એક ફિલ્મ કરવા માટે એક્ટર કે એક્ટ્રેસને શું-શું કરવું પડે છે? એક્ટિંગ તો અલગ વાત છે. પણ એવું જ એક મહત્ત્વનું પાસું છે – લૂક ચેન્જ. સ્વાભાવિક છે કે, દરેક ફિલ્મમાં અભિનેતા એક ભલે હોય પણ કિરદાર તો અલગ હોવાના. અને એ પ્રમાણે દરેક વખતે અભિનેતાનો દેખાવ પણ બદલવાનો. આને માટે મોટેભાગે મેક-અપનો સહારો લેવામાં બાવે છે. મેકઅપ આર્ટિસ્ટોની ટીમ આ કામ કરે છે.
પણ માત્ર મેકઅપથી કામ નથી ચાલતું. જો કોઈ પૌરાણિક પૃષ્ઠભૂમિ પર ફિલ્મ ચાલવાની હોય તો એ પ્રમાણે કોસ્યૂમ પણ ચેન્જ કરવો પડે છે. એવી જ રીતે કોઈ ગ્રામીણ કસ્બા આધારિત ફિલ્મનો કથાપ્રવાહ હોય તો અભિનેત્રીઓની બોલ્ડનેસ અહીં કામ નથી આવતી. દેહાતી લિબાસ ધારણ કરવો પડે. એ પ્રમાણે ચહેરો પણ બનાવવો પડે.
બસ, અહીં વાતનો ટોપિક આ જ છે. બોલિવૂડની કેટલીક ખ્યાતનામ હિરોઇનો, કે જેમને આપણે હંમેશા કામણગારી પહેરવેશમાં જ ફિલ્મોમાં જોઈએ છીએ – તેઓ ક્યારેક ગામડાની પટકથા પર બનેલી ફિલ્મોમાં કામ કરે તો કેવી લાગે? લાગે નહી, કેવી લાગી? કેમ કે, અહીઁ જે અભિનેત્રીઓની વાત કરવી છે તે એકદમ દેહાતી પહેરવેશમાં એવા રોલ પણ ભજવી ચૂકી છે જેમાં તેમને ઓળખવી પણ ઘડીભર મુશ્કેલ થઈ જાય. આવો જાણીએ કોણ છે આ લિસ્ટમાં : (પહેલું નામ અને લિબાસ તો ફેમસ છે, પણ એ સિવાય કેટલું જાણો છો એ પણ ચેક કરો.)
(1) અનુષ્કા શર્મા
બોલિવૂડની સુંદર અભિનેત્રીઓમાંની એક અનુષ્કા શર્માને ફિલ્મોમાં મોટેભાગે આધુનિક લેડીના પહેરવેશમાં જ જોઈ છે આપણે. પણ ૨૦૧૮માં આવેલી ફિલ્મ ‘સૂઈધાગા’માં એમણે કમાલ કરી દીધો. સાડી-બ્લાઉઝમાં તેણે અદ્દલ ગામડાનો પહેરવેશ ધારણ કર્યો. આ ફિલ્મમાં તે વરૂણ ધવનની પત્નીના રોલમાં છે. સોશિયલ મીડિયા પર અનુષ્કા શર્માના આ લૂકને લઈને ખુબ મજાકો પણ ઉડી હતી, મિમ્સ વાઇરલ થયા હતા. તો બીજી તરફ તેમની ભરપેટ પ્રશંસા પણ લોકોએ કરેલી.
(2) ઉર્વશી રાઉતેલા
મોટેભાગે ફિલ્મોમાં પોતાના બોલ્ડ લૂકને લીધે દર્શકોને આકર્ષિત કરનારી ઉર્વશીએ એક વખતમાં પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પોતાનો એક લૂક શેર કર્યો તો લોકો હક્કાબક્કા રહી ગયા. ઘડીભર ઓળખી ના શક્યા કે આ ઉર્વશી જ છે કે બીજું કોઈ!
વાત જાણે એમ હતી કે, ઉર્વશીએ ગ્રામીણ પહેરવેશમાં પોતાનો એક ફોટો શેર કર્યો. અલબત્ત, આ કોઈ ફિલ્મનો લૂક તો નહોતો. એક એડવર્ટાઇઝને લઈને તેણે આ લૂક જારી કર્યો હતો.
(3) આલિયા ભટ્ટ
આમ તો આલિયા ભટ્ટ પોતાની ફિલ્મોમાં ઠાઠમાઠવાળું સુંદર યુવતીનું પાત્ર ભજવવામાં માહેર છે પણ ૨૦૧૪માં આવેલી અને વિવાદાસ્પદ રહેલી ફિલ્મ ‘ઉડતા પંજાબ’માં તેમણે ભજવેલી એક ગ્રામીણ ખેડૂતની છોકરીની ભૂમિકા કોઈ ભૂલી શકે તેમ નથી. આ ફિલ્મમાં તે ખેતરોમાં કામ કરતી એક યુવતી તરીકે નજરે ચડી હતી.
(4) રાધિકા આપ્ટે
ધીમેધીમે પોતાની અભિનય ક્ષમતાથી લોકોમાં પ્રશંસાને પાત્ર બની રહેલી રાધિકા આપ્ટે માટે આ પ્રકારના રોલ કોઈ નવી વાત તો છે નહી. આમ પણ તેનો લૂક કોઈ ભભકાદાર રોમાન્ટીક ગર્લને શોભે એ પ્રકારનો નથી. જો કે, ૨૦૧૮માં આવેલી ફિલ્મ ‘પેડમેન’માં તેમણે અક્ષયકુમારની પત્નીનો જે કિરદાર ભજવ્યો, તે ગામડાની એક સીધીસાદી સ્ત્રીનો હતો. રાધિકા તેમાં બહુ સુંદર રીતે ઉપસી આવેલ.
આર્ટીકલ જાણકારીયુક્ત લાગ્યો હોય તો આપના મિત્રો સાથે શેર કરવાનું ના ચૂકતા.