પાટણઃ હાલ લોકોમાં સહનશક્તિ ઘટી રહી છે અને કોઈપણ બાબતમાં તુરંત જ કાયદો હાથમાં લઈ લે છે અથવા તો કાદવ-કીચડ પણ ઉછાળે છે. આજે ઉત્તર ગુજરાત યુનિવર્સિટી કેમ્પસમાં પણ એક આ પ્રકારની જ ઘટના બની છે. યુનિવર્સિટીમાં ઇલેક્ટ્રિક વાયરમેનને છૂટો કરવાના આરોપસર ‘પાસ’ના કાર્યકરો હોબાળો મચાવ્યો હતો. માત્ર એટલું જ નહીં, બેફામ બનેલા પાટીદાર અનામત આંદોલન સમિતિના આ કાર્યકરોએ ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ બી.એ. પ્રજાપતિ પર શાહી ફેંકીને હદ વટાવી દીધી હતી. તેમાં પણ આશ્ચર્યની વાત તો એ છે કે, આ ઘટના દરમિયાન પોલીસ લાચાર બનીને તમાશો જોતી રહી હતી.
લોખંડની જાળી તોડી ઘુસ્યા, આવેદન પત્ર આપતી વખતે ફેંકી શાહી
આ અંગે સૂત્રો પાસેથી જાણવા મળ્યું કે, યુનિવર્સિટીમાં કોન્ટ્રાક્ટ પર કામ કરતા કર્મચારીને છૂટો કરવામાં આવતા ‘પાસ’ કાર્યકરોએ હોબાળો કર્યો હતો. આ ‘પાસ’ કાર્યકરોએ ભવનની લોખંડી જાળી તોડીને યુનિવર્સિટીમાં પ્રવેશ કર્યો હતો.
ત્યાર બાદ તેઓ યુનિવર્સિટી ભવનમાં ચાલી રેહલી સેનેટ સભ્યોની કારોબારી મીટિંગમાં પહોંચી ગયા હતાં. જ્યાં ‘પાસ’ના કાર્યકરોએ પહેલાં કુલપતિને આવેદન પત્ર આપ્યું હતું અને ત્યાર બાદ એક પાસ કાર્યકરે કુલપતિ પર શાહી ફેંકી દીધી હતી. આ કાર્યકરે શાહી ફેંકતા જ મામલો વધુ બીચક્યો હતો. કુલપતિ પર આ શાહી ફરજ પરથી છૂટા કરવામાં આવેલા કર્મચારીએ જ ફેંકી હતી. ત્યાર બાદ પાટણ પોલીસે શાહી ફેંકનારા વ્યક્તિની અટકાયત પણ કરી લીધી હતી.
કચ્છ યુનિ.ની સેનેટ ચૂંટણી દરમિયાન પ્રોફેસર પર ફેંકાઈ હતી શાહી
ગત જૂન માસમાં કચ્છ યુનિ.ની સેનેટ ચૂંટણી માટે જાહેર કરવામાં આવેલી નવી મતદાર યાદીમાં અનેક મતદારોના નામ મનસ્વી રીતે બાકાત કરવામાં આવ્યા હોવાના આક્ષેપ સાથે ABVPના કાર્યકરોએ ચૂંટણી અધિકારી અને કેમિસ્ટ્રી વિભાગના વડા ગિરીન બક્ષીના ચહેરા પર ડામર જેવો કાળો પ્રવાહી પદાર્થ છાંટી મોઢું કાળું કરતા ચકચાર મચી ગઇ હતી. પ્રોફેસરનું મોઢું કાળું કર્યા બાદ ABVPના કાર્યકરો બક્ષીને તેમની સાથે ફેરવી વીસીની કચેરીએ લઈ ગયા હતા. ABVPના આ ઉગ્ર વિરોધને કારણે શિક્ષણ જગતમાં ભારે ખળભળાટ મચી ગયો હતો.