કોંગ્રેસ પ્રદેશ કાર્યાલય ખાતે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ, પ્રદેશ પ્રભારી અને વિપક્ષના નેતાઓની આગેવાનીમાં કોંગ્રેસના ધારાસભ્યોની બેઠક યોજવામાં આવી હતી.
2019ની ચૂંટણી ધીમે ધીમે નજીક આવી રહી છે તેમ તમામ પક્ષ દ્વારા અત્યારથી જ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ગુજરાતમાં કોંગ્રેસ દ્વારા વિધાનસભા સત્રમાં સત્તાધિશ પાર્ટી ભાજપને કેવી રીતે ઘેરવી તે મુદ્દે રણનીતિ બનાવવા માટે ધારાસભ્યોની બેઠક યોજી હતી.
આ બેઠકમાં વિધાનસભા સત્રમાં ખેડૂતોના દેવા માફી મુદ્દે વિધાનસભામાં ભાજપનો ઘેરાવ કરવાનું નક્કી થયું હોય તેવું માનવામાં આવી રહ્યું છે. કોંગ્રેસે ઘોરાવને પગલે અલગ-અલગ ધારાસભ્યોને જવાબદારી સોંપી છે. કોંગ્રેસ દ્વારા વિધાનસભા સત્રમાં મગફળી કાંડ મુદ્દે પણ હંગામો કરવામાં આવે તેવા અણસાર દેખાઈ રહ્યા છે.
આ બેઠક બાદ વિપક્ષ નેતા પરેશ ધનાણી નિવેદન આપતા કહ્યું કે, ખેડૂતોના હકની લડાઈ માટે કોંગ્રેસ પક્ષ હંમેશા તેમની પડખે ઉભો છે, અમે ખેડૂતોના દેવા માફી મુદ્દે દેખાવો કરીશું. 18 સપ્ટેમ્બરે વિધાનસભાનો ઘેરાવ કરવામાં આવશે.
પરેશ ધાનાણીએ આ મુદ્દે સત્તાપક્ષ પર હુમલો કરતા કહ્યું કે, ખેડૂતોના દેવા માફ કરો નહી તો, સરકારને સાફ કરો. તેમણે કહ્યું કે, કોંગ્રેસ અહિંસાના માર્ગે લોકોની વાચાને સરકાર સુધી પહોંચાડશે. તેમણે સામાજીક સંસ્થાઓ, ધાર્મિક સંગઠનોને પણ આગળ આવવા અપીલ કરી છે.
તેમણે સરકાર વિરુદ્ધ પ્રહાર કરતા કહ્યું કે, આ સત્તાપક્ષમાં રહેલી સરકાર ખેડૂતોને સિંચાઈનું પાણી પહોંચાડવામાં નિશ્ફળ નીવડી છે. ખેડૂતોને ઉત્પાદનના પોષણ ક્ષમ ભાવ નથી મળતા. અમે તમામ પદાધિકારીને અગલ-અલગ જવાબદારી સોંપી છે. સરકારને લોકોની સમસ્યા પગલે જાગૃત કરવા અનેક કાર્યક્રમો કરીશું.
ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસ પ્રદેશ કાર્યાલય ખાતે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ, પ્રદેશ પ્રભારી અને વિપક્ષના નેતાઓની આગેવાનીમાં કોંગ્રેસના ધારાસભ્યોની બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકમાં કોંગ્રેસના ધારાસભ્યો, રાજ્યસભાના સાંસદ પણ બેઠકમાં હાજર રહ્યા હતા.
15 તારીખથી સતત 20 દિવસ સરદાર સરોવર ડેમમાંથી 20 હજાર ક્યુસેક પાણી છોડાશે, ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે એક પ્રેસ કોન્ફરન્સમાં આ જાણકારી આપી
રાજ્યમાં અપુરતા વરસાદને લઈને ખેડુતોના પાકને અસર ન થાય તે માટે રાજ્ય સરકારે 20 હજાર ક્યુસેક પાણી નર્મદા કેનાલમાં છોડવાનો નિર્ણય કર્યો છે. જેનો ઉત્તર ગુજરાતના ગામોને સિંચાઈનો લાભ મળશે. ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે એક પ્રેસ કોન્ફરન્સમાં આ જાણકારી આપી હતી.
નીતિન ભાઈ પટેલે જણાવ્યું હતું કે પ્રથમ વરસાદમાં પછી રાજ્યમાં મોટા પાયે ખેડુતોએ વાવેતર કર્યું હતું. અપુરતા વરસાદમાં સરકારે સિંચાઈ માટે પુરતા પ્રમાણમાં પાણી આપવાનો પ્રયત્ન કર્યો છે. ખેડુતોનો પાક બચાવવા માટે 20 દિવસ સતત 20 હજાર ક્યુસેક પાણી નર્મદા કેનાલમાં છોડવાનો નિર્ણય રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવ્યો છે. 15 તારીખથી સતત 20 દિવસ સરદાર સરોવર ડેમમાંથી 20 હજાર ક્યુસેક પાણી છોડાશે. ઉત્તર ગુજરાતના અરવલ્લી, સાબરકાંઠા, ગાંધીનગર, મહેસાણા, પાટણમાં પાણી છોડાશે. ઉત્તર ગુજરાતના 400 જેટલા ગામોના તળાવો પાણીથી ભરવામાં આવશે.
નીતિનભાઈ પટેલે જણાવ્યું હતું કે નર્મદામાં જીવંત 39 ટકા પાણીનો જથ્થો મળ્યો છે. આ વર્ષે 5.84 મિલિયન એકર ફૂટ પાણી મળ્યું છે. જે ગત વર્ષ કરતા થોડું વધારે છે.
પાણી અને સિંચાઈ મુદ્દે રાજ્યના સીએમ વિજયભાઈ રૂપાણી સાથે ગુરુવારે ચર્ચા થઈ હતી.
રાજ્યમાં મોસમનો સરેરાશ વરસાદ 73.87 ટકા
રાજ્યમાં ચોમાસું હવે ધીરે-ધીરે વિદાય તરફ આગળ વધી રહ્યું છે. રાજ્યનો મોસમનો કુલ સરેરાશ વરસાદ 73.87 ટકા જેટલો નોંધાયો છે. જેમાં સૌથી વધુ દક્ષિણ ગુજરાતમાં 94.79 ટકા અને સૌથી ઓછો કચ્છમાં 26.51 ટકા જેટલો વરસાદ નોંધાયો છે. જ્યારે ઉત્તર ગુજરાતમાં 42.93 ટકા, સૌરાષ્ટ્રમાં 72.20 ટકા અને પૂર્વ-મધ્ય ગુજરાતમાં 66.83 ટકા સરેરાશ વરસાદ નોંધાયો છે.