ખરાબ તબક્કામાંથી પસાર થઈ રહ્યું છે પાકિસ્તાન, જનરલ બાજવાએ હવે આ દેશોને મદદની કરી અપીલ

પાડોશી દેશ પાકિસ્તાન હાલમાં ભારે દેવામાં ડૂબી ગયું છે. દેશ રોકડની તંગીનો સામનો કરી રહ્યો છે. આર્થિક સંકટમાંથી પસાર થઈ રહેલા પાકિસ્તાનના સેના પ્રમુખ જનરલ કમર જાવેદ બાજવાએ સંયુક્ત આરબ અમીરાત (યુએઈ) અને સાઉદી અરેબિયાને મદદની અપીલ કરી છે. એક મીડિયા રિપોર્ટ અનુસાર પાકિસ્તાન આર્મી ચીફ જનરલ બાજવાએ હવે આર્થિક મદદ માટે સાઉદી અરેબિયા અને યુએઇનો સંપર્ક કર્યો છે.

આઈએમએફ પાસેથી 1.7 બિલિયન ડોલરની માંગ કરવામાં આવી હતી

પાકિસ્તાનની આર્થિક સ્થિતિ આ સમયે એટલી ખરાબ છે કે તેના થોડા દિવસો પહેલા જ જનરલ બાજવાએ ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ (આઈએમએફ) પાસે 1.7 બિલિયન ડોલરના રાહત પેકેજની માંગ કરી હતી. આ રાહત પેકેજ મેળવવા માટે પાકિસ્તાને અમેરિકા પાસે પણ મદદ માંગી હતી. પાકિસ્તાનના એક અખબાર ‘ધ એક્સપ્રેસ ટ્રિબ્યુન’ના અહેવાલ અનુસાર, આ મહિનાના અંતમાં આઈએમએફ એક્ઝિક્યુટિવ બોર્ડની બેઠક મળવા જઈ રહી છે. જેમાં 1.2 બિલિયન યુએસ ડોલરની રકમનો આગામી હપ્તો પાકિસ્તાન માટે ઔપચારિક રીતે મંજૂર કરવામાં આવશે.

આઈએમએફએ પાકિસ્તાન સામે મોટી શરત મૂકી

રિપોર્ટ અનુસાર, આઈએમએફ ઈચ્છે છે કે પાકિસ્તાન આર્થિક મદદ માટે પહેલા તેના મિત્ર દેશો તરફ વળે. આઈએમએફએ કહ્યું છે કે પાકિસ્તાને પહેલા બાંહેધરી આપવી જોઈએ કે તેના મિત્રો તેની બાહ્ય જરૂરિયાતો માટે 4 બિલિયન ડોલર આપશે. ત્યારથી પાકિસ્તાન ફંડ માટે સાઉદી અરેબિયા, યુએઈ અને ચીન જેવા તેના મોટા સહયોગી દેશો સાથે વાતચીત કરી રહ્યું છે.

યુએઇ અને સાઉદી અરેબિયા પાકિસ્તાન નિરાશ પરત ફર્યા

‘ધ એક્સપ્રેસ ટ્રિબ્યુન’ અનુસાર, પાકિસ્તાનની સેનાએ આર્થિક મદદ માટે સાઉદી અરેબિયા અને યુએઇ બંનેના અધિકારીઓ સાથે વાત કરી છે. એપ્રિલમાં પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફે સાઉદી અરેબિયાની મુલાકાત લીધી હતી. પરંતુ પાકિસ્તાનના વડાપ્રધાનને ત્યાંથી નિરાશ થઈને ખાલી હાથ પાછા ફરવું પડ્યું હતું. કારણ કે રિયાદે તેમને કોઈપણ પ્રકારની જામીનગીરી આપી ન હતી. યુએઇ પણ પાકિસ્તાનની મદદ માટે ખુલીને આગળ આવ્યું નથી. ઉલટું, તેણે દેવાથી ડૂબેલા પાકિસ્તાનની સામે શેર અને મિલકત ખરીદવાની ઓફર કરી.

Scroll to Top