GujaratNewsPolitics

મોરબીમાં હાર્દિકના સમર્થનમાં પાસ કાર્યકરોએ શાળાઓ બંધ કરાવી, છાત્રોને સાથે રાખી ધરણા કર્યા

મોરબી: હાર્દિક પટેલના ઉપવાસ આંદોલનના સમર્થનમાં આજે પાસ કાર્યકરો દ્વારા શાળા બંધ કરવાના સોશિયલ મીડિયામાં મેસેજ ફરતા કર્યા હતા. જે બાદ આજે કેટલાક પાસ કાર્યકરો દ્વારા શાળાઓ બંધ કરાવી હતી, કેટલીક શાળાએ સ્વૈચ્છિક રજા જાહેર કરી દીધી હતી. આ બાદ પાસ કાર્યકરોએ છાત્રોને સાથે રાખી સરદાર બાગ સામે આવેલ પાર્કિંગ જગ્યા પર ધરણા કર્યા હતા અને રામધૂન બોલાવી હતી

પોલીસનો ચૂસ્ત બંદોબસ્ત, પાસના કાર્યકરોની અટકાયત કરાઇ

શાળા સંચાલકોએ કોઇ ઘર્ષણ થાય અને શાળાનું વાતાવરણ બગડે કે કોઇ અનિચ્છનીય બનાવ ન બને તે માટે રજા જાહેર કરી દીધી હતી. જો કે કેટલીક શાળાઓએ શાળા ચાલુ રાખી હતી. આ બાદ પાસ કાર્યકરોએ છાત્રોને સાથે રાખી હાર્દિક પટેલના ઉપવાસ આંદોલનના સમર્થનમાં સરદાર બાગ પાસે આવેલ જાહેર પાર્કિંગ સ્થળ પર રામધૂન અને ધરણા શરુ કર્યા હતા અને સરકારને સદબુદ્ધિ આપવા માંગ કરી હતી.

આ અંગેની જાણ થતા ડીવાયએસપી બન્નો જોશીના માર્ગદર્શનમાં એ ડીવીઝન પીઆઈ ચૌધરી, પીએસઆઇ અને સ્ટાફ દોડી ગયો હતો અને તમામને જાહેર જગ્યા પર ધરણા કાર્યક્રમ ન કરવા સમજાવટ કરી હતી. જો કે પાસ કાર્યકરો દ્વારા મચક ન આપતા અંતે તમામ લોકોની અટકાયત કરી હતી જ્યારે અમુકને સમજાવી રવાના કરી દીધા હતા

સુરતઃ હાર્દિકના સમર્થનમાં કોલેજ બહાર પ્રદર્શન બાદ લાઠીચાર્જ, હીરા બજારમાં વેપારીઓનું સ્વયંભૂ બંધ

હાર્દિક પટેલના સમર્થનમાં આજે વરાછાની કોલેજોના વિદ્યાર્થીઓ ધરણા પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. ધારુકા કોલેજ અને અમરોલી કોલેજના લગભગ 150-200 જેટલા વિદ્યાર્થીઓ મેદાનમાં ઉતરી આવ્યા છે. જ્યારે મિની બજાર ખાતે આવેલી હીરા બજારને ડાયમંડના વેપારીઓ દ્વારા સ્વયંભૂ બંધ પાળવામાં આવ્યું છે.

8 યુવાનોની અટકાયત

કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા કોલેજ બહાર પ્રદર્શનની જાણ થતા પોલીસ પણ દોડતી થઈ ગઈ છે. અને પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. જ્યારે અમરોલી કોલેજ બહાર ધરણા કરી ભાજપનો હુરિયો બોલાવતા 5 જેટલા યુવાનોની અટકાયત કરી અમરોલી પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા છે. જ્યારે ધારુકા કોલેજ બહારથી 3 યુવાનોની અટકાયત બાદ છૂટકારો થયો છે.

અમરોલી કોલેજ બહાર ધરણા પ્રદર્શન

નરેશ વિરાણી (પાટીદાર) એ જણાવ્યું હતું કે, ગુજરાતમાં ભાજપ સરકાર જ શાંતિ જાળવવી રાખવા માંગતી ન હોય એમ કહીં શકાય છે. 13 દિવસથી ખેડૂત અને પાટીદારોની માંગ સાથે ઉપવાસ પર ઉતરેલા હાર્દિક પટેલના સમર્થનમાં આજે સુરતના વિદ્યાર્થી મોટી સંખ્યામાં બહાર આવ્યા છે. ધારુકા કોલેજના ગેટ બહાર 150-200 વિદ્યાર્થીઓ પ્રદર્શન કરી રહ્યા છે. જેના પર પોલીસ દ્વારા લાઠીચાર્જ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ અમરોલી કોલેજ બહાર મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ એકઠાં થયા છે. અને ભાજપનો હુરિયો બોલાવી ધરણા પ્રદર્શન કરી રહ્યા છે.

સરકાર પાટીદારોની માંગ અને ખેડૂતોના દેવા માફી પર કોઈ વિચાર કરવા તૈયાર નથી

વધુમાં ઉમેર્યું હતું કે, ગુજરાતમાં અનામત આંદોલનની માંગ સાથે પાટીદાર નેતા હાર્દિક પટેલ છેલ્લા 13 દિવસથી ઉપવાસ પર બેઠા છે. દેશભરમાં હાર્દિક પટેલના ઉપવાસને લઈ ચર્ચાનો વિષય બન્યો છે. પરંતુ ભાજપના નેતાઓનું પેટનું પાણી નથી હલતું. અનેક રાજ્યોના નેતાઓ હાર્દિક પટેલના સમર્થનમાં આગળ આવ્યા છે. તેમ છતાં ગુજરાત સરકાર પાટીદારોની માંગ અને ખેડૂતોના દેવા માફી પર કોઈ વિચાર કરવા તૈયાર નથી.

પોલીસ સતર્ક

પોલીસે જણાવ્યું હતું કે, ધારુકા કોલેજ બહાર વિદ્યાર્થીઓ દ્વારા હાર્દિકના સમર્થનમાં ધરણા કરવામાં આવી રહ્યા છે. હાલ પણ વિદ્યાર્થીઓ કોલેજ બહાર ધરણા કરી રહ્યા છે. લાઠીચાર્જ કરવામાં આવ્યો નથી. હાલ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. સૂત્રોનું કહેવું છે કે, પોલીસે સાવચેતીના રૂપમાં વરાછા, કાપોદ્રા, સરથાણા, પૂણા, અમરોલી અને કતારગામ વિસ્તારમાં પેટ્રોલિંગ વધાર્યું છે. સ્થાનિક પોલીસ ઉપરાંત ક્રાઇમ બ્રાંચની પણ પાંચ કરતા વધુ ટીમો આ વિસ્તારમાં સતત પેટ્રોલિંગ કરી રહી છે. ખાસ કરીને યોગીચોક અને તેની આજુબાજુના વિસ્તારમાં પોલીસ બંદોબસ્ત વધારી દેવામાં આવ્યો છે.

કંઈ કંઈ કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા પ્રદર્શન

– ધારુકા કોલેજ બહાર પ્રદર્શન
– આરવી પટેલ કોલેજ બહાર પ્રદર્શન
– મહાવીર કોલેજના વિદ્યાર્થી દ્વારા બાઈક રેલી
– અમરોલી કોલેજ બહાર પ્રદર્શન

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker