કોરોનાને લીધે 97% પરિવારની આવકમાં થયો ઘટાડો, જાણો કોણે કર્યો સર્વે…

કોરોનાની બીજી લહેરે દેશમા હાહાકાર સજર્યો હતો. જેના લીધે દેશમાં એક કરોડથી વધુ લોકોને નોકરી ગુમાવી પડી છે. જ્યારે ગયા વર્ષે મહામારીની શરૂઆતથી લઈને અત્યાર સુધી 97 ટકા પરિવારોની આવક ઓછી થઈ છે. સેન્ટર ફોર મોનિટરિંગ ઇન્ડિયન ઇકોનોમિના મુખ્ય કાર્યપાલક અધિકારી મહેશ વ્યાસ દ્વારા આ અંગે મહત્વની જાણકારી આપવામાં આવી છે

મહેશ વ્યાસે જણાવ્યું છે કે, શોધ સંસ્થાનન આકલન અનુસાર બેરોજગારી દર મે મહિનામાં 12 ટકા રહ્યો હતો જે એપ્રિલમાં 8 ટકા રહ્યો હતો. તેનો અર્થ એ છે કે, આ દરમિયાન લગભગ એક કરોડ ભારતીયોને નોકરી ગુમાવવાનો વારો આવ્યો છે. તેમને એ પણ જણાવ્યું છે કે, રોજગાર ગુમાવવાનું મુખ્ય કારણ કોરોનાની બીજી લહેર રહી છે.

આ સિવાય જણાવ્યું કે, અર્થવ્યવસ્થામાં કામકાજ પૂર્વવત થવાની સાથે કેટલીક હદે સમસ્યાનું સમાધાન થવાની આશા રહેલી છે. પરંતુ તે સંપૂર્ણપણે તો થઈ શકશે નહીં. મહેશ વ્યાસ મુજબ, જે લોકોની નોકરી ગઈ છે, તેમને નવો રોજગાર શોધવામાં મુશ્કેલી પડી રહી છે. અસંગઠિત ક્ષેત્રોમાં રોજગાર ખૂબ ઝડપથી ઊભા થઈ જાય છે પરંતુ સંગઠિત ક્ષેત્રમાં નોકરીની સારી તકો ઊભી થવામાં સમય લાગતો હોય છે.

નોંધનીય છે કે, ગયા વર્ષે મે મહિનામાં કોરોના વાયરસ મહામારીને રોકવા માટે લાગુ કરવામાં આવેલ લોકડાઉનના કારણે બેરોજગારી દર 23.5 ટકાના રેકોર્ડ સ્તર પર પહોંચી ગયો હતો. અનેક નિષ્ણાંતોનો મત છે કે, સંક્રમણની બીજી લહેર ચરમસીમા પર આવી ગઈ છે અને હવે રાજ્ય ધીમે-ધીમે પ્રતિબંધોમાં છુટ આપતાં આર્થિક ગતિવિધિઓની મંજૂરી આપવાનું શરૂ કરવામાં આવી રહ્યું છે.

આ સિવાય તેમને જણાવ્યું હતું કે, 3-4 ટકા બેરોજગારી દરને ભારતીય અર્થવ્યવસ્થા માટે સામાન્ય માનવી જોઈએ. તે દર્શાવે છે કે, સ્થિતિ સુધારવામાં સમય લાગી શકે છે. તેમણે એ પણ કહ્યું હતું કે, CMIE એ એપ્રિલમાં 1.75 લાખ પરિવારોના દેશવ્યાપી સર્વેનું કામ પૂર્ણ કર્યું હતું. તેના માધ્યમથી એક વર્ષ દરમિયાન આવક ઊભી કરવાને લઈને ચિંતાજનક સ્થિતિ જોવા મળી છે. જ્યારે સર્વેમાં સામેલ પરિવારોમાંથી માત્ર 3 ટકાએ આવક વધવાની વાત જણાવી હતી જ્યારે 55 ટકાએ જણાવ્યું હતું કે, તેમની આવકમાં ઘટાડો થયો છે. જ્યારે સર્વેમાં 42 ટકાએ જણાવ્યું હતું કે, તેમની આવક ગયા વર્ષની જેમ જ રહી છે. આ સિવાય તેમને જણાવ્યું કે, જો મોંઘવારી દરને સમાયોજિત કરવામાં આવે તો અનુમાન છે કે દેશમાં 97 ટકા પરિવારની આવક મહામારી દરમિયાન ઓછી થઈ ગઈ છે.

Scroll to Top