પાટણઃ હાર્દિકના સારા સ્વાસ્થ્ય માટે આજે પાટણથી ઉંઝા સુધીની સદભાવના રથયાત્રાનો પ્રારંભ થયો છે. આ યાત્રા પગપાળા પાટણથી ઉંઝા પહોંચશે. સવારથી શરૂ થયેલી આ યાત્રામાં મોટી સંખ્યામાં ખેડૂતો જોડાયા છે. ઠેરઠેર આ યાત્રાનું પાટીદારો દ્વારા સ્વાગત કરવામાં આવી રહ્યું છે. ફક્ત પાટીદારો જ નહીં પરંતુ અન્ય જ્ઞાતિના લોકો પણ ઠેરઠેર યાત્રાનું સ્વાગત કરી રહ્યાનો દાવો કરવામાં આવી રહ્યો છે.
આ યાત્રામાં કોંગ્રેસના પાટીદાર ધારાસભ્યો પણ જોડાયા છે. કિરીટ પટેલ, લલિત વસોયા, ચંદનજી ઠાકોર, આશા પટેલ સહિતના ધારાસભ્યોએ યાત્રામાં હાજર રહ્યા છે. યાત્રા દરમિયાન તમામ લોકો હાર્દિક પારણા કરી લે તેવી માગણી કરી રહ્યા છે. યાત્રામાં જોડાયેલા લલિત વસોયાએ નિવેદન આપતા કહ્યું છે કે તેઓ હાર્દિકના ઉપવાસ ચાલુ રાખવાના નિર્ણયથી વ્યક્તિગત રીતે નારાજ છે.
વિનાસ કાળે વિપરિત બુદ્ધિઃ વસોયા
આ યાત્રામાં હાજર રહેલા ધોરાજીના કોંગ્રેસના ધારાસભ્ય તેમજ પાસના પૂર્વ કન્વીનર લલિત વસોયાએ મોટું નિવેદન આપતા જણાવ્યું હતું કે, “હાર્દિકના ઉપવાસથી હું વ્યક્તિગત રીતે તેનાથી નારાજ છું. હાર્દિકે બને એટલે ઝડપથી પારણાં કરી લેવા જોઈએ.”
યાત્રા અંગે વસોયાએ જણાવ્યું કે, “પાટણથી નીકળેલી યાત્રામાં 10 હજારથી વધારે લોકો જોડોયા છે. યાત્રા ઉંઝા પહોંચશે ત્યાં સુધીમાં 25 હજારથી વધારે લોકો જોડાશે. સરકારને એક સંદેશ આપવા માટે આ યાત્રા કાઢવામાં આવી છે. હજુ પણ સમય છે, સરકાર હાર્દિક સાથે વાતચીત કં મંત્રણા કરે. આ સરકાર વિનાસ તરફ આગળ વધી રહી છે. આમ પણ વિનાસ કાળે વિપરિત બુદ્ધિ હોય છે.”
હું વ્યક્તિગત રીતે હાર્દિકથી નારાજઃ લલિત વસોયા
હાર્દિકના ઉપવાસ ચાલુ રાખવાના નિર્ણય અંગે વસોયાએ જણાવ્યું કે, “હું સ્પષ્ટ કહું છું કે અમે હાર્દિકના નિર્ણયથી નારાજ છીએ. નફ્ફટ સરકાર સામે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાનું ન હોય. હાર્દિક માનતો નથી. હું વ્યક્તિગત રીતે તેનાથી નારાજ છું. હું જ નહીં સમાજના તમામ લોકો માને છે કે હાર્દિક જીવશે તો લડશે, લડશે તો જીતશે. હાર્દિકના જીવન લોકોને જરૂર છે. હું ખુલ્લેઆમ કહું છું કે હાર્દિક પારણા કરી લે, અમે તારાથી નારાજ છીએ.”
આ સાચી સદભાવના યાત્રાઃ કિરીટ પટેલ
આ પ્રસંગે હાજર રહેલા પાટણના કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલે જણાવ્યું કે, “આ સાચી સદભાવના યાત્રા છે. મોદીએ જે સદભાવના ઉપવાસ કર્યા હતા તેમાં ભાડુઆતી માણસો લાવવામં આવતા હતા. અમારી યાત્રામાં સ્વયંભુ તમામ જ્ઞાતિના લોકો ઉમટી પડ્યા છે. સરકારે તેમની માનસિકતા બદલવાની જરૂર છે. જો સરકાર માનસે નહીં તો દરેક જિલ્લામાં આવી સદભાવના યાત્રા કાઢવામાં આવશે.
આમરણાંત ઉપવાસની ગ્રીનવુડ રિસોર્ટ ખાતે મેગા તૈયારીઓ, પોલીસ કાફલો ખડકાયો
અમદાવાદ: હાર્દિક પટેલના આમરણાંત ઉપવાસનો આજે 16મો દિવસ છે. હાલ તે એસજીવીપી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યો છે અને તેની તબીયત સુધારા પર છે. હાર્દિક હોસ્પિટલમાં છે અને તો પાસે આંદોલનને મોટું કરવાનો ઈરાદો બનાવી લીધો હોય તેમ હાર્દિકના ગ્રીનવુડ રિસોર્ટમાં આવેલા છત્રપતિ નિવાસે મંડપ મોટો કરવાની કામગીરી કરી દીધી છે. તો ગ્રીનવુડ રિસોર્ટ બહાર પોલીસ કાફલો ખડકી દેવામાં આવ્યો છે.
હાર્દિકે ડિસ્ચાર્જ થવા કહ્યું
હાર્દિક પટેલને કિડનીમાં તકલીફ હોવાનું જણાવી ડોક્ટર તેને વધુ સારવાર લેવું કહી રહ્યા છે. ત્યારે હાર્દિક ડિસ્ચાર્જ થવા માટે ડોક્ટરને કહ્યું હોવાનું બહાર આવ્યું છે. જો કે, ડોક્ટર રિપોર્ટ આવ્યા બાદ તેને ડિસ્ચાર્જ કરવો કે નહીં તે નક્કી કરશે.
હાર્દિક હોસ્પિટલમાં રહ્યોને મંડપ મોટો થઈ ગયો
પાસે તેની રણનીતિ અનુસાર જ હાર્દિક પટેલને હોસ્પિટલમાં મોકલ્યો હોય તેવી રીતે ઉપવાસી હાર્દિકની પહેલા સોલા સિવિલ અને બાદમાં એસજીવીપીમાં સારવાર કરવા ખસેડ્યો હોઈ શકે છે. તેની હોસ્પિટલમાં સારવાર ચાલતી રહી તે દરમિયાન ઉપવાસી છાવણી મોટી થઈ હોવાનું બહાર આવ્યું છે. જેમાં સ્ટેજ અને મંડપને મોટો કરાયો છે.
ખાણીપીણીની વ્યવસ્થા કરી દેવાઈ
હાર્દિક હોસ્પિટલમાં હતો તેનો ફાયદો ઉઠાવીને પાસની ટીમે ઉપવાસી છાવણીમાં આવતા સમર્થકોને નાસ્તા-પાણી કરાવવા માટેની વ્યવસ્થા કરી દીધી હતી. મોટી સંખ્યામાં ખાણીપાણીનો મોટો જથ્થો છાવણીમાં લાવી દેવામાં આવ્યો હોવાનું બહાર આવ્યું છે.
સ્પ્રિંગની માફક હાર્દિકના સમર્થનમાં ઉછાળો
હાર્દિક પટેલ આમરણાંત ઉપવાસ છે ત્યારે તેના સમર્થનમાં શરૂઆતમાં ખૂબ ઓછા લોકોને અંદર પ્રવેશ અપાયો હતો. પરંતુ 11માં દિવસે સરકાર જાગતા અન્ય લોકોને મોટા પ્રમાણમાં જવા દેવામાં આવતા હતાં. તે દરમિયાન હાર્દિક હોસ્પિટલ જતાં તેને સમર્થન ઘટ્યું હોવાની અટકળો લાગી રહી હતી પરંતુ સ્પ્રિંગ ઉછળે તેવી સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં મોટી સંખ્યામાં પાટીદારો અને અન્ય સમાજનાલોકો તેના સમર્થનમાં બહાર નીકળતાં જોવા મળ્યા હતા