રાજસ્થનાનમાં પણ ગુર્જર સમુદાય અનુસુચિત જનજાતિમાં પાંચ ટકા અનામત સાથે સામેલ થવાની માગણી કરી રસ્તા પર ઉતરી આવ્યો હતો. 2008થી શરૂ થયેલું ગુર્જર આંદોલન બધા રાજકીય પક્ષો માટે માથાનો દુખાવો બન્યું છે. તો આંધ્ર પ્રદેશના કાપુ સમુદાયે પણ અનામતની માંગણી સાથે આંદોલન શરૂ કર્યું છે.
રાજસ્થાનમાં ગુર્જર સમુદાયનું અનામત આંદોલન 2008થી ચાલ્યું આવે છે. જે સમાંયતરે અલગઅલગ વળાંકો તરફ વળ્યું છે. સરકારે ગુર્જરોની માગણીઓને સંતોષવા અને રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવી રાખવા માટે એસબીસી એટલે કે વિશેષ પછાત વર્ગ અંતર્ગત ઓબીસી આરક્ષણ વિધેયક પસાર કર્યું. જેમાં પાંચ ટકા અનામતની જોગવાઈ કરવામાં આવી હતી.
રાજસ્થાનમાં 21 ટકા અન્ય પછાત વર્ગ. 16 ટકા અનુસુચિત જાતિ અને 12 ટકા અનુસુચિત જનજાતિને અનામત મળતી. જે કુલ 49 ટકા થતી હતી. રાજ્યની વિધાનસભાએ ગુર્જર સહિત ગાડિયા, લુહાર, બંજારા, રેબારી, રાયકા, ગડરિયા, ગાડોલિયા અને અન્યને પાંચ ટકા અનામત આપી એસબીસીમાં સામેલ કરી હતી. પરંતુ તેના કારણે અનામતની ટકાવારી 54 ટકા થઈ ગઇ હતી. જે ગેરબંધારણીય હોવાથી રાજસ્થાન હાઈકોર્ટે આ કાયદો રદ કરી નાંખ્યો હતો.
રાજસ્થાન વિધાનસભાએ અન્ય પછાત વર્ગ વિધેયક 2015 પસાર કર્યું હતું. જેમાં બિનઆરક્ષિત વર્ગોને 14 ટકા અનામત આપવાની માગ કરી હતી. આ વિધેયક પસાર થતા જ રાજ્યમાં અનામતની ટકાવારી 68 ટકા થઈ હતી. રાજસ્થાન સરકારે અનામત મુદ્દે સુપ્રીમ કોર્ટમાં વિશેષ અરજી કરી છે. અને હાલ ગુર્જર અનામતનો મુદ્દો કોર્ટમાં વિચારાધીન છે.
આંધ્ર પ્રદેશના પૂર્વે ગોદાવરી જિલ્લામાં કાપૂ સમુદાયના લોકો અનામતની માંગ સાથે 2016માં આંદોલન પર ઊતરી આવ્યા હતો.આંદોલનને પગલે લોકોએ હિંસા આચરી હતી. તેમજ ટ્રેનને આગ ચાંપી દીધી હતી. સાથે જ અનેક મુખ્ય રસ્તાઓને રોકી દેવામાં આવ્યા હતા. મુખ્યત્વે ખેતી વ્યવસાય સાથે સંકળાયેલા આ સમુદાયની રાજ્યમાં કુલ વસતિ 20 ટકા છે. આંદોલન બાદ આંધ્ર પ્રદેશ સરકારે વિશેષ શ્રેણી અંતર્ગત કાપૂ સમુદાયને પાંચ ટકા અનામત આપવાની જાહેરાત કરી હતી. કાપૂ સમુદાયમાં તેલેગા. બાલિજા અને ઓન્તારી જાતિના લોકોનો સમાવેશ થાય છે.
મહત્વનું છે કે આંધ્ર પ્રદેશમાં અન્ય પછાત વર્ગને ચાર શ્રેણીમાં 25 અનામત આપવામાં આવે છે. પરંતુ કાપૂ સમુદાયને સામેલ કરવાથી રાજ્યમાં અનામતની ટકાવારી 51 ટકા થઈ ગઈ છે. જે ગેરબંધારણીય છે. આમ છતાં રાજ્યના ગર્વનરે કેન્દ્ર સરકારને આ અનામત બીલ સંવિધાનમાં જગ્યા મેળવવા માટે મોકલી આપ્યું હતું. ચંદ્રબાબુ નાયડુની સરકાર હાલમાં આ બીલને લઈને વિચારણા કરી રહી છે