ચૂંટણી પંચે કેજરીવાલની આમ આદમી પાર્ટીને મોટો આંચકો આપ્યો છે. ટાઈમ્સ નાઉના જણાવ્યા અનુસાર, પંચ દ્વારા ધારાસભ્ય હોવા છતાં સંસદીય સચિવનું પદ ભોગવતા હોવાના મામલે 20 ધારાસભ્યોને ડિસ્ક્વોલિફાય કરવામાં આવ્યા છે, અને તેના માટે રાષ્ટ્રપતિને ભલામણ મોકલી આપવામાં આવી છે.
મહત્વનું છે કે, આમ તો દરેક રાજ્ય સરકારને સંસદીય સચિવની નિમણૂંક કરવાની સત્તા હોય છે, પરંતુ દિલ્હીને પૂર્ણ રાજ્યનો દરજજો હાંસલ ન હોવાથી તેની સરકાર સંસદીય સચિવની નિમણૂંક નથી કરી શકતી. જોકે, તેમ છતાંય કાયદાનો ભંગ કરી કેજરીવાલે 20 ધારાસભ્યોને સંસદીય સચિવ બનાવ્યા હતા, જેની સામે હાઈકોર્ટમાં ફરિયાદ થઈ હતી.
જો રાષ્ટ્રપતિ ચૂંટણી પંચની ભલામણને મંજૂર કરે તો દિલ્હીમાં 20 બેઠકો પર ફરી ચૂંટણી થશે. કેજરીવાલે દિલ્હીમાં બીજી વાર સત્તા ગ્રહણ કરી ત્યારે જ તેમની સરકાર ‘ઓફિસ ઓફ પ્રોફિટ’ના મામલે વિવાદમાં સપડાઈ હતી.
ધારાસભ્યોને બંધારણ વિરુદ્ધ સંસદીય સચિવ બનાવી દેવામાં આવતા પ્રશાંત પટેલ નામના એક વકીલ દ્વારા દિલ્હી હાઈકોર્ટમાં 20 ધારાસભ્યોને ડિસ્કવોલિફાઈ કરવા પિટિશન ફાઈલ કરવામાં આવી હતી.
કેજરીવાલના પક્ષના 20 ધારાસભ્યોએ ચૂંટણી પંચને જુન 2017માં પોતાની સામે શરુ થયેલી કાર્યવાહી બંધ કરવા અનુરોધ કર્યો હતો. જેને કમિશને ફગાવી દીધો હતો અને તેમને પદ પરથી હટાવી દેવાયા હોવા છતાં તેમને સંસદીય સચિવ ગણી કાર્યવાહી ચાલુ રાખી હતી.
ઓગસ્ટ 2017માં દિલ્હી હાઈકોર્ટે પણ તેમને રાહત આપવાનો ઈનકાર કરી દીધો હતો. ધારાસભ્યોની દલીલ હતી કે, તેમને અપાયેલો સંસદીય સચિવનો હોદ્દો 2016માં જ પરત ખેંચી લેવાયો છે, માટે તેમની સામે થયેલી પિટિશનનો પણ નિકાલ કરવામાં આવે.