વડોદરા: ભારત સરકારના બેટી પઢાવો..બેટી બચાવો..અભિયાનને વડોદરા શહેરની યુવતી શિક્ષણ દાતાઓની મધ્યસ્થ બનીને આ વર્ષે શહેરની 107 શાળાઓની 10 હજાર વિદ્યાર્થિનીઓની રૂપિયા એક કરોડ ફી ભરશે. વિવિધ સામાજિક પ્રવૃત્તીઓ સાથે સંકળાયેલી આ યુવતીએ જણાવ્યું હતું કે, કોઇ ગરીબ પરિવારની છોકરીનું ફીના કારણે શિક્ષણ ન બગડે તે મારો મુખ્ય ધ્યેય છે.
સામાજીક કાર્યકર નિશીતા રાજપુતે જણાવ્યું હતું કે, છેલ્લા 7 વર્ષથી શિક્ષણ દાતાઓની મધ્યસ્થ બનીને શહેરની શાળાઓમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીઓની ફી ભરી રહી છું. પ્રતિ વર્ષે વિદ્યાર્થીનીઓની સંખ્યામાં અને દાતાઓમાં વધારો થઇ રહ્યો છે. આ વખતે 107 શાળાઓની 10 હજાર વિદ્યાર્થિનીઓની હું ભરવા જઇ રહી છે.
તેણે એમ પણ જણાવ્યું હતું કે, પ્રતિ વર્ષે 151 વિદ્યાર્થીનીઓને દત્તક લઇ રહી છું. અને તેના અભ્યાસનો સંપૂર્ણ ખર્ચ ઉપાડી રહી છું. હું વિદ્યાર્થિનીઓની ફી ભરવા સાથે સ્કૂલ ડ્રેસ, શૂઝ સહિત શિક્ષણને લગતી વિવિધ ચીજવસ્તુઓ પૂરી પાડું છે. આ ઉપરાંત દર વર્ષે 7 વિદ્યાર્થિનીઓનો બર્થ ડે પણ ઉજવું છું.
નિશિતા રાજપૂત 7 વર્ષથી સામાજીક સેવાનું કામ કરે છે. ગરીબ વિદ્યાર્થીઓની ફી ભરીને તેમને ભણવામાં મદદરૂપ થાય છે. નિશિતાને પિતા ગુલાબ રાજપૂત પણ સામાજીક સેવાનુ કામ જ કરે છે. જેમનામાંથી પ્રેરણા મેળવીને નિશિતા પણ પપ્પાના રસ્તે કામ કરી રહી છે.
વર્ષ 2010માં નિશિતાએ શાળાઓમાં ભણતા ગરીબ વિદ્યાર્થિનીઓની ફી ભરવાની શરૂઆત કરી હતી. નિશિતાએ વર્ષ 2010માં માત્ર 351 વિદ્યાર્થીઓની ફી ભરીને શરૂઆત કરી હતી. ગત વર્ષે નિશિતાએ 5100 વિદ્યાર્થિનીઓની ફી ભરી હતી. જ્યારે આ વખતે નિશિતાએ 10 હજાર વિદ્યાર્થિનીઓની ફી ભરશે. જેનો આકંડો એક કરોડ રૂપિયા થાય છે.