પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ચક્રવાત તૌકતેથી ઊભી થયેલી સ્થિતિની સમીક્ષા કરવા ગુજરાતની મુલાકાત લીધી હતી. ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ચક્રવાત ‘તૌકતે’ થી ગુજરાતમાં થયેલ નુકસાનને ધ્યાનમાં રાખીને રાજ્યમાં તાત્કાલિક રાહત કાર્ય માટે 1000 કરોડ રૂપિયાની આર્થિક સહાયની જાહેરાત કરી છે. આ ઉપરાંત ‘તૌકતે’ ને કારણે રાજ્યને થયેલા નુકસાનની માહિતી લેવા કેન્દ્રીય મંત્રીમંડળની એક આંતર-મંત્રાલયની ટીમને રાજ્યની મુલાકાત માટે મોકલવામાં આવશે. પ્રધાનમંત્રી કાર્યાલયે આજે આ માહિતી આપી હતી.
પીએમઓએ એમ જણાવ્યું છે કે સમગ્ર દેશમાં ચક્રવાતી વાવાઝોડા ‘તૌકતે’ ને કારણે મૃત્યુ પામેલા પરિવારને 2 લાખ રૂપિયા અને ઘાયલોને 50 હજાર રૂપિયા આપવામાં આવશે. ગુજરાત પહોંચેલ પીએમ મોદીએ રાજ્યમાં કોરોના વાયરસની સ્થિતિની સમીક્ષા પણ કરી હતી. જે પ્રધાનમંત્રીએ ગુજરાતમાં ઉના (ગિર – સોમનાથ), જાફરાબાદ (અમરેલી), મહુવા (ભાવનગર) અને દીવમાં ચક્રવાતથી અસર પામેલા વિસ્તારોનો હવાઈ સર્વે કર્યો હતો.
આ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે ગુજરાત અને દીવમાં ચક્રવાત વાવાઝોડા ‘તૌકતે’ થી પ્રભાવિત વિસ્તારોનો હવાઈ સર્વે કર્યો હતો અને કહ્યું હતું કે કેન્દ્ર સરકાર ચક્રવાતથી પ્રભાવિત તમામ રાજ્યો સાથે મળીને કામ કરી રહી છે. આ પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ચક્રવાત ‘તૌકતે’ ને કારણે ગુજરાતમાં થયેલા નુકસાનની આકારણી કરવા માટે અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી.
આ દરમિયાન ગુજરાતના મુખ્યમંત્રી પણ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા. ગુજરાતમાં આ મુલાકાત દરમિયાન તેમની સાથે મુખ્યમંત્રી વિજય રૂપાણી અને અન્ય અધિકારીઓ પણ સામેલ થયા હતા. પ્રધાનમંત્રીએ ભારતના વિવિધ વિસ્તારોમાં ચક્રવાતને કારણે અસર પામેલા તમામ લોકોની સાથે હોવાની લાગણી વ્યક્ત કરી હતી તથા આ આપત્તિ દરમિયાન પોતાના સગાસંબંધીઓ ગુમાવનાર લોકો પ્રત્યે દુઃખ અને શોકની લાગણી વ્યક્ત કરી હતી.
પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકાર ચક્રવાત પછી ઊભી થયેલી સ્થિતિમાં અસરગ્રસ્ત રાજ્યોની સરકારો સાથે સંકલન સ્થાપિત કરીને કામ કરી રહી છે. આ રાજ્યો માટે તાત્કાલિક નાણાકીય સહાય આપવામાં આવશે, જે માટે સંબંધિત રાજ્યો સરકારોએ કેન્દ્ર સરકાર સમક્ષ તેમની આકારણી રજૂ કરવી પડશે, જેના આધારે નાણાકીય સહાયનો નિર્ણય લેવામાં આવશે.
પ્રધાનમંત્રી મોદીએ જણાવ્યું હતું કે, આપણે આપત્તિ વ્યવસ્થાપનના સંબંધમાં વધારે વૈજ્ઞાનિક અભ્યાસ હાથ ધરવા ધ્યાન કેન્દ્રિત કરવાનું જાળવી રાખવું પડશે. તેમણે આંતર-રાજ્ય સંકલન વધારવા અને અસરગ્રસ્ત વિસ્તારોમાંથી ઝડપથી સ્થળાંતરણ થાય એ સુનિશ્ચિત કરવા આધુનિક સંચાર ટેકનિકોનો ઉપયોગ કરવા પર વધારે ધ્યાન કેન્દ્રિત કરવાની અપીલ કરી હતી. તેમણે નુકસાન થયેલા ઘરો અને અસરગ્રસ્ત વિસ્તારોમાં મિલકતોનું સમારકામ કરવાની પણ અપીલ કરી હતી.
ગુજરાતમાં તોફાન તૌકતેને કારણે 45 લોકોનાં મોત
બીજી તરફ, ગુજરાતના 12 જિલ્લાઓમાં ચક્રવાતી વાવાઝોડાને કારણે લગભગ 45 લોકોનાં મોત થયા છે. અધિકારીઓએ બુધવારે જણાવ્યું હતું કે ચક્રવાતને કારણે સૌથી વધુ અસરગ્રસ્ત સૌરાષ્ટ્ર વિસ્તારમાં 15 લોકોનાં મોત થયાં છે. અધિકારીએ જણાવ્યું કે અમદાવાદમાં પાંચ લોકોના મોત, ખેડામાં બે, આણંદ, વડોદરા, સુરત, વલસાડ, રાજકોટ, નવસારી અને પંચમહાલ જિલ્લામાં એક-એક વ્યક્તિનાં મોત થયાં છે. તેમણે જણાવ્યું હતું કે વાવાઝોડા દરમિયાન દિવાલો પડી જવાને કારણે 24 લોકોનાં મોત નીપજ્યાં હતાં, જ્યારે તેમના પર વૃક્ષો પડવાના કારણે છ લોકોનાં મોત નીપજ્યાં હતાં. ઘરના પતન અને કરંટને કારણે પાંચ લોકોનાં મોત, છત તૂટી પડતાં ચાર લોકોનાં મોત થયાં હતાં અને ટાવર તૂટી પડતાં એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કેરળ, કર્ણાટક, ગોવા, મહારાષ્ટ્ર, ગુજરાત, રાજસ્થાન રાજ્યો તથા દીવ અને દમણ તથા દાદરા નગર હવેલી કેન્દ્રશાસિત પ્રદેશોમાં ચક્રવાતમાં મૃત્યુ પામેલા લોકોના પરિવારજનોને રૂ. 2 લાખ અને ઇજાગ્રસ્ત લોકોને રૂ. 50,000ની સહાય આપવાની જાહેરાત કરી હતી.