અમદાવાદ: દસ્ક્રોઈ તાલુકાના પરઢોલ ગામના પરિવારનો એકનો એક યુવાન સાંતેજ કંપનીના એસ્ટેટના ગણેશ વિસર્જન સમયે ડૂબી જતાં ગ્રામજનો અને પરિવારજનોમાં ગમગીની છવાઈ ગઈ છે. વિસર્જન સમયે અન્ય મિત્રોએ વિસર્જનનો વીડિયો ઉતાર્યો હતો, જેમાં ડીજે ઉપર કેનાલ કિનારે વિસર્જન સમયે ‘આવતા જન્મારે મળીશું’ ગીત વાગતું હતું અને યુવાન કેનાલમાં અન્ય મિત્રો સાથે ઊતરે છે. ત્યાર બાદ એક વાર ડૂબે છે. મિત્ર એક વાર બચાવે છે પણ બીજી વખત ડૂબતો બચાવી શકતા નથી.
મિત્રોને કહ્યું, ‘છેલ્લીવાર ફોન કરું છુ હવે નહી કરુ’
મૃતદેહ બીજા દિવસે હાથ લાગતાં ગુરુવારે અંતિમક્રિયા કરવામાં આવી હતી. વિસર્જન પહેલાં યુવાને મિત્રોને ફોન પર ‘છેલ્લી વાર ફોન કરું છું, હવે નહીં કરું’ કહ્યું હતું અને સાચે જ એ તેનો છેલ્લો કૉલ હતી. આ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર અમદાવાદ જિલ્લાના દસ્ક્રોઈ તાલુકાના પરઢોલ ગામનો ૨૩ વર્ષીય યુવાન યોગેશ જીતુભાઈ પટેલ બુધવારે નિત્ય ક્ર્મ મુજબ સાંતેજ કંપનીમાં નોકરીએ ઉપર ગયો હતો.
કંપનીના ગણેશ વિસર્જનમાં ગયો હતો
બપોર બાદ એસ્ટેટમાં ગણેશ વિસર્જનમાં કંપનીના સૌ મિત્રો સાથે ગણેશ વિસર્જનમાં ગયા હતા. વિસર્જન સમયે અન્ય તરવૈયાઓ સાથે આ યુવાન પણ કેનાલમાં ઉતર્યો હતો પરંતુ અચાનક યુવાન ડૂબી ગયો હતો. અન્ય મિત્રો બચાવવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ યુવાનને ડૂબતો બચાવી શક્યા નહોતા. શોધખોળ કરવા છતાં યુવાન ન મળતાં તુરંત ફાયર બ્રિગેડને બોલાવવામાં આવી હતી, પરંતુ યુવાન હાથ લાગ્યો નહોતો.
બીજા દિવસે 40 કિમી દુરથી મળ્યો મૃતદેહ
દરમિયાન આ અંગેની જાણ તેના પરિવારજનોને કરાતાં પરઢોલ ગામના યુવાનો બહિયલના તરવૈયાઓ સાથે બચાવ કામગીરી માટે પહોંચી ગયા પરંતુ કમનસીબે તેઓના અથાગ પ્રયાસ છતાં યુવાનનો પતો લાગ્યો નહોતો. બીજા દિવસ ગુરુવારે સાંતેજથી 40 કિમી દૂરથી સાણંદ તાલુકાના તેલાવ ગામની કેનાલ પાસેથી તેનો મૃતદેહ મળી આવ્યો હતો. બાદમાં પોસ્ટમોર્ટમ કરાયા પછી ગુરુવારે સાંજે અંતિમક્રિયા કરાઇ હતી.