વિજય રૂપાણીના રાજીનામા બાદ વિપક્ષ નેતા પરેશ ધાનાણીનું આવ્યું મોટું નિવેદન

ગુજરાતના મુખ્યમંત્રી પદથી વિજય રૂપાણી દ્વારા રાજીનામુ આપી દેવામાં આવ્યું છે. વિજય રૂપાણીના રાજીનામા બાદ ગુજરાતના વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી દ્વારા પોતાની પ્રતિક્રિયા આપવામાં આવી હતી. પરેશ ધાનાણીએ જણાવ્યું છે કે, વિજય રૂપાણીને અધવચ્ચે રાજીનામુ અપાવ્યાનું મને અત્યંત દુઃખ થયું છે. ભાજપે પોતાની નિષ્ફળતા ઢાંકવા માટે માત્ર ચહેરો બદલ્યો છે નીતિ અને રીતિ હજુ બદલી નથી.

ગુજરાત પ્રદેશ કોંગ્રેસના નેતા પરેશ ધાનાણીએ જણાવ્યું છે કે, નિષ્ફળતાને ઢાંકવા માત્ર ચહેરો બદલાયો છે, નીતિ અને રીતિ બદલાઈ નથી. મુખ્યમંત્રીનું રાજીનામુ એટલે ભારતીય જનતા પાર્ટીની આંતરિક લડાઇનો એકરાર છે. મને લાગે છે કે મુખ્યમંત્રીનું રાજીનામુ સત્તા અને સંગઠન વચ્ચે સંઘર્ષનું પ્રતિબિંબ જોવા મળ્યું છે.

મુખ્યમંત્રીનું રાજીનામુ ભાજપની તમામ મોરચે નિષ્ફળતાનો એકરાર જોવા મળ્યો છે. રૂપાણી સરકાર તો રિમોટ કંટ્રોલથી ચાલતી હતી પરંતુ મંદી, મોંઘવારી, બેરોજગારી, અત્યાચાર, ભ્રષ્ટાચાર અને કોરોના મહામારી માટે નરેન્દ્ર મોદી અને અમિત શાહ જવાબદાર છે.

જ્યારે ગુજરાતમાં આરોગ્ય સુવિધા ઉભી કરવાની જરૂરીયાત હતી ત્યારે વિજય રૂપાણીને વ્યસ્ત રાખનારી ભાજપની સરકારે ગુજરાતમાં 3 લાખ કરતા વધુ લોકોને મોતના મુખમાં ધકેલ્યા હતા. કદાચ આ ગુજરાતની જનતાના ગુસ્સાએ મુખ્યમંત્રી વિજય રૂપાણીનો ભોગ લીધો છે. વિતેલા 20 વર્ષમાં ભય,ભ્રમ અને ભ્રષ્ટાચારની રીત રસમોથી સતત સત્તા ટકાવી રાખનારી ભારતીય જનતા પાર્ટી દ્વારા ફરીથી જ્ઞાતિવાદ અને કોમવાદથી ભાગલા પડાવાનું ષડયંત્ર રચાશે તેવી મને આશંકા વ્યક્ત કરાઈ રહી છે.

Scroll to Top