પાકિસ્તાન મીડિયાનો દાવો – પાકિસ્તાને મસૂદના ભાઈ સહિત 44 આતંકીની કરી ધરપકડ

દુનિયાભરમાં એકલા પડી ગયેલા પાકિસ્તાને આખરે આતંકવાદીઓ સામે કથિત કાર્યવાહી શરૂ કરી છે. પાકિસ્તાનમાં પ્રતિબંધિત સંગઠનોના 44 સભ્યોને કસ્ટડીમાં લેવાયા છે અને તેમાં જૈશ-એ-મોહમ્મદ ચીફ આતંકવાદી મસૂદ અઝહરનો ભાઈ પણ સામેલ છે. ઉલ્લેખનીય છે કે, પાકિસ્તાન પર દુનિયાભરમાંથી દબાણ છે કે, તે આતંકવાદ માટે પોતાની જમીનના ઉપયોગ પર રોક લગાવે અને આતંકવાદી સંગઠનોના ફંડિંગ પર સકંજો કસે. આતંકવાદી મસૂદના ભાઈ મુફ્તી અબ્દુર રઉફ અને હમાદ અઝહરની પણ ધરપકડ કરાઈ છે. આ વાત પાકિસ્તાનના મંત્રી શહરયાન ખાને એક પ્રેસ કોન્ફરન્સમાં જણાવી છે.

પાક મીડિયા અનુસાર, આફ્રિદીએ જણાવ્યું કે, આતંકવાદીઓ વિરૂદ્ધ આ કાર્યવાહી કોઇ પણ આતંરરાષ્ટ્રીય દબાણમાં નહીં પરંતુ દેશ માટે છે. આતંકીઓ સામે કાર્યવાહી બે અઠવાડિયા સુધી ચાલુ રહેશે.

મંત્રી શહરયારે કહ્યું કે, ‘ભારત દ્વારા સોંપાયેલા ડોઝિયરમાં મુફ્તી અબ્દુર રઉફ અને હમાન અઝહરનું નામ પણ હતું.’ જોકે, તેમણે કહ્યું કે, આ કાર્યવાહી કોઈ દબાણમાં નથી કરવામાં આવી. મંત્રીએ કહ્યું કે, આવા બધા જ સંગઠનો સામે કાર્યવાહી કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, એક દિવસ પહેલા જ પાકિસ્તાને એક કાયદામાં ફેરફારનો આદેશ જારી કર્યો હતો. તે અંતર્ગત હવે યુએન દ્વારા લિસ્ટેટ આતંકવાદીઓ અને પ્રતિબંધિત સંગઠનો સામે કાર્યવાહી કરવાનો દાવો કરાયો છે.

પાકિસ્તાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા મોહમ્મદ ફૈસલે કહ્યું હતું કે, સરકારે બધા પ્રતિબંધિત સંગઠનોની સંપત્તિઓને સરકારના નિયંત્રણમાં લઈ લીધી છે. પાકિસ્તાન તરફથી જણાવાયું હતું કે, 1948 ના સુરક્ષા પરિષદના અધિનિયમમાં ફેરફાર કરાયો છે. વિદેશ મંત્રાલય તરફથી જણાવાયું કે કાયદામાં ફેરફાર કરી ટૂંક સમયમાં જ આતંકવાદીઓ અને તેમના સંગઠનોની સંપત્તિ જપ્ત કરવામાં આવશે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top