નવી દિલ્હી- તાજેતરમાં જ નરેન્દ્ર મોદીએ એક એવી વ્યક્તિનો ઉલ્લેખ કર્યો હતો જેમણે ગટરમાંથી નીકળતા ગેસમાંથી ચા બનાવી હતી. જો કે વડાપ્રધાન મોદીના આ નિવેદન પછી લોકોએ તેમને ઘણાં ટ્રોલ કર્યા હતા. લોકોએ અનેક મીમ્સ બનાવ્યા હતા.
પરંતુ વડાપ્રધાન મોદીએ જેનો ઉલ્લેખ કર્યો હતો તે શ્યામ રાવ શિર્કેએ પોતે આખી વાતનો ખુલાસો કર્યો છે. શ્યામ રાવ શિર્કે મિકેનિકલ કોન્ટ્રાક્ટર છે, જેમણે સીવેજ કીચડથી બાયો-સીએનજીના ઉત્પાદનની પેટન્ટ કરાવી છે. તેમણે કહ્યું કે, મેં ગટરમાંથી પાણી ભેગુ કર્યું અને પાણીના પરપોટા ભેગા કરવા માટે મિની ‘કલેક્ટર’ બનાવ્યું, ગેસ હોલ્ડર બનાવવા માટે એક ડ્રમનો ઉપયોગ કર્યો. ટેસ્ટિંગ કરતી વખતે સિસ્ટમ ફંક્શનલ હતી. મેં તેને ગેસ સ્ટવ સાથે જોડીને ચાર બનાવી.
શ્યામ રાવ જણાવે છે કે, છત્તીસગઢ સાયન્સ એન્ડ ટેક્નોલોજી દ્વારા આ શોધને આગળ લઈ જવા માટે મને પૈસા આપ્યા. મેં સિસ્ટમ તૈયાર કરી અને એક ગટરમાં સ્થાપિત કરી. 3 દિવસમાં પૂરતો ગેસ એકઠો થયો. તેને એક ઘરમાં ઈન્સ્ટોલ કરવામાં આવી, જ્યાં તેની મદદથી 4-5 મહિના સુધી જમવાનું રાંધવામાં આવ્યું.
શ્યામ રાવે આગળ કહ્યું કે, વૈજ્ઞાનિકોએ મને જણાવ્યું કે મારા પેપર ઉચ્ચ અધિકારીઓને મોકલવામાં આવ્યા છે. આ વાતને 2 વર્ષ થઈ ગયા અને હું તેના વિષે ભુલી ગયો હતો. હવે મને ખબર પડી કે મોદીજીએ તેમના ભાષણમાં મારી શોધનો ઉલ્લેખ કર્યો છે. શ્યામ રાવે જણાવ્યું કે, તેમને કોઈએ નાણાંકીય મદદ નહોતી કરી. નગરપાલિકાના લોકોએ તેમના સાધનો ફેંકી દીધા અને કહ્યું કે તે બેકાર છે. સાયન્સ એન્ડ ટેક્નોલોજી ડિપાર્ટમેન્ટના લોકોએ મને FIR દાખલ કરવાનું કહ્યુ પરંતુ હું નિરાશ હતો માટે મેં કોઈ પગલા ન લીધા.
તેમણે જણાવ્યું કે, રાહુલ ગાંધીજીએ જે કહ્યું તે મને પસંદ ન આવ્યુ અને મેં નહોતુ વિચાર્યું કે તે આટલા અપરિપક્વ છે. ઉલ્લેખનીય છે કે વડાપ્રધાને આ ઘટનાનો ઉલ્લેખ કર્યા પછી રાહુલ ગાંધીએ કર્ણાટકમાં એક જનસભા દરમિયાન આ વાતની મજાક ઉડાવી હતી. તેમણે કહ્યું કે, વડાપ્રધાન મોદીએ દર વર્ષે 2 કરોડ નોકરી આપવાનું વચન આપ્યુ હતુ અને હવે તે યુવાનોને પકોડા બનાવવાનું કહી રહ્યા છે. તેમણે ગેસ કનેક્શન આપવાનું વચન આપ્યુ હતું અને હવે ગટરમાંથી ગેસનો ઉપયોગ કરવાનું કહી રહ્યા છે. ગટરમાં પાઈપ લગાવો અને ઢાબા પર પકોડા બનાવો. આ છે મોદીજીની યુવાનોને રોજગાર આપવાની નીતિ.