12 વિરોધી પક્ષોના નેતાઓએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને એક સંયુક્ત પત્ર લખીને કોરોના સામે લડવાના પગલા સૂચવ્યાં છે. તેમાં સામુહિક રસીકરણની માંગ કરતા સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટને સ્થગિત કરવાની માંગ કરી છે. આ 12 નેતાઓમાં સોનિયા ગાંધી, એચડી દેવગૌડા, શરદ પવાર, ઉદ્ધવ ઠાકરે, મમતા બેનર્જી, એમકે સ્ટાલિન, હેમંત સોરેન, તેજસ્વી યાદવ, અખિલેશ યાદવ, સીતારામ યેચુરી, ડી રાજા, ફારુખ અબ્દુલ્લાનો સમાવેશ થાય છે.
Twelve leaders of Opposition parties write a joint letter to PM Narendra Modi suggesting a slew of measures for combating #COVID19 pic.twitter.com/b5HTNB6G6D
— ANI (@ANI) May 12, 2021
પત્રમાં માંગ કરવામાં આવી છે કે તમામ બેરોજગારોને દર મહિને 6000 રૂપિયા આપવામાં આવે, અને જરૂરિયાત મંદોને મફતમાં અનાજ આપવામાં આવે.
આ પહેલા રાજ્યસભામાં વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગે એ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને કોરોનાની વર્તમાન પરિસ્થિતિ માંથી બહાર આવવા માટે સલાહ-સૂચનો આપ્યા છે. આમાં સૌથી પહેલા સર્વપક્ષીય બેઠક બોલાવીને કોરોના સામે લડવા માટે બ્લુપ્રિન્ટ તૈયાર કરવા અને કોરોના વૈકસીન માટે બજેટમાં ફાળવેલ 35 હજાર કરોડની તુરંત રજૂઆત કરવા સૂચવવામાં આવ્યું છે. આ સાથે વૈકસીનનું ઉત્પાદન વધારવા માટે ફરજિયાત લાઇસેસિંગ ની નીતિને હટાવવાની વાત કરી છે.
ખડગે એ કોરોનાની લડાઇમાં સૌથી મહત્વની વૈકસીન, પી.પી.ઇ. કીટ, ઓક્સિજન, વેન્ટિલેટર, સેનિટાઇઝર અને એમ્બ્યુલન્સ ઉપર જીએસટી ના લગાવવા કહ્યું છે. કોરોના માટે આવી રહેલ રાહત સામગ્રીઓને તરત ડિલિવરી સાથે કયાં કયાં આપવામાં આવ્યા છે, તેની પણ સ્પષ્ટ માહિતી આપવા માટેની વાત કરવામાં આવી છે.
દેશને પીએમ આવાસ નહિ ઓક્સિજન જોઈએ છે: રાહુલ ગાંધી
જયારે, કોંગ્રેસના મહાસચિવ રાહુલ ગાંધીએ ટ્વિટર પર ફરીથી સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટના નિર્માણ માટે 20 હજાર કરોડ રૂપિયા ખર્ચવા પર સવાલ ઉઠાવ્યા હતા અને વડાપ્રધાનને વ્યક્તિગત નિશાન બનાવતા કહ્યું હતું કે, “દેશને પીએમ આવાસ નહિ ઓક્સિજન જોઈએ છે.
રાહુલ ગાંધીએ એક સમાચારના અહેવાલ આપતા આરોપ લગાવ્યો કે સકારાત્મક વિચારસરણીની ખોટી બાંહેધરી આપવી એ દેશવાસીઓ સાથે છેતરપિંડી છે. તેમને ટ્વીટ કર્યું, “સકારાત્મક વિચારસરણીની ખોટી બાંહેધરી આરોગ્ય કર્મચારીઓ અને તે પરિવારો સાથે મજાક છે કે જેમને તેમના પરિવારના પ્રિયજનો ગુમાવ્યા છે અને ઓક્સિજન-હોસ્પિટલ-દવા ની અછતનો સામનો કરી રહ્યા છે.” રેતીમાં માથું નાખવું એ સકારાત્મકતા નથી, દેશવાસીઓ સાથે છેતરપિંડી છે.”
આ દરમિયાન કોંગ્રેસના નેતા કપિલ સિબ્બલે કહ્યું કે આ સમય એક સાથે મળીને ઉભા રહેવાનો છે ના કે ટીકાઓ કરવાનો. કપિલ સિબ્બલે આ મામલે એક ટ્વિટ કર્યું છે. તેમાં તેમને લખ્યું કે, ‘સ્ટેન્ડ ટુગેદર ઈન્ડિયા, આ એક સાથે ઉભા રહેવાનો સમય છે, આ ટીકાઓ કરવાનો સમય નથી. કોણ સાચું છે અને કોણ ખોટું – આ લડાઈને પછીથી પણ જીતી શકાય છે.