GujaratNewsPolitics

વર્ષો પહેલા રાજકોટમાં મ્યુ.કમિશનરની બદલી રોકવા થયા હતા તોફાનો, રાજકોટમાં લગાવવો હતો કર્ફ્યુ

રાજકોટ: અમદાવાદમાં હાલ મ્યુનિસિપલ કમિશનર અને પોલીસ કમિશનરની બદલીને રોકવા લોકો દ્વારા સોશિયલ મીડિયામાં ઝુંબેશ ચાલી રહી છે. ત્યારે 1985માં આઇએએસ જગદીશનને રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર તરીકે નીમવામાં આવ્યા હતા. 18 મહિનાની ફરજમાં તેઓએ કરી બતાવ્યું હતું કે, મ્યનિસિપલ કમિશનરે કામ શું કરવાનું હોય. 18 મહિનાની ફરજ બાદ બદલી થવાની હતી ત્યારે રાજકોટના લોકોએ તેની બદલી રોકવા રસ્તા પર ઉતરી આવ્યા હતા અને તે સમયે લોકોની માલ મિલકતનું કરોડોનું નુકસાન થયું હતું.

1985માં જગદીશન રાજકોટના મ્યનિસિપલ કમિશનર તરીકે નિમાયા હતા, 18 મહિના ફરજ બજાવી

1980ની ગુજરાતની કેડરના આઈ.એ.એસ. અધિકારી સત્યનારાયણ જગદીશનને 1985માં રાજકોટ શહેરના મ્યુનિસિપલ કમિશનર તરીકે નીમવામાં આવ્યા હતી. તેમનો કાર્યકાળ 18 મહિનાનો રહ્યો પરંતુ આ 18 મહિનામાં જગદીશને બધાને દેખાડી દીધું કે ખરેખર મ્યુનિસિપલ કમિશનરની કામગીરી ખરા અર્થમાં શું હોય છે. તેમણે સૌ પ્રથમ આવતા જ શહેરમાં દબાણ હટાઓ ઝુંબેશ ચાલુ કરી શહેરના ટ્રાફિક સમા રોડ એવા જ્યુબેલી ચોક, ઢેબર રોડ જેવા અલગ અલગ રસ્તાઓ પરથી ગેર કાયદેસર દબાણો હટાવ્યા.

ત્યારબાદ જમીન માફિયાઓને બાનમાં લઇ ગેરકાયદેસર બિલ્ડિંગો બનતી અટકાવી. શહેરના રોડ રસ્તા પહોળા કરાવ્યા અને એક પ્રકારે ટ્રાફિક માટે પણ ખૂબ સરસ કામગીરી કરી . સૌથી મોટો પ્રશ્ન પાણીનો રાજકોટ શહેરમાં રહ્યો છે તેમણે પાણી વિતરણની વ્યવસ્થામાં વધારો કર્યો અને લોકોને ઘર સુધી પાણી મળી રહે તેવું આયોજન કર્યું. તેમણે જ્યાં જ્યાં નોકરી કરી ત્યાંથી તેમણે ભ્રષ્ટાચારને નેસ્તનાબૂદ કરી દીધું. કોઇની શરમ રાખ્યા વગરની આ કામગીરીને રાજકોટની જનતાએ વધાવી અને સત્યનારાયણ જગદીશને લોકોનું દિલ જીતી લીધું.

1987ના ઓક્ટોબર મહિનામાં બદલીનો ઓર્ડર આવ્યો

પરંતુ એક સાચા અધિકારીને રાજકીય પક્ષ દબાવે છે અને તેમણે બદલીનો રસ્તો દેખાડી દે છે. આવું જ કંઇક IAS જગદીશન સાથે બન્યું . સારી કામગીરી કરનાર વ્યક્તિ વધુ સમય ક્યાંય ટકી શકતો નથી તેમને પણ 1987ના ઓક્ટોબર મહિનામાં બદલીનો ઓર્ડર આવ્યો . આ બદલીના ઓર્ડરથી સમગ્ર રાજકોટની જનતામાં રોષ ફેલાયો હતો. બદલીના ઓર્ડરની વાયુ વેગે શહેરમાં વાત ફેલાતા સિટીઝન એક્શન કમિટીના નેજા હેઠળ આ બદલી અટકાવવા ચળવળ શરૂ થઈ.

6 ઓક્ટોબર 1987ના રોજ લોકોના મોટી સંખ્યામાં ટોળા શહેરના જગદીશનના બંગલાની બહાર એકઠા થવા લાગ્યા ત્યારે બંગલેથી તત્કાલિન કલેક્ટર રાજીવ ટકરુને ચાર્જ સોંપવા જતાં હતા ત્યારે બંગલામાંથી કાર બહાર કાઢતા જ યુવાનો તેમની કાર નીચે સૂઇ ગયા હતા. માહોલ વધુમાં વધુ બગડ્યો અને લોકોના વધુમાં વધુ ટોળાઓ એકઠા થવા લાગ્યા હતા. ત્યારે તત્કાલિન કલેક્ટરે મધ્યસ્થી કરી લોકોને સમજાવવાના પ્રયત્નો કર્યા પરંતુ લોકો ન માનતા વાતાવરણ તંગ બન્યું હતું.

લોકોના રોષનો ભોગ નેતાઓ બન્યા હતા

આ બદલીને લઈને લોકોમાં પ્રચંડ રોષ જોવા મળ્યો. લોકોના ટોળાં એટલા હિંસક બન્યા કે લોકોએ બેન્ક અને પોસ્ટઓફિસમાં આગ ચાંપી દીધી હતી. વાહનોમાં તોડફોડ કરવામાં આવી, વીજળી વ્યવસ્થાના વાયરો તોડી નાખવામાં આવ્યા જેને લઇને બે દિવસ સુધી સમગ્ર શહેરમાં વીજ પુરવઠો ખોરવાયો હતો, એસ.ટી. બસ વ્યવહાર ઠપ્પ રહ્યો હતો. લોકોનો રોષ આટલા સુધી જ સમાપ્ત થવાનો ન હતો જે રાજકીય લેવલે જગદીશનની બદલી કરવામાં આવી તે નેતાઓ પણ લોકોના રોષમાંથી બાકાત રહ્યા ન હતા. GPCC (ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કમિટી)ના તત્કાલિન મહામંત્રી ડો. શાંતાબેન ચાવડાના ઘર પર પણ ટોળાએ પથ્થર મારો કર્યો હતો તો તે તત્કાલિન સરકારના કેબિનેટ મંત્રી મનોહરસિંહજી જાડેજાના પેલેસ પર પણ પથ્થરમારો કર્યો હતો.

શહેરની પરિસ્થિતિ વકરતા કર્ફ્યું લાદી દેવામાં આવ્યું હતું

તે વખતના રાજકોટના તત્કાલિન પોલીસ કમિશનર આર.એન.ભટ્ટાચાર્ય રજા પર હતા. દરમિયાન શહેરની પરિસ્થિતી વધુ વકરતા કર્ફ્યું લાદી દેવામાં આવ્યું હતું. તત્કાલિન DIG પી.કે.દત્તા દ્વારા ટોળાં પર રાયોટિંગના ગુનાઓ નોંધવાનું ચાલુ કર્યું. પરિસ્થિતી એટલી ખરાબ થઇ ચૂકી હતી કે SRPFની આઠ ટીમ રાજકોટમાં ઉતારવામાં આવી. આ રાયોટિંગમાં એક પોલીસ કોન્સ્ટેબલને પોતાની આંખ ગુમાવી પડી હતી.

આંખ ગુમાવ્યા છતાં પણ તે કોન્સ્ટેબલે જણાવ્યુ હતું કે આપણાં દેશમાં પ્રમાણિકતાથી કામ કરતાં અધિકારીઓની સંખ્યા ઘણી ઓછી છે તેમાથી જગદીશન એક છે અને તેમની સાથે અન્યાય થયો છે. એટલુ જ નહીં તે સમયે તત્કાલિન DIG પી.કે.દત્તા દ્વારા શહેરને જલ્દી છોડવા જગદીશનને ચીમકી આપવામાં આવી અને તે બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી પણ થઇ હતી. અંતે મ્યુનિસિપલ કમિશનર સત્યનારાયણ જગદીશન રાજકોટ છોડી અમદાવાદ જવા નિકળી ગયા હતા.

બદલીના ભણકારા સાંભળતા શહેરીજનો જાગૃત થયા

શહેરના વિવિધ વિસ્તારોમાં વર્ષોથી ટ્રાફિક અને દબાણની સમસ્યા રાતોરાત દુર કરવામાં આવતા શહેરીજનોમાં બન્ને અધિકારીઓ પ્રત્યે કુણી લાગણી ઉભી થઇ છે. તેજ સમયે એકાએક બન્ને અધિકારીઓની બદલીઓના ભણકારા શહેરીજનો સુધી પહોંચી જતા બદલીઓ અટકાવવા માટે નગરજનોએ સોસિયલ મિડીયામાં એક ઝૂબેસ શરુ કરીને પ્રજાને જાગૃત થવા માટે અપલી કરી છે.

 

સોશિયલ મીડિયામાં વાયરલ મેસેજ

સોશિયલ મિડીયામાં વાયરલ થયેલા મેસેજેમાં એવુ કહેવામાં આવે છે કે 10 દિવસમાં અમદાવાદની રોનક બદલી નાખનાર બન્ને કમિશનરની બદલીઓ રોકો જો આ બદલીઓ રોકવામાં નહી આવે તો આપણું શહેર કોઇ દિવસ સ્વચ્છ અને ટ્રાફિક મુક્ત નહી થાય બન્ને અધિકારીઓની આ ઝુંબેશ દરમિયાન ટ્રાફિકના નિયમનુ ભંગ કરીને હસતા મોઢે દંડ ભરીને સહકાર આપી રહ્યા છે.નગરજનોનુ કહેવુ છે કે છેલ્લા ઘણા સમયથી ટ્રાફિક અને દબાણની સમસ્યાથી ગુંગળામણ અનુભવી રહેલા અમદાવાદ શહેરને ખુલ્લામં શ્વાસ લેવાની તક આ બન્ને અઘિકારીના કારણે મળી છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker