અમદાવાદ: વિશ્વભરના પાટીદારોને એકમંચ પર લાવવા માટે વૈષ્ણોદેવી નજીક 100 વીઘા જમીનમાં ‘સામાજિક એમ્પાવરમેન્ટ હબ’ આકાર લઈ રહ્યું છે. રાજ્યમાં સમાજના વિશ્વ ઉમિયા ફાઉન્ડેશને રવિવારે મંદિર અને કોમ્યુનિટી કોમ્પલેક્સ માટે સાડા 3 કલાકમાં જ 116 કરોડ રૂપિયા એકત્રિત કરી લીધા છે. સમાજના લોકોએ 40 એકરમાં બનનારા ઉમિયાધામ મંદિર માટે દાનની અપીલ કરી હતી, જેમાં લોકોએ ઉદાર મને સરેરાશ દર મિનિટે 55 લાખ રૂપિયાનું દાન કર્યું છે.
વિશ્વભરના પાટીદારોને એક તાંતણે જોડશે સામાજિક એમ્પાવરમેન્ટ હબ
ઉમિયા ધામમાં કડવા પાટીદારોનાં કુળદેવી ઉમિયા માતાનું મંદિર બનશે. આ સાથે અહીં હોસ્પિટલ, સ્પોર્ટ્સ અને કલ્ચર કોમ્પલેક્સ, એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ અને હોસ્ટેલ પણ બનાવવામાં આવશે. પ્રોજેક્ટ અંદાજે 1000 હજાર કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થશે. અમેરિકામાં હોટેલ બિઝનેસ સાથે સંકળાયેલા સી. કે. પટેલ તેના સંયોજક છે. તેમના જણાવ્યાનુસાર, ફાઉન્ડેશને 100 કરોડ રૂપિયા એકત્રિત કરવા માટે અપીલ કરી હતી, પરંતુ 115 કરોડનું દાન મળ્યું છે. કોઈ સામાજિક કાર્ય માટે આટલા ઓછા સમયમાં સૌથી વધુ ભંડોળ એકત્રિત થયું છે.
સર્વાંગી વિકાસનો ઉમદા હેતુ
આ સામાજિક એમ્પાવરમેન્ટ હબની ખાસ વાત એ છે કે, અહીં ફાઉન્ડેશન દ્વ્રારા ઉમિયા માતાનું 80 મીટર ઊંચું મંદિર તૈયાર કરવામાં આવશે. સાથે જ સામાજિક, શૈક્ષણિક અને આર્થિક સ્તરે સમાજના સર્વાંગી વિકાસ માટે સમાજને ઉપયોગી અત્યાધુનિક ભવનનું નિર્માણ કરાશે.
મુંબઈના નદાસા પરિવારે કર્યું 51 કરોડનું દાન
મુંબઈના ગોરેગાંવમાં રહેતા પટેલ નદાસા પરિવાર તરફથી 51 કરોડનું દાન કરવામાં આવ્યું છે. આ પરિવાર થોડાં વર્ષો પહેલાં મહેસાણાથી મુંબઈ રહેવા જતો રહ્યો હતો. આ પરિવાર ગોરેગાંવમાં સાત વર્ષ પહેલાં ઉમિયા માતાના મંદિર માટે જમીન આપી ચૂક્યો છે. હરદ્વારમાં ઉમિયા ધામ બનાવવા માટે પણ 71 લાખ રૂપિયા દાન કર્યા હતા