ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. આરોપ છે કે એક મહિલાએ તેના પીરિયડ્સ (માસિક સ્રાવ) નું લોહી ભોજનમાં ભેળવીને તેના પતિને ખવડાવ્યું, જેના કારણે તેને ગંભીર સંક્રમણ થઇ ગયું છે. આ વ્યક્તિએ ગયા વર્ષે 12 જૂને પત્ની અને તેના માતા-પિતા વિરુદ્ધ કવિ નગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
પોલીસમાં ફરિયાદ આવ્યા બાદ પોલીસ અધિકારીઓએ જિલ્લા મેડિકલ ઓફિસરને પત્ર લખીને આ મામલે રિપોર્ટ માંગ્યો હતો. હવે આ આરોપોની તપાસ માટે ચાર સભ્યોની મેડિકલ ટીમની રચના કરવામાં આવી છે. આ બોર્ડના રિપોર્ટ બાદ ગાઝિયાબાદ પોલીસ આગળની કાર્યવાહી નક્કી કરશે.
આ વ્યક્તિએ FIRમાં તેના દાવાઓને સાબિત કરવા માટે મેડિકલ રિપોર્ટ પણ જમા કરાવ્યો છે. પીડિતાની ફરિયાદ પર, કવિ નગર પોલીસ સ્ટેશનમાં પત્ની અને તેના પરિવારના સભ્યો વિરુદ્ધ IPCની કલમ 328 અને 120B એટલે કે ગુનાહિત ષડયંત્ર હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. ફરિયાદીએ દાવો કર્યો હતો કે જ્યારે તે ભોજન કર્યા પછી બીમાર પડ્યો ત્યારે તેણે મેડિકલ ટેસ્ટ કરાવ્યો. ટેસ્ટમાં આ વાતની પુષ્ટિ થઈ કે ઈન્ફેક્શનને કારણે તેના શરીરમાં સોજો છે.
2015 માં થયા હતા લગ્ન: ખરેખર, ફરિયાદી વ્યક્તિના લગ્ન વર્ષ 2015માં થયા હતા. દંપતીને એક પુત્ર પણ છે. નોંધાવવામાં આવેલી ફરિયાદ મુજબ, પત્ની વારંવાર તેના સાસુ-સસરાથી અલગ રહેવાની જીદ કરતી હતી, પરંતુ તેનો પતિ તેના માતા-પિતાને છોડવા માટે રાજી થયો નહિ. જેના કારણે તેમની વચ્ચે અવારનવાર નાની નાની વાતો પર ઝઘડા થઇ જતા હતા.
મેલીવિદ્યાનો પણ આરોપ: પીડિતનો આરોપ છે કે મહિલાના માતા-પિતા અને તેના ભાઈએ જ તેને તેના ખોરાકમાં ‘ઝેર’ આપવા અને તેની વિરુદ્ધ ‘વિવિધ પ્રકારના મેલીવિદ્યા’નો ઉપયોગ કરવા માટે ઉશ્કેર્યા હતા. આ મામલે પોલીસે એફઆઈઆર નોંધીને તપાસ શરૂ કરી દીધી હતી.