અમદાવાદમાં પત્નીની ભાભી સાથે જ પતિને પ્રેમ થતા થયો ફરાર, દોઢ મહિના સુધી બહાર રહ્યા બાદ ફર્યો પરત

અમદાવાદમાં પતિ પત્ની ઔર વો ના કિસ્સામાં સતત વધારો થઈ રહ્યો છે. જ્યારે આવી જ એક ઘટના શહેરના માધુપુરા પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. જેમાં પતિ દ્વારા અન્ય કોઈ સ્ત્રી સાથે નહીં પરંતુ પોતાની પત્નીના ભાઈની પત્ની સાથે જ ચાર વર્ષથી પ્રેમ સંબંધ બંધાયો હતો.

આ પ્રેમિકાને ઘરમાં લગ્ન કરી લાવવા પતિ પત્નીને ત્રાસ આપતો અને કાઢી પણ મુકતો હતો. અંદાજે 44 દિવસ પહેલા મહિલાનો પતિ અને ભાઈની પત્ની ઘરેથી ભાગી નાસી છૂટ્યા હતાં. ત્યાર બાદ માધવપુરા પોલીસ મથકમાં ગઈકાલના તે હાજર થયા હતા. હાજર થતા જ આ મહિલા ત્યાં પહોંચી તો પતિએ છૂટું કરી દેવા ધમકી આપી અને જાનથી મારી નાખવાની પણ ધમકી આપતા મહિલાએ પોતાના પતિ સામે ફરિયાદ દાખલ કરાવી દીધી છે.

શહેરના માધવપુરાના દુધેશ્વર ખાતે આવેલી એક કોલોનીમાં 30 વર્ષીય મહિલા 9 વર્ષના પુત્ર અને 5 વર્ષની પુત્રી તથા પતિ અને સાસુ સસરા સાથે વસવાટ કરી રહી હતી. વર્ષ 2011 માં આ મહિલાના લગ્ન થયા હતા. ત્યાર બાદ તે આ દુધેશ્વર ખાતે તેના સાસરે રહેવા લાગી હતી. છેલ્લા ચારેક વર્ષથી મહિલાનો પતિ તેને નાની નાની વાતોમાં બોલીને ઝઘડા કરી ત્રાસ આપી રહ્યો હતો. મહિલાને જાણ થઈ કે, તેના મોટા ભાઈની પત્ની સાથે પતિને આડા સંબંધો હતા અને તેની સાથે લગ્ન કરવા તે મહિલાને માર મારી ઝઘડા પણ કરી રહ્યો હતો.

તેની સાથે જાણવા મળ્યું છે કે, પતિ જ્યારે પણ આ મહિલાને ઘરમાંથી મારમારી કાઢી મુકતો ત્યારે મહિલા તેના પિયરજનો અને સાસુ સસરાને ફરિયાદ પણ કરતી હતી. ત્યારે આ તમામ લોકો સમાધાન કરાવી નાખતા હતા. પરંતુ મહિલાની ભાભી સાથે પતિને લગ્ન કરી ઘરમાં લાવવી હોવાથી તે મારમારી આ પ્રકારનો ત્રાસ આપી રહ્યો હતો.

ગત 14 મી ઓગસ્ટના રોજ મહિલાનો પતિ નોકરીએ જવાનું કહી ઘરેથી નીકળ્યો પરંતુ બાદમાં સાંજે તે પરત આવ્યો નહોતો. બીજી તરફ મહિલાના ભાઈની પત્ની એટલે કે તેની ભાભી પણ ઘરેથી સવારથી ગુમ થઈ ગઈ હતી. ભાભી ગુમ થવા બાબતે ઉમરેઠ પોલીસ સ્ટેશનમાં જાણ કરવામાં આવી હતી. જ્યારે મહિલાએ પણ માધવપુરા પોલીસ સ્ટેશનમાં આ બાબતની જાણ કરી હતી.

ગત રોજ 26 મીના રોજ મહિલાનો પતિ અને ભાભી માધવપુરા પોલીસ સ્ટેશન હાજર થતા જ મહિલા ત્યાં આવી ગઈ હતી. ત્યાં આવતા જ મહિલાના પતિ અને ભાભીએ ધમકી આપી હતી કે, તું શું અમારું બગાડી લઈશ અમે આ જ ઘરમાં રહીશું, તું છૂટું કરી નાખ નહીં તો જાનથી તને મારી નાખીશું. જેના કારણે મહિલાએ આ બાબતમાં તેના પતિ સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે જ્યારે પોલીસ દ્વારા આ બાબતમાં વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

Scroll to Top