કામરેજના પાસોદરા પાટિયા પાસે એક તરફી પ્રેમમાં પાગલ માથાભારે યુવકે યુવતીને લોકોની સામે જાહેરમાં ગળું કાપી નાખીને હત્યા કરી નાખી હોવાની ચોંકાવનારી ઘટનાએ રાજ્યભરમાં ચર્ચા ચગાવી છે. તેનાથી પણ વિચલિત કરતી બાબત એ છે કે, સેંકડો લોકો ઉભા હતા અને તમાશો જોઇ રહ્યા હતા પરતુ કોઇ યુવતીને બચાવવા માટે આગળ આવ્યું નહોતું.
જોકે આ ઘટના બાદ પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વીનર અલ્પેશ કથિરીયા તેમજ પાસની ટીમના સભ્યો મૃતકના પરિવારના સભ્યોની મુલાકાત લીધી હતી. અલ્પેશ કથેરિયાએ કહ્યું કે, અમારા વિસ્તારની અંદર એટલે કે, વરાછા યોગીચોક, સરથાણા, કતારગામ, પુણા ગામ વિસ્તારમાં ડ્રગ્સ અને તેના જેવા માદક પદાર્થોનું સેવન યુવાનો વધુ પ્રમાણમાં કરતા હોય તેવું જણાઈ રહ્યું છે. ફેનિલ પણ આ પ્રકારના વ્યસનનો બંધાણી હોય તેવું મને વ્યક્તિગત રીતે લાગે છે. પોલીસને પણ અલ્ટીમેટમ આપીએ છીએ કે, તાત્કાલિક આ પ્રકારની કામગીરી કરનારા સામે પગલાં લે.
આ સિવાય વધુમાં જણાવ્યું હતું કે અમારા વિસ્તારમાં કપલ બોક્સ ચાલી રહ્યા છે. કપલ બોક્સની અંદર અમારા કોલેજીયન યુવાનો લગભગ 90% જતા હોય છે. આ અવળે રસ્તે ચડી ગયા છે. તેઓ ત્યાં જતા હોય છે. કપલ બોક્સમાં નશાથી લઈને શરીર સુખ માણી શકાય તેવી તમામ વ્યવસ્થાઓ કરવામાં આવતી હોય છે. અને તેના માટે મસમોટા ચાર્જીસ પણ વસૂલી લેવાતા હોય છે.પોલીસે આ બાબતને ગંભીરતાથી લેવી જોઈએ અને તેને તાત્કાલિક અસરથી બંધ કરવા માટેના પ્રયાસો શરૂ કરવા જોઈએ.
ખુલાસો: 7 વાર આરોપી-યુવતીના પિતા વચ્ચે સમાધાન થયું હતું
સુરતમાં જાહેરમાં યુવતીની હત્યા મામલે હર્ષ સંઘવીએ મૃતકના પરિવાર સાથે મુલાકાત કરી હતી. આ ઘટનામાં જાણવા મળી રહ્યું છે કે, 7-7 વાર યુવતીના પરિવાર સાથે હત્યારા યુવકનું સેટલમેન્ટ થયું હતું. પરંતુ બદનામીના ડરથી પરિવારે ફરિયાદ કરવાનું ટાળ્યું હતું. સુરતમાં જાહેરમાં યુવતીની હત્યા મામલે ગૃહરાજ્યમંત્રી એક્શનમાં આવી ગયા છે. પરિવારે જણાવ્યું છે કે, હત્યારાને જાહેરમાં ફાંસીએ લટકાવો. યુવતીના પરિવારે આરોપીને વારંવાર સમજાવ્યો હતો. આરોપી અને યુવતીના પિતા વચ્ચે સમાધાન થયું હતું. પરંતુ બદનામીના ડરથી પરિવારને પોતાની દીકરી ખોવાનો વારો આવ્યો છે.
મારો સિક્કો ખોટો- આરોપીના પિતા
આરોપી યુવકના પિતાએ આ ઘટના બાદ જણાવ્યું હતું કે, ફેનિલ મારો દિકરો છે, પરંતુ આજે કહું છું કે, અમારો ખોટો સિક્કો છે. તે અમારા કહ્યામાં નથી. તેના વિશે ગ્રીષ્માના પરિવારે ફરિયાદ પણ કરી હતી. ત્યારે મેં ફેનિલને ઠપકો આપ્યો હતો. ફેનિલે તે વખતે મને જણાવ્યું કે, હવેથી હું ગ્રીષ્માને હેરાન નહીં કરું, પરંતુ ત્યાર બાદ પણ તે સુધર્યો ન હતો. તેણે જે કર્યું તે શરમજનક છે. કાયદો તેને ફાંસીની સજા પણ આપશે તો અમને મંજૂર છે.
હર્ષ સંઘવીએ યુવતીના પરિવારજનો સાથે વાતચીત કર્યા બાદ રેન્જ IG રાજકુમાર પાંડિયન પણ હર્ષ સંઘવી સાથે જોડાયા હતા. અને દીકરીને ઝડપથી ન્યાય અપાવવાની ખાતરી આપી છે. ભોગ બનાનર પરિવાર સાથે મુલાકાત બાદ સંઘવીએ આપેલા નિવેદનમાં જણાવ્યું હતું કે, FSLનો રિપોર્ટ 24 કલાકમાં આપવા કહ્યું છે. તમામ પુરાવાના ગણતરીના કલાકમાં ભેગા કરાયા છે. આરોપીને કડક સજા મળે તે રીતે પોલીસ મહેનત કરશે.
ઉલ્લેખનીય છે કે, સુરતના પાસોદરામાં ફેનિલ પંકજ ગોયાણી નામના યુવકે યુવતીની માતા અને ભાઈની નજર સામે જ જાહેરમાં યુવતીની હત્યા કરી હતી. એક વર્ષથી યુવતીને હેરાન કરતા યુવકને પરિવારે સમજાવ્યો હોવા છતાં તે ફરી ઘરે આવી ગયો હતો. જો કે, તેને ફરી સમજાવવા જતાં યુવતીના મોટા પપ્પા-ભાઈને તેણે ચપ્પુના ઘા માર્યા હતા અને હાથમાં જકડી લીધેલી યુવતીનું ગળું કાપી નાખ્યું હતું.