ગીરના જંગલમાં દલખાણિયા રેન્જમાં થયેલા 23 સિંહોના મોત મામલે આજે વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ સરકાર પર મોટો આક્ષેપ લગાવ્યો હતો. ધાનાણીએ કહ્યું કે, મધ્ય પ્રદેશમાં આગામી વિધાનસભાની ચૂંટણી જીતવા માટે ગુજરાતના 23 સિંહોનું બલિદાન લેવામાં આવ્યું છે.
ભોજનમાં ઝેર ભેળવ્યા હોવાની આશંકા વ્યક્ત કરી
સિંહોના મોત અંગે પરેશ ધાનાણીએ કહ્યું કે, મારું માનવું છે કે સિંહોના ભોજનમાં ઝેર ભેળવવામાં આવ્યું હોઈ શકે છે. સિંહોનાં મોત એ એક ષડયંત્ર છે. આ અંગે રૂપાણી સરકારે જવાબ આપવો જોઈએ.”
અમેરિકાથી મંગાવેલી રસી મુંબઈ પહોંચી
ગીરના જંગલોમાં સિંહોની સલામતી માટે સરકારે અમેરિકાથી મંગાવેલી વેક્સિનનો જથ્થો મુંબઈ પહોંચી ગયો છે. જૂનાગઢ સક્કરબાગ ઝૂના ડિરેક્ટર આ જથ્થો લેવા માટે મુંબઈ પહોંચી ગયા છે. અમેરિકાથી મંગાવવામાં આવેલી આ વેક્સિન કેનાઇલ ડિસ્ટેમ્બર વાયરસ(સીડીવી) વિરોધી છે. નોંધનીય છે કે ગીરના જંગલોમાં તાજેતરમાં જે સિંહોના મોત થયા છે તેનું કારણ સીડીવી જ છે. આ રસી સાસણમાં લવાયા બાદ તેનું વિતરણ કરવામાં આવશે.
એશિયાટિક સિંહોના મોતને લઈને સાંસદ પરિમલ નથવાણીએ ચિંતા વ્યક્ત કરતો એક પત્ર રાજ્ય અને કેન્દ્ર સરકારને પત્ર લખ્યો છે. સાંસદ પરિમલ નથવાણીએ કેન્દ્રીય પર્યાવરણ પ્રધાન, રાજ્યના મુખ્યમંત્રી રૂપાણી અને ગણપત વસાવાને સિંહોના સંવર્ધન મુદ્દે પત્ર લખ્યો હતો. જેમાં તેઓએ જણાવ્યું કે ગીરના સિંહોને માનવ અતિક્રમણ, હસ્તક્ષેપથી મુક્ત કરવા જોઇએ. ગુજરાતની ઓળખ એવા એશિયાટિક સિંહોને વિશ્વકક્ષાની સારવાર આપવી જોઇએ.
‘ગુજરાતના ગૌરવ’ સમાન ગીરના સિંહોના સ્થળાંતરનો સમય આવી ગયો છે…!
ગીરના જંગલમાં એક પછી એક 23 સિંહોના મૃત્યુ અત્યંત ચિંતાનો વિષય છે. CDV વાઈરસ અને ઈન્ફેક્શનને કારણે સિંહોના મૃત્યુ થતા હવે આ સિંહોને ગુજરાતમાં અથવા ગુજરાતની બહાર અન્ય કોઈ સ્થળે ખસેડવાની માંગ થઈ રહી છે. નિષ્ણાંતોનું કહેવુ છે કે ભવિષ્યમાં અન્ય કોઈ બીમારીને કારણે સંપૂર્ણપણે સિંહોનો નાશ થઈ જાય તે પહેલા તેમના માટે વૈકલ્પિક રહેઠાણની વ્યવસ્થા કરવી જોઈએ.
ઉલ્લેખનીય છે કે એપ્રિલ 2013માં સુપ્રીમ કોર્ટે મધ્યપ્રદેશના કુનો પાલપુરમાં ખસેડવાનો આદેશ આપ્યો હતો. સિંહોના સ્થાળાંતરની પ્રક્રિયાને મોનિટર કરવા માટે 12 નિષ્ણાંતોની એક કમિટી પણ તૈયાર કરવામાં આવી હતી. જો કે રાજ્ય સરકારે 12 સભ્યોની કમિટીને ઈન્ટરનેશનલ ગાઈડલાઈન્સ અનુસાર નવેસરથી અભ્યાસ કરીને પોતાનો અભિપ્રાય આપવાનું કહ્યું હતુ. આ સિવાય ગુજરાતે મધ્યપ્રદેશને કુનો પાલપુર અભયારણ્યનો વિસ્તાર બમણો કરવાની પણ માંગ કરી હતી. આ મેટર હજી પણ પેન્ડિંગ છે.
સિંહ નિષ્ણાંત રવિ છેલમ જણાવે છે કે, એપ્રિલ 2013માં આવેલા સુપ્રીમના ચુકાદા પછી પણ અમે સરકારને મનાવવામાં નિષ્ફળ સાબિત થયા. દુર્ભાગ્યપણે ગુજરાત સરકાર હજી પણ વાત માનવાના મૂડમાં હોય તેમ લાગતુ નથી. જો સિંહોને ગુજરાતમાં જ સ્થળાંતરિત કરવાની વાત કરવામાં આવે તો, ગીરથી 80 કિલોમીટર દૂર પોરબંદરમાં બરડા ડુંગર અભયારણ્ય છે. આ અભયારણ્યને સિંહોના રહેઠાણ તરીકે 1990માં જ યોગ્ય ઠેરવવામાં આવ્યુ હતુ અને વાઈલ્ડલાઈફ ઈન્સ્ટિટ્યુટ ઓફ ઈન્ડિયાએ પણ તેની મંજૂરી આપી દીધી હતી. પરંતુ સ્થાનિક માલધારી સમાજના લોકોના વિરોધ અને અન્ય રાજકીય કારણોસર હજી સુધી સિંહોનું સ્થાળાંતર કરવામાં નથી આવ્યુ.
મુખ્ય ચીફ કન્ઝર્વેટર ફોર ફોરેસ્ટ અક્ષય સક્સેનાએ જણાવ્યું કે, અમે ઈચ્છીએ છીએ કે સુપ્રીમના આદેશનું પાલન કરવામાં આવે. સિંહોના સ્થાળાંતરની ચર્ચાએ ફરી એકવાર જોર પકડ્યું છે ત્યારે ગુજરાત સરકારની કેબિનેટે બુધવારના રોજ નક્કી કર્યુમ છે કે, અમેરિકાથી 300CDV વેક્સિન્સ મંગાવવામાં આવશે.