અમદાવાદ શહેરથી એક વિચિત્ર ઘટના સામે આવી છે. આ ઘટનામાં પરિણીતા અને તેના પતિને નોકરી આપ્યા બાદ સિક્યોરિટી ગાર્ડ દ્વારા જ દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાનું ઘટના સામે આવી છે. મહિલા પર દાનત બગડતા ગાર્ડ દ્વારા મહિલાના પતિને નોકરીમાંથી કાઢી મુકવામાં આવતા મહિલાની છેડતી કરી દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું.
ત્યાર બાદ બળાત્કાર ગુજાર્યાના અને નિર્વસ્ત્ર કરેલા વીડિયો વાયરલ કરવાની ધમકી પણ સિક્યોરીટી ગાર્ડ દ્વારા આપવામાં આવી હતી. તેમ છતાં મહિલા દ્વારા આ બાબતમાં પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. ત્યાર બાદ પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવતા આરોપીની ધરપકડ કરી લેવામાં આવી હતી.
નોંધનીય છે કે, ઓઢવમાં રહેનાર 27 વર્ષીય પરિણીતા બે બાળકો અને પતિ સહિતના સાસરિયાઓ સાથે વસવાટ કરે છે. દોઢ વર્ષ અગાઉ કોરોના મહામારીના કારણે મહિલા નોકરી શોધી રહી હતી. ત્યારે નિકોલ સ્પોર્ટ્સ ઓથોરિટી હોસ્ટેલ ખાતે તેનો ભેટો અનિલ મિશ્રા નામના સિક્યોરિટી ગાર્ડ સાથે થઈ ગયો હતો. અનિલ નિકોલ સ્પોર્ટ્સ ઓથોરિટી હોસ્ટેલમાં સિક્યોરિટી ગાર્ડ તરીકે નોકરી કરી રહ્યો છે અને તેની સાથે સુપરવાઈઝર પણ છે. આરોપી અનિલે 27 વર્ષીય પરિણીતાને 7500 રૂપિયામાં નોકરી પર રાખી હતી. કોવિડ મહામારીમાં મહિલાનો પતિ બેકાર હોવાના કારણે તેને પણ નોકરીએ રાખી લીધો હતો.
એકાદ મહિના બાદ કામ બરાબર નથી કહીને મહિલાના પતિને નોકરીમાંથી કાઢી મુકવામાં આવ્યો હતો. ત્યાર બાદ રોજ નોકરી પુરી થવાના સમયે આરોપી આ મહિલા પાસે આવી, તું મને બહુ ગમે છે કહીને છેડતી કરી રહ્યો હતો. કોરોનામાં પરિસ્થિતિ ખરાબ હોવાના કારણે મહિલા અનિલની આ હરકતોને નજરઅંદાજ કરતી રહેતી હતી.
ત્યાર બાદ અનિલ આ મહિલાને નોકરીમાંથી કાઢી મુકવાની ધમકી આપતો રહેતો હતો અને કામ કરવાના બહાને રૂમમાં લઈ જઈ તેના પર અનેકવખત હોસ્ટેલમાં દુષ્કર્મ આચરતો હતો. આરોપીએ અનેક વખત મહિલા પર દુષ્કર્મ ગુજારી વીડિયો પણ ઉતારી લીધા હતા અને ધમકી પણ આપી હતી કે, તેના પતિને તે મરાવી નાખશે. એટલું જ નહીં, અનેકવખત મહિલાને નિર્વસ્ત્ર કરી તેના પણ વીડિયો લઈ વાયરલ કરવાની ધમકીઓ આપી દુષ્કર્મ આચરતો હતો.
કોરોનામાં મહિલા અને તેના પતિ પાસે નોકરી ન હોવાના કારણે તે બંને આ જગ્યાએ નોકરી પર લાગ્યા હતા. ત્યાર બાદ મહામારીમાં પતિને નોકરીમાંથી આરોપી દ્વારા કાઢી મુકતા મહિલા આ અત્યાચાર સહન કરતી રહેતી હતી. પરંતુ અંતે કંટાળીને મહિલા દ્વારા ફરિયાદ દાખલ કરવામાં આવતા આરોપીની પોલીસ દ્વારા ધરપકડ કરી લેવામાં આવી હતી.
આરોપી દ્વારા મહિલા પર ગુજારેલા દુષ્કર્મ વીડિયો ફોનમાં રાખતા પોલીસ દ્વારા એફ.એસ.એલની મદદ લઇ તપાસ શરૂ કરવામાં આવી છે. આરોપીના મેડિકલ ટેસ્ટ સહિતના મુદ્દાઓ પર હવે પોલીસ દ્વારા તપાસ કરી મહિલાને ન્યાય અપાવવા માટે સક્રિય બની છે.