વલસાડ જિલ્લાની ભીલાડ પોલીસ દ્વારા પેટ્રોલ પંપ પર આતંક મચાવનાર યુવકને ઝડપી પાડવામાં આવ્યો છે. આ યુવક પેટ્રોલ પંપ પર પોતાની કારને ફૂલ કરાવ્યા બાદ પૈસા આપ્યા વગર નાસી છુટ્યો હતો. આ રીતે તેના દ્વારા આઠ વખત પેટ્રોલ પંપના માલિકોને ચૂનો લગાવવામાં આવ્યો હતો.
ધવલ જાડેજા નામનો યુવક મહારાષ્ટ્રના એક પેટ્રોલ પંપ પર આવી જ રીતે છેતરપિંડી કરીને ફરાર થયો હતો. ત્યાર બાદ પેટ્રોલ પંપ સંચાલકો અને પોલીસ દ્વારા પીછો કરવામાં આવ્યો હતો. ભીલાડ પોલીસ દ્વારા આરોપીને નાકાબંધી કરીને દબોચી લેવામાં આવ્યો હતો.
પ્રાપ્ત માહિતી મુજબ, વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના ફણસાનો ધવલ જાડેજા નામનો વ્યક્તિ સુખી પરિવારમાંથી આવે છે. તે હરવા-ફરવા અને મોજશોખથી ટેવાયેલો ઘવલ જાડેજા મોંઘીદાટ ગાડીઓમાં ફરતો રહે છે. તેમ છતાં તેની કરતૂતો કોઈ ગુનેગાર જેવી રહેલી છે. ધવલની કરતૂતો સીસીટીવીમાં કેદ થયા બાદ પોલીસ દ્વારા તેને ઝડપી પાડવામાં આવ્યો છે.
ધવલ જાડેજા ગાડીમાં ડીઝલ ભરાવવા માટે મોટાભાગે વલસાડ જિલ્લામાંથી પસાર થતા અમદાવાદ-મુંબઈ નેશનલ હાઇવે પર આવેલા પેટ્રોલ પંપ પર જતો હોય છે. કાળા કાચ વાળી ગાડીનો ઉપયોગ કરતો ધવલ પેટ્રોલ પંપ પર ટાંકી ફૂલ કરાવવા જાય તે પહેલા જ ગાડીની નંબર પ્લેટ પર કપડું ઢાંકી દેતો હતો. પેટ્રોલ પંપો પર ગાડી ટાંકી ફૂલ કરાવ્યા બાદ તે બીલ ચૂક્યા વગર જ નાસી છુટતો હતો.
જાણકારી મુજબ જાણવા મળ્યું છે કે, અત્યારસુધી ધવલ જાડેજા નામના વ્યક્તિ દ્વારા નવથી વધારે પેટ્રોલ પંપો પર આ રીતે છેતરપિંડી અને વિશ્વાસઘાત કરવામાં આવ્યો છે. ભીલાડ પોલીસ દ્વારા આં નબીરાને ઝડપી જેલમાં ધકેલી દેવામાં આવ્યો છે. પોલીસની તપાસમાં ધવલ જાડેજા વલસાડ જિલ્લાના ઉદવાડા અને ગુજરાત અને મહારાષ્ટ્રની ઉપર આવેલા મહારાષ્ટ્રના તલાસરી અને આજુબાજુના વિસ્તારના પેટ્રોલ પંપોને તે નિશાન બનાવતો હતો.
આ કેસમાં પોલીસ દ્વારા અત્યારસુધીમાં આરોપીએ જે પેટ્રોલ પંપો પર ગુના આચર્યા છે તે પેટ્રોલ પંપોના સીસીટીવી ફૂટેજ મેળવવામાં આવ્યા છે. હજુ પણ આગામી તપાસમાં આરોપીએ આ રીતે કેટલા પેટ્રોલ પંપના માલિકોને શિકાર બનાવ્યા છે તેની તપાસ કરવામાં આવી રહી છે.
પ્રાપ્ત માહિતી મુજબ, ધવલ બિલ્ડિંગ કન્ટ્રક્શનના વ્યવસાય સાથે જોડાયેલ છે. તે પોતાની Endeavour કારમાં ડીઝલ ભરાવીને નાસી છુટતો હતો. આ મુદ્દે તેની સામે નંદીગામ પેટ્રોલપંપ પર 59 લીટર ડીઝલ ભરાવી રૂપિયા રકમ ચૂકવી ન હોવાની ફરિયાદ ભીલાડ પોલીસ મથકમાં દાખલ કરવામાં આવી હતી.
આ મુદ્દે પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી હતી.
જે અનુસંધાને પેટ્રોલ પંપના સીસીટીવીને તપાસ કરવામાં આવ્યા હતા. આ દરમિયાન પોલીસને એવી જાણકારી મળી હતી કે, પેટ્રોલ પંપને ચૂનો લગાડનાર યુવક ઉમરગામ તાલુકાના ફણસાનો ધવલ જાડેજા જ છે. ત્યાર બાદ પોલીસ દ્વારા તેની અટકાત કરવામાં આવી હતી.h