સમગ્ર વિશ્વમાં રવિવારના ડોટર્સ ડે ઉજવણી કરવામાં આવી જ્યારે શહેરના પૂર્વ વિસ્તારમાં પિતા પુત્રીના સંબંધોને બદનામ કરનારી એક ઘટના સામે આવી છે. અમદાવાદના કૃષ્ણનગરમાં રહેનારી 17 વર્ષની સગીરા સાથે તેના પિતા દ્વારા જ ખરાબ વર્તન કરવામાં આવી રહ્યું હતું. પિતા સગીર દીકરીને જણાવતા હતા કે, તને વળગણ છે અને મારી સાથે શારીરિક સંબંધ બાંધવો તારે પડશે.
આ સિવાય કોઇ ઘરે ન હોય તો સગીરાની માતાને પણ તેનો જેઠ આવીને શારીરિક અડપલા કરીને છેડતી કરતો રહેતો હતો. જેના કારણે કંટાળીને પરિણીતાએ પતિ, જેઠ સામે કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવી છે.
પ્રાપ્ત માહિતી મુજબ જાણવા મળ્યું છે કે, શહેરમાં રહેનારી મહિલાના લગ્ન વર્ષ 2014 માં કૃષ્ણનગરમાં થયેલા હતા. લગ્નના એક મહિના બાદ પતિ સહિત સાસરિયાઓ નાની-નાની વાતે પરિણીતા સાથે બોલાચાલી પણ કરતા હતા. જ્યારે નણંદ અવારનવાર પરિણીતાને તેના ઘરે બોલાવીને ઘરકામ પણ કરાવતી હતી. જો પરિણીતાથી મોડું થાય તો નણંદ પરિણીતાને માર પણ મારતી હતી. થોડા દિવસ અગાઉ પરિણીતાના પતિએ તેમની 17 વર્ષની દીકરીને પોતાની વાતોમાં ફસાવવાનો પ્રયાસ કર્યો હતો.
પતિએ તેની જ દીકરીને જણાવ્યું હતું કે, ‘મેં એક જગ્યાએ દેખાડ્યું છે. તારામા તારા મામાના ગામનું વળગણ છે, જે મારે જ કાઢવું પડશે. એટલે તારે મારી સાથે સંબંધ બાંધવા પડશે.’ તે સાંભળીને સગીરા ભયભીત થઈ ગઇ હતી અને તેને માતાને આ વિશેમાં જાણ કરી દીધી હતી.
તે સાંભળીને પરિણીતાએ પતિ ઠપકો પણ આપ્યો હતો. જેની સામે પતિએ પત્નીને માર પણ માર્યો હતો. સગીર દીકરી એકલી હોય ત્યારે પિતા તેની સાથે શારીરિક અડપલા પણ કરતા હતા. બીજી તરફ, પતિ હાજર ન હોય ત્યારે પરિણીતાનો જેઠ ઘરે આવીને તેને અડપલા પણ કરતો હતો. આ બધાથી કંટાળીને પરિણીતાએ કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં પતિ, જેઠ અને નણંદ સામે છેડતી સહિતની ફરિયાદ દાખલ કરાવી છે.