મધ્યપ્રદેશમાં પત્ની હત્યા કરીને આત્મહત્યા કરનાર પનવાર સ્ટેશન પ્રભારી હિરા સિંહની બાબતે મોટો ખુલાસો થયો છે. પોલીસને હિરા સિંહની સુસાઇડ નોટ પોલીસને મળી આવી છે. પત્નીની બેવફાઇના કારણે તેમણે પહેલા પત્નીની હત્યા કરી હતી અને ત્યાર બાદ પોતે પણ આત્મહત્યા કરી લીધી હતી. સુસાઇડ નોટમાં તેમના દ્વારા પત્નીના લવ ટ્રાએંગલની વાત લખવામાં આવી છે. તેમાં લખ્યું છે કે, હું તેને પ્રેમ કરતો હતો તેથી જીવ લઇ રહ્યો છું અને હું પણ જીવ ગુમાવી રહ્યો છું.
શહડોલ પોલીસ દ્વારા કહેવામાં આવ્યું છે કે, સુસાઇડ નોટમાં બે યુવકોનો ઉલ્લેખ કરાયો છે. યુવકો તે જ ગામમાં રહે છે. આત્મહત્યા કરનાર થાના પ્રભારીએ જણાવ્યું છે કે, બંને પત્નીને બ્લેકમેઇલ કરી રહ્યા હતા. તેણે તેની પત્ની અને પરિવારને બર્બાદ કરી નાખ્યો છે. બંને પત્ની પાસેથી રૂપિયા પણ લેતા હતા. તપાસ અધિકારી દ્વારા કહેવામાં આવ્યું કે, જ્યારે આ બધી વાતોની જાણ હિરા સિંહને થઇ તો તેણે પત્નીને સુધરવાની વાત કરી હતી.
તેમની પત્ની આ વાતથી નારાજ થઇ ગઈ હતી અને ઘણા દિવસોથી વાત પણ કરી રહી નહોતી. આ વાતથી હિરા સિંહ પરેશાન થઈ ગયા હતા. બાળકો સાથે પણ તે કોઈ બીજાને મોબાઇલ લગાવી વાત કરતા રહેતા હતા. પોલીસ દ્વારા હાલ સુસાઇડ નોટ જપ્ત કરી લેવામાં આવી છે. પોલીસ દ્વારા બંને આરોપી યુવકોની ધરપકડ કરી લેવામાં આવી છે.
નોંધનીય છે કે, મધ્ય પ્રદેશના રિવા જિલ્લાના પનવાર થાના પ્રભારી દ્વારા પોતાની સર્વિસ રિવોલ્વરથી પત્નીની હત્યા કર્યા બાદ આત્મહત્યા કરી લેવામાં આવી હતી. પનવારના થાના પ્રભારી હિરા સિંહ શહડોલના ભાડાના મકાનમા રહેતા હતા. તેમનું ઘર પોલીસ લાઇનની પાસે જ રહેલું હતું. થાના પ્રભારી પત્ની રાની, 9 વર્ષની પુત્રી અને 14 વર્ષના પુત્ર સાથે રહેતા હતા. તે મૂળ અનુપપુર જિલ્લાના ખમરિયા ગામના રહેવાસી હતા.
જ્યારે ઘટના ઘટી ત્યારે તે સમયે તેમની પુત્રી ટીવી જોઈ રહી હતી અને પુત્ર ટ્યૂશન માટે ગયો હતો. જ્યારે પત્ની રાની રૂમમાં રહેલી હતી. હીરા સિંહે પુત્રીને ટીવીનો અવાજ વધારવા માટે જણાવ્યું હતું અને પછી તે બીજા રૂમમાં જતો રહ્યો હતો. ત્યાર બાદ થોડા સમય પછી રૂમમાંથી જોરદાર અવાજ આવ્યો હતો. આ અવાજ સાંભળી પાડોશી તેમના ઘરે દોડી આવ્યા હતા.
પાડોશીઓએ દીકરીને માતા-પિતા વિશે પૂછ્યું તો તેમણે રૂમ તરફ ઇશારો કર્યો હતો. પાડોશીઓએ દરવાજો ખખડાવ્યો હતો પણ કોઇ જવાબ સામે આવ્યો ન હતો. ત્યાર બાદ પોલીસને જાણ કરવામાં આવી હતી. અંદર બંનેની લાશ મળી આવી હતી. હિરા સિંહની કાન પટ્ટી પર ગોળી વાગવાનું નિશાન જોવા મળ્યું હતું. જયારે સર્વિલ્સ રિવોલ્વર પણ પાસે જ પડેલી જોવા મળી ગઈ હતી.