International

હરિદ્વારમાં ધર્મ સંસદને લઈને પાકિસ્તાનના પીએમ એવા ભડક્યા કે…

પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાને સોમવારે ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીની સરકારને ક્ષેત્રની શાંતિ માટે ખતરો ગણાવી છે. ઇમરાન ખાને કહ્યું કે નરેન્દ્ર મોદીના નેતૃત્વવાળી સરકાર આ ક્ષેત્રમાં ‘શાંતિ માટે વાસ્તવિક અને વર્તમાન ખતરો’ છે.

ઇમરાન ખાને કહ્યું છે કે ભારતમાં તમામ લઘુમતીઓ સત્તાધારી ભારતીય જનતા પાર્ટીના આશ્રય હેઠળ કાર્યરત ઉગ્રવાદી જૂથોના નિશાના પર છે. પાકિસ્તાની પીએમનું આ નિવેદન હરિદ્વાર ધર્મ સંસદના સંદર્ભમાં આવ્યું છે.

ઇમરાન ખાને સોમવારે અનેક ટ્વિટ કરીને નરેન્દ્ર મોદી પર જોરદાર નિશાન સાધ્યું હતું. તેમણે હરિદ્વારમાં ધર્મ સંસદ પર પીએમ મોદીના મૌન અને દેશમાં લઘુમતીઓના નરસંહાર માટે આહવાન કરતા હિન્દુત્વ જૂથો સામે કોઈ પગલાં ન લેવા પર પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો હતો.

ઇમરાન ખાને કહ્યું કે ભારતના લઘુમતીઓ વિરુદ્ધ ઉશ્કેરણી પાછળ સત્તાધારી ભાજપ સરકારની ઉગ્રવાદી વિચારધારા છે. ઇમરાન ખાને પોતાના એક ટ્વિટમાં લખ્યું છે કે, ‘મોદી સરકારની ઉગ્રવાદી વિચારધારા હેઠળ ભારતમાં તમામ ધાર્મિક અલ્પસંખ્યકોને હિન્દુત્વ જૂથો દ્વારા નિશાન બનાવવામાં આવી રહ્યા છે.’

ઇમરાન ખાને પોતાના ટ્વીટમાં આંતરરાષ્ટ્રીય સમુદાયને આ ઘટના સામે પગલાં લેવાની અપીલ કરી છે. તેમણે લખ્યું, ‘ભારતમાં લઘુમતીઓ, ખાસ કરીને 20 કરોડ મુસ્લિમ સમુદાયના નરસંહાર માટે ડિસેમ્બરમાં એક ઉગ્રવાદી હિંદુત્વ સંમેલનના આહવાન પર મોદી સરકારના સતત મૌન પર સવાલ ઉઠાવે છે કે શું ભાજપ સરકાર આ આહવાનને સમર્થન આપે છે. આંતરરાષ્ટ્રીય સમુદાયે આ તરફ ધ્યાન આપવું જોઈએ અને પગલાં લેવા જોઈએ.’

ગયા મહિને હરિદ્વારમાં ધર્મ સંસદનું આયોજન કરવામાં આવ્યું હતું. 17 થી 19 ડિસેમ્બર દરમિયાન યોજાયેલી આ ધર્મ સંસદમાં લઘુમતીઓ, ખાસ કરીને મુસ્લિમોને નિશાન બનાવવામાં આવ્યા હતા.

આ ધર્મ સંસદનું આયોજન હિન્દુત્વવાદી યતિ નરસિંહાનંદ દ્વારા કરવામાં આવ્યું હતું. આ ધર્મ સંસદ સાથે જોડાયેલા ઘણા વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા, જેમાં લોકો વિવાદાસ્પદ ભાષણ આપતા જોવા મળ્યા હતા.

આ સંસદમાં ભાજપના નેતા અશ્વિની ઉપાધ્યાય અને ભાજપ મહિલા મોરચાના નેતા ઉદિતા ત્યાગીએ પણ ભાગ લીધો હતો. જો કે અશ્વિની ઉપાધ્યાયે કહ્યું કે વિવાદાસ્પદ ભાષણો સાથે તેમને કોઈ લેવાદેવા નથી.

તેમણે કહ્યું હતું કે, ‘તે ત્રણ દિવસનો કાર્યક્રમ હતો. આ દરમિયાન હું લગભગ 30 મિનિટ સુધી સ્ટેજ પર રહ્યો અને સંવિધાન વિશે વાત કરી. પહેલા અને પછી બીજાઓએ શું કહ્યું… હું તેના માટે જવાબદાર નથી.’

આ મામલે અનેક લોકો સામે કેસ નોંધવામાં આવ્યા છે. તેમ છતાં કોઈ મોટી કાર્યવાહી કરવામાં આવી નથી જેને લઈને સવાલો ઉઠી રહ્યા છે.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker