હવે સિંગલ સિગારેટના વેચાણ પર પ્રતિબંધ મૂકવાની તૈયારી: સંસદની સ્થાયી સમિતિએ કરી ભલામણ

સંસદીય સ્થાયી સમિતિએ દેશમાં તમાકુ ઉત્પાદનો અને આલ્કોહોલના વપરાશ પર અસરકારક પ્રતિબંધ માટે ભલામણો કરી છે. સમિતિએ સિંગલ સિગારેટના વેચાણ પર પ્રતિબંધનો પ્રસ્તાવ મૂક્યો છે. સમિતિનું માનવું છે કે તેનાથી તમાકુ નિયંત્રણ અભિયાન પર અસર થાય છે. એક સિગારેટથી વપરાશ વધે છે. એરપોર્ટના સ્મોકિંગ ઝોનને બંધ કરવાની પણ ભલામણ કરવામાં આવી છે.

કમિટીના જણાવ્યા અનુસાર GST લાગુ થયા બાદ પણ તમાકુ ઉત્પાદનો પર ટેક્સમાં બહુ વધારો થયો નથી. આવી સ્થિતિમાં સામાન્ય બજેટમાં તમાકુ ઉત્પાદનો પર ટેક્સમાં વધારો થાય તેવી શક્યતા છે. ઈન્ટરનેશનલ એજન્સી ફોર રિસર્ચ ઓન કેન્સરને ટાંકીને સમિતિએ કહ્યું છે કે આલ્કોહોલ અને તમાકુના સેવનથી કેન્સરનું જોખમ વધી જાય છે.

ગુટખા, તમાકુ અને માઉથ ફ્રેશનર્સના નામે વેચાતી પ્રોડક્ટ પર પણ પ્રતિબંધ મૂકવો જોઈએ. તમાકુના ઉત્પાદનોમાંથી એકત્ર કરાયેલા ટેક્સનો ઉપયોગ કેન્સરના દર્દીઓની સારવાર માટે કરવામાં આવશે. ઉપરાંત વધારાની રકમનો ઉપયોગ તમાકુ સામે જાગૃતિ ફેલાવવા માટે થવો જોઈએ. મુંબઈની ટાટા મેમોરિયલ હોસ્પિટલના કેન્સર સર્જન પંકજ ચતુર્વેદી કહે છે કે તમાકુ ઉત્પાદનો પર ટેક્સ વધારવાથી કેન્સરના કેસમાં ઘટાડો થઈ શકે છે.

તમાકુ ઉત્પાદનો પર ટેક્સ સ્લેબ યોગ્ય નથી

રાજગીરી કોલેજ સોશિયલ સાયન્સ, કોચીના આરોગ્ય અર્થશાસ્ત્રી અને સહાયક પ્રોફેસર રિજો એમ. જોન કહે છે કે તમાકુ ઉત્પાદનો પરનો ટેક્સ સ્લેબ યોગ્ય નથી. લોકોના સ્વાસ્થ્ય માટે સારું રહેશે કે તેમના પર ટેક્સ વધારવો જોઈએ.

ટેક્સ વધારીને વપરાશમાં 61% ઘટાડો શક્ય છે

વોલન્ટરી હેલ્થ એસોસિએશન ઓફ ઈન્ડિયા અને અન્ય નિષ્ણાતોના પ્રસ્તાવ મુજબ, બીડીનો લઘુત્તમ દર 1 રૂપિયા અને સિગારેટનો 12 રૂપિયા હોવો જોઈએ. સ્મોક ફ્રી સિગારેટ પર ટેક્સ 90% વધારવો જોઈએ. તેનાથી 416 અબજ રૂપિયાની આવક વધશે. બીડીના વપરાશમાં 48%, સિગારેટના વપરાશમાં 61% અને તમાકુના વપરાશમાં 25%નો ઘટાડો થશે.

Scroll to Top