લગ્ન બાદ પત્નીને ફરાવવા માટે ચોરી કરી 17 બાઇક, આવી રીતે ખુલ્લી પોલ

લગ્ન પછી કપલની ઈચ્છા હોય છે કે તે બંને સાથે કોઈ સારી જગ્યાએ ફરવા જાય. ઘણી વખત લોકો બહાર ફરવા જાય છે. અને તેમના નવા લગ્ન જીવન નો આનંદ માને છે. જયારે કેટલાક લોકો બાઇક સવારી પણ પસંદ કરતા હોય છે. ત્યારે હાલમાં મહારાષ્ટ્રના થાણે જિલ્લાના એક નટવરલાલે એક અદ્ભુત પરાક્રમ કર્યું છે. આ વ્યક્તિએ લગ્ન બાદ તેની પત્નીને કોઈ સારી જગ્યાએ ફરાવવા માટે બધા થઇને 17 બાઇકની ચોરી કરી લીધી છે. પરંતુ આખરે તેની આ પોલ બધાની સામે આવી જ ગઈ અને તે પકડાઈ ગયો. પોલીસે તેની ધરપકડ કરી લીધી છે.

ખરેખર, આ ઘટના મહારાષ્ટ્રના થાણે જિલ્લાના મનપાડા વિસ્તારની છે. પીટીઆઈએ તેના એક રિપોર્ટમાં અધિકારીઓને ટાંકીને કહેવામાં આવ્યું છે કે વ્યક્તિના હાલમાં જ લગ્ન થયા છે અને તેની પત્ની સાથે બહાર જવા માટે બાઇક ચોરી કરવાનું નક્કી કર્યું. આ કેસમાં તેના સહયોગી પાંચ અને લોકોની પણ ધરપકડ કરવામાં આવી છે. પોલીસે કેટલાક ચોરાયેલા વાહનો પણ રીકવર કર્યા છે જેની કિંમત 5 લાખ રૂપિયાથી વધુ હોવાનું કહેવામાં આવી રહ્યું છે.

રિપોર્ટ અનુસાર આરોપીઓએ ઓછામાં ઓછી 17 મોટરસાઈકલની ચોરી કરી છે. જો કે આ આરોપી તેના લગ્ન બાદ તેની પત્ની સાથે ફરવાનો ખર્ચ ઉઠાવવા માટે બાઇકની ચોરી કરતો હતો. કલ્યાણ ઝોન-3ના ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ એસબી ગુંજાલે જણાવ્યું હતું કે મનપાડા અને તેની આસપાસના વિસ્તારોમાંથી બાઇક ચોરીની ઘણી ફરિયાદો મળી, જે બાદ પોલીસે આરોપીઓને શોધવા માટે વિશેષ ટીમો બનાવી હતી.

પોલીસની ટીમોએ CCTV ફૂટેજ સહિત બીજા અન્ય સૂત્રોમાંથી માહિતી એકઠી કરી હતી અને સ્થાનિક ભંગારના ડીલરો અને ગેરેજમાં પણ પૂછપરછ કરી હતી. પોલીસ દ્વારા શંકાસ્પદ ભંગારના ડીલરો અને ગેરેજ પર ચાંપતી નજર રાખી હતી. તપાસ દરમિયાન એક દીપક નામના વ્યક્તિને કસ્ટડીમાં લેવામાં આવ્યો અને પૂછપરછ દરમિયાન જ તેને આખી પોલ ખોલી દીધી હતી. તેને કહ્યું કે તે મનપાડા, કોલસેવાડી, વિઠ્ઠલવાડી, અંબરનાથ, નરપોલી, સેન્ટ્રલ અને બજારપેઠ પોલીસ સ્ટેશન વિસ્તારમાં મોટરસાઇકલોની ચોરીમાં સામેલ હતો.

તેને એ પણ જણાવ્યું કે તે તેની પત્ની સાથે પ્રવાસન સ્થળોએ ફરવા માટે પૈસા ભેગા કરવા માટે બાઇકની ચોરી કરતો હતો અને તેને વેચીને જે પૈસા મળતા હતા, તેનાથી ખર્ચ કરતો હતો. પોલીસે આ કામમાં દીપકની મદદ કરનારા પાંચ અન્ય લોકોની પણ ધરપકડ કરી છે. હાલ આ મામલે તપાસ કરવામાં આવી રહી છે.

Scroll to Top