત્તર કોરિયાએ પૂર્વ સમુદ્રમાં અજાણી બેલેસ્ટિક મિસાઈલ છોડી હતી. જાપાનના કોસ્ટ ગાર્ડે પણ કહ્યું કે ઉત્તર કોરિયાએ બેલેસ્ટિક મિસાઈલનું પરીક્ષણ કર્યું છે, અલ જઝીરાએ અહેવાલ આપ્યો છે.

ઉત્તર કોરિયાએ પહેલા જ ચેતવણી આપી દીધી હતી

આ પૂર્વીય સમુદ્રને જાપાનના સમુદ્ર તરીકે ઓળખવામાં આવે છે. પ્રક્ષેપણના એક દિવસ પહેલા, ઉત્તર કોરિયાના વિદેશ મંત્રાલયે દક્ષિણ કોરિયા સામે “અભૂતપૂર્વ” કાર્યવાહીની ધમકી આપી હતી. યોનહાપ સમાચાર એજન્સીએ દક્ષિણ કોરિયાના સૈન્યને ટાંકીને જણાવ્યું હતું કે ઉત્તર કોરિયાએ ડિસેમ્બરમાં પૂર્વ સમુદ્રમાં બે મધ્યવર્તી રેન્જની બેલેસ્ટિક મિસાઇલો લોન્ચ કરી હતી.

Scroll to Top