International

પાકિસ્તાનની એક ભૂલ કેટલાય લોકોને નડશેઃ અફઘાનીસ્તામાં તાલીબાનનો આતંક વધ્યો

ભારતના પાડોશી દેશ અફઘાનિસ્તાનમાં 90ના દશકામાં તાલિબાનોનું એકચક્રિય રાજ ચાલતું હતું. પરંતુ 9/11ના હુમલા બાદ અમેરિકાએ જ્યારે ઓસામાને શોધવા અફઘાનિસ્તાનમાં હુમલો કર્યો ત્યારે તાલિબાન પાસેથી પોતાનું સામ્રાજ્ય છીનવાઇ ગયું હતું.

છેલ્લા 20 વર્ષથી અમેરિકી સૈનિકોએ તાલિબાનને તબાહ કરવા માટે અફઘાનિસ્તાનમાં પડાવ નાંખેલા હતા. સમગ્ર વિશ્વ એમ વિચારતું હતું કે, ત્યાં અમેરિકાની ઉપસ્થિતિથી તાલિબાનનું નામો-નિશાન મટી જશે પરંતુ અબજો ડોલર બરબાદ કરીને અને પોતાના હજારો સૈનિકોના મોત બાદ અમેરિકી સૈનિકો પાછા ફરી રહ્યા છે. હવે એક વખત ફરીથી તાલિબાની આતંકવાદીઓ અફઘાનિસ્તાનમાં પાછા આવી રહ્યા છે. આતંકવાદીઓ માટે હવે કાબુલ પણ દૂર નથી.

જેનો ડર હતો તે જ બની રહ્યું છે. અફઘાનિસ્તાનમાંથી અમેરિકી સેનાની વાપસી સાથે જ તાલિબાનની તબાહી શરૂ થઈ ગઈ છે. આ તબાહી દરમિયાન તાલિબાનીઓએ ભારતીય ફોટો જર્નાલિસ્ટ દાનિસ સિદ્દીકીને પણ મોતને ઘાટ ઉતારી દીધો હતો. દરેક જગ્યાએ ગોળીઓનો વરસાદ, લૂંટફાટ, કબજો ચાલી રહ્યો છે. દરેક જગ્યાએ અફઘાન આર્મી તાલિબાની ફાઈટર સામે સરેન્ડર કરવા મજબૂર બની છે.

અત્યાર સુધીમાં દેશના 85 ટકા કરતા પણ વધારે હિસ્સા પર તાલિબાની ફાઈટર્સે પોતાનો કબજો જમાવી દીધો છે અને તેઓ સતત કોમ્બિંગ કરીને કાબુલ તરફ આગળ વધી રહ્યા છે. જોકે પહેલેથી જ આનો અંદેશો હતો કારણ કે અમેરિકી સેનાની ઉપસ્થિતિના કારણે અફઘાન સેના કદી પોતાને એટલી મજબૂત બનાવી જ નહોતી શકી કે તે હથિયારો અને રણનીતિ મુદ્દે હાઈટેક બનેલા તાલિબાનનો મુકાબલો કરી શકે. આ બનવાનું જ હતું પરંતુ હવે ભવિષ્યમાં જે બનશે તેનાથી તમામ મધ્ય એશિયાઈ દેશ ચિંતામાં છે.

તાલિબાનના આ ખૂની ખેલ પાછળ પાકિસ્તાનનો હાથ હોવાનું પોતે અફઘાનિસ્તાન કહી રહ્યું છે. અફઘાનિસ્તાને પોતાની સંસદમાં પાકિસ્તાની એરફોર્સ તાલિબાનની મદદ કરી રહી હોવાનું કહ્યું છે. પાકિસ્તાન છેલ્લા અનેક વર્ષોથી અમેરિકી ફોજ અફઘાનિસ્તાનમાંથી પાછી ફરે તેની રાહ જોઈ રહ્યું હતું. કારણ કે, પાકિસ્તાનને ડર હતો કે જે રીતે અફઘાન સરકાર ભારત સાથે પોતાનો સંબંધ બનાવી રહી છે તેનાથી ભવિષ્યમાં તેમના માટે જોખમ વધી શકે છે. પરંતુ જો બાઈડનના નિર્ણય બાદ પાકિસ્તાનને મજા પડી ગઈ અને તેણે તાલિબાનને અફઘાન પર સંપૂર્ણ કબજો જમાવવા સમર્થન આપવાનું શરૂ કરી દીધું. આ સંજોગોમાં તાલિબાન માથું ઉંચકશે તે નક્કી જ હતું.

અમેરિકી સેના અફઘાનિસ્તાનમાંથી હજું તો સંપૂર્ણ પરત ફરી નથી અને તાલિબાનનો ખૂની ખેલ ચાલુ થઈ ગયો છે. અફઘાનિસ્તાનમાં કુલ 20 રાજ્ય છે જેના 421 જિલ્લામાંથી ઓછામાં ઓછા અડધા પર તાલિબાને કબજો જમાવી લીધો છે. તાલિબાને 193 જિલ્લાઓ પર કબજો જમાવી લીધો છે અને 139 જિલ્લાઓમાં તાલિબાન અને અફઘાનિસ્તાનની આર્મી વચ્ચે સંઘર્ષ ચાલુ છે.

હવે માત્ર 75 જિલ્લાઓમાં જ અફઘાનિસ્તાન સરકારનું નિયંત્રણ બચ્યું છે. હાલમાં પણ અફઘાનિસ્તાનના અનેક શહેરોમાં યુદ્ધ ચાલી રહ્યું છે અને અનેક વિસ્તારોમાં બોમ્બમારો થઈ રહ્યો છે. બદલાઈ રહેલી સ્થિતિ વચ્ચે પોતાનો જીવ બચાવવા માટે અફઘાની લોકો બીજા દેશોમાં શરણાર્થી બનવા મજબૂર થઈ રહ્યા છે. તાલિબાન બહુ જલ્દી પોતે કાબુલ પર કબજો જમાવી લેશે તેવો દાવો પણ કરી રહ્યું છે.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker