યુક્રેન સંકટ પર PM મોદીની ઉચ્ચ સ્તરીય બેઠક, આ મુદ્દે લેવામાં આવી અપડેટ

વડાપ્રધાન મોદીએ યુક્રેન-રશિયા વિવાદ પર ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી. વડાપ્રધાન મોદીએ આ બેઠકમાં ઓપરેશન ગંગાની સફળતા અંગે અપડેટ લીધી હતી. જણાવી દઈએ કે વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર ખાર્કિવમાંથી તમામ ભારતીયોને બહાર કાઢી લેવામાં આવ્યા છે.

પીએમએ ઘણી બેઠકો કરી

વડાપ્રધાન મોદી રવિવારથી અત્યાર સુધી આવી અનેક બેઠકોની અધ્યક્ષતા કરી ચુક્યા છે. ઉલ્લેખનીય છે કે, કેન્દ્ર સરકાર એવા ભારતીય વિદ્યાર્થીઓને પરત લાવવાનો પ્રયાસ કરી રહી છે જેઓ રશિયાના હુમલા બાદ યુક્રેન છોડવા માગે છે.

ઓપરેશન ગંગાની અપડેટ્સ જાણી

મોદીની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં વિદેશ મંત્રી એસ. જયશંકર અને તેમના કેબિનેટ સહયોગી પીયૂષ ગોયલ ઉપરાંત ઘણા ટોચના અમલદારોએ હાજરી આપી હતી. ભારતે પોતાના નાગરિકોને બહાર કાઢવા માટે ‘ઓપરેશન ગંગા’ શરૂ કર્યું છે અને આ કવાયતનું સંકલન કરવા માટે યુક્રેનના પડોશી દેશોમાં વડાપ્રધાનના વિશેષ દૂત તરીકે 4 કેન્દ્રીય મંત્રીઓને મોકલ્યા છે.

https://twitter.com/ANI/status/1500121520219504645

યુક્રેનથી 3 હજાર ભારતીયોને લાવવામાં આવ્યા

તમને જણાવી દઈએ કે થોડા સમય પહેલા જ વિદેશ મંત્રાલયે કહ્યું હતું કે, ‘શનિવારે એક વિશેષ ફ્લાઈટ દ્વારા 3 હજાર ભારતીયોને યુક્રેનથી પરત લાવવામાં આવ્યા હતા. આ લોકોને યુક્રેનના પડોશી દેશોમાંથી એરલિફ્ટ કરવામાં આવ્યા હતા અને તેમને ભારત આવનારી વિશેષ ફ્લાઈટમાં બેસાડવામાં આવ્યા હતા. અત્યાર સુધીમાં 13 હજાર 700 ભારતીયોને વિશેષ ફ્લાઇટ દ્વારા સુરક્ષિત પરત લાવવામાં આવ્યા છે.’

વિદેશ મંત્રાલયે આપી ખાતરી

વિદેશ મંત્રાલયે કહ્યું કે ખાર્કિવ અને સુમી સિવાય 10,000થી વધુ લોકોને યુક્રેનમાંથી બહાર કાઢવામાં આવ્યા છે. અમે લોકોને સુમીમાંથી બહાર કાઢવામાં કોઈ કસર છોડીશું નહીં. ભારતીયોએ પશ્ચિમી સરહદો પર હજુ થોડા કલાકો રાહ જોવી પડશે. પરંતુ ભરોસો કરો કે તમને ટૂંક સમયમાં યુક્રેનમાંથી બહાર કાઢી લેવામાં આવશે.

Scroll to Top