ચાલતી ટ્રેનમાં ટિકિટ વગર મુસાફરી કરતી મહિલા સાથે ગેંગરેપની ઘટના સામે આવી છે. ફરિયાદ નોંધ્યા બાદ પોલીસે ત્રણ આરોપીઓની ધરપકડ કરી હતી. તેમના સેમ્પલ લેવામાં આવ્યા છે અને ડીએનએ ટેસ્ટિંગ માટે મોકલવામાં આવ્યા છે. આ હૃદયદ્રાવક ઘટના પાકિસ્તાનની છે. જ્યાં 27 મેના રોજ કરાચીથી મુલતાન એકલી મુસાફરી કરી રહેલી 25 વર્ષની મહિલાને હેરાન કરવામાં આવી હતી.
પાકિસ્તાની મીડિયા અનુસાર, પીડિત મહિલા એ પોલીસને લેખિત ફરિયાદ કર્યા બાદ સોમવારે આ મામલો પ્રકાશમાં આવ્યો હતો. ફરિયાદ મળતા જ પોલીસે તપાસ શરૂ કરી હતી. જે બાદ ત્રણ શકમંદોની ધરપકડ કરવામાં આવી છે અને તેમના સેમ્પલ ડીએનએ ટેસ્ટિંગ માટે મોકલવામાં આવ્યા છે. આ ઘટના મુલ્તાન અને કરાચી વચ્ચે ચાલતી બહુઉદ્દીન ઝકરિયા એક્સપ્રેસમાં બની હતી.
પહેલા રેલવે મેનેજમેન્ટે મામલાને દબાવવાનો પ્રયાસ કર્યો
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ કેસમાં ધરપકડ કરાયેલા ત્રણમાંથી બે જનરલ ટિકિટ ચેકર્સ છે અને ત્રીજો તેમનો ઈન્ચાર્જ છે. પીડિત મહિલાનો આરોપ છે કે અપરાધીઓએ તેનો વીડિયો પણ બનાવ્યો છે. જે બાદ પોલીસે આ ત્રણેયના મોબાઈલ ફોન પણ જપ્ત કર્યા છે. કહેવાય છે કે શરૂઆતમાં રેલવે મેનેજમેન્ટ અને પાકિસ્તાન સરકારે મામલાને દબાવવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ સોશિયલ મીડિયા પર લોકોનો ગુસ્સો જોઈને કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી.
પીડિતા એક સંબંધી સાથે ઝઘડો થતાં ગુસ્સામાં એકલી બેઠી હતી
પાકિસ્તાનના રેલ્વે મંત્રી સાદ રફીકે કહ્યું કે આ મામલે કડક કાર્યવાહી કરવામાં આવશે. ઘટના અંગે લાહોર રેલવે પોલીસના આઈજી ફૈઝલ સખ્કરે જણાવ્યું કે ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. તેમણે જણાવ્યું કે મામલો 27 મેનો છે. કરાચીની યુવતી સંબંધીઓને મળવા મુલ્તાન ગઈ હતી, જ્યાં તે ગુસ્સે થઈને કરાચી જતી ટ્રેનમાં બેસી ગઈ.
રેલવે પોલીસના આઈજી ફૈઝલના કહેવા પ્રમાણે, યુવતી પાસે ટિકિટ નહોતી. એટલામાં બે ટિકિટ ચેકર આવ્યા હતા. તેમણે યુવતીને જનરલ કોચમાંથી એસી કમ્પાર્ટમેન્ટમાં જવાનું કહ્યું હતું. યુવતી જ્યારે એસી કમ્પાર્ટમેન્ટમાં ગઈ ત્યારે આ ટિકિટ ચેકર્સના ઈન્ચાર્જ પણ ત્યાં આવી ગયા હતા. ત્રણેય મળીને મહિલા પર બળાત્કાર ગુજાર્યો હતો. કરાચી રેલ્વે સ્ટેશન પર ઉતર્યા બાદ યુવતીએ પોતે આ મામલે કેસ દાખલ કર્યો હતો.
બે ટિકિટ ચેકર્સના નંબર બંધ જોવા મળ્યા, પછી શંકા વધુ ઘેરી થઇ
પાકિસ્તાની મીડિયાના અહેવાલ મુજબ પીડિતા પરિણીત છે. પતિને મળવા મુલતાન ગઈ હતી. ત્યાં પતિ વચ્ચે કોઈ વાતને લઈને ઝઘડો થયો અને પછી તે એકલી આવીને ટ્રેનમાં બેસી ગઈ હતી. આ ઘટના બાદ પોલીસ માટે આરોપીની ઓળખ કરવી મોટી સમસ્યા હતી. પોલીસ તપાસ દરમિયાન તે દિવસે ટ્રેનમાં બેઠેલા બે ટિકિટ ચેકર્સના નંબર સ્વીચ ઓફ હોવાનું જણાયું હતું. જે બાદ તેના પર પોલીસની શંકા વધુ ઘેરી બની હતી.