વડોદરાના કરજણના પોલીસ ઈન્સપેક્ટર અજય દેસાઈની પત્ની સ્વીટી પટેલના ગુમ થયાને બે આજે મહિના થઈ ગયા છે. તેમ છતાં વડોદરા પોલીસ સ્વીટી ક્યાં છે તેને લઈને ભેદ ઉકેલી શકી નથી. જેના કારણે સમગ્ર મામલો ગૃહ રાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજાએ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને સોંપી દીધો હતો. ક્રાઈમ બ્રાન્ચ દ્વારા તપાસ સોંપાયાના એક અઠવાડિયામાં જ ઘટનાનો ભેદ ઉકેલી સ્વીટી પટેલની હત્યા ખુદ ઈન્સપેક્ટર અજય દેસાઈએ જ કરી હોવાનો ઘટસ્ફોટ કરી નાખવામાં આવ્યો છે.
વડોદરા ગ્રામ્યના એસઓજી ઈન્સપેક્ટર અજય દેસાઈની પત્ની સ્વીટી પટેલના ગુમ થયા હોવાની ફરિયાદ બે મહિના અગાઉ સ્વીટીના પરિવારજનો દ્વારા કરજણ પોલીસમાં નોંધાવવામાં આવી હતી. કરજણ પોલીસની તપાસ દરમિયાન અજય દેસાઈએ તે કૃત્ય કર્યું હોવાનો ખુલાસો થયો હતો. બે મહિનાની લાંબી તપાસ બાદ પણ વડોદરા પોલીસ આ મામલામાં કોઈ નોંધપાત્ર કાર્યવાહી કરવામાં નિષ્ફળ રહી હતી. જ્યારે મામલાની ગંભીરતા જોતા ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા દ્વારા આ તપાસ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને સોંપવામાં આવતા ક્રાઈમ બ્રાન્ચના આસીસ્ટન્ટ પોલીસ કમિશનર ડી પી ચુડાસમાએ તપાસની જવાબદારી સંભાળી લીધી હતી.
ક્રાઈમ બ્રાન્ચની તપાસમાં અનેક ઘટનાઓમાં અજય દેસાઈની ભૂમિકા શંકાસ્પદ હોવાનું સામે આવ્યું હતું. જે દિવસે સ્વીટી પટેલ ગુમ થઇ હતી તે દિવસે સૌથી પહેલા શંકાસ્પદ બાબત એ રહી હતી કે, અજય દેસાઈ પોતાની કાર બંગલાની બહાર પાર્ક કરતા હતા પરંતુ તે રાત્રે તે પોતાની કાર રાતના એક વાગ્યે રિવર્સ કરી બંગલામાં દાખલ કરતા જોવા મળ્યાં હતાં. રાત્રીના એક વાગ્યાના સુમારે તેઓ કરજણની એક હોટલના માલીકને ફોન કરે છે અને તેમની કાર બંગલાની બહાર નીકળતી જોવા મળે છે.
જ્યારે કરજણ ટોલનાકા ઉપર તેમની કાર જોવા મળે છે તેમ છતાં મહત્વની બાબત એ છે કે, જે હોટલ માલીકને મળવા તે હોટલ પર નીકળ્યા હતા. તે હોટલના સીસીટીવી ફૂટેજ તે જ દિવસના ગુમ થઈ ગયા હતા. જ્યારે ભરૂચના દહેજ વિસ્તારમાં જે મકાનમાંથી માનવ અસ્થી મળી છે તે મકાનની માલીકી પણ કરજણના હોટલ માલીકની જ છે અને ઈન્સ્પેક્ટર અજય દેસાઈના મોબાઈલનું લોકેશન પણ ત્યાં જ જોવા મળ્યું છે.
ક્રાઈમ બ્રાન્ચની તપાસના સુકાન સંભાળ્યા બાદ અજય દેસાઈનો નાર્કો ટેસ્ટ કરાવવાનો હતો પરંતુ તેઓ આ નાર્કો ટેસ્ટને ટાળવાનો પ્રયત્ન કરી રહ્યા છે. જેના કારણે ક્રાઈમ બ્રાન્ચના સિનિયર અધિકારીઓએ અજય દેસાઈની સખ્ત પુછપરછ કરવામાં આવતા અને મળેલા પુરાવાઓ તેમની સામે રજુ કરવામાં આવતા અજય દેસાઈ ભાંગી પડ્યા હતા અને તેમણે જ સ્વીટી પટેલની હત્યા કરીને લાશ સળગાવી નાખી હોવાનું કબૂલ કર્યું હોવાનું સુત્રો દ્વારા જાણવા મળ્યું છે. આ બાબતમાં ટુંક જ સમયમાં ક્રાઈમ બ્રાન્ચ દ્વારા સત્તાવાર રીતે ખુલાસો કરવામાં આવશે.