શ્રાવણ મહિનામાં લોકાર્પણ છે તેવામાં સોનામા સુગંધ ભળે તેવી સ્થિતિ છે જેના પગલે મહાદેવની નગરી સોળે કળાએ ખીલી ઉઠી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 20 ઓગસ્ટના રોજ સવારે 11 વાગ્યે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા ગુજરાતમાં સોમનાથ મંદિર સંબંધિત અનેક પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે.
સોમનાથ સહેલગાહ, સોમનાથ પ્રદર્શન કેન્દ્ર અને જૂના સોમનાથના જીર્ણોદ્ધાર મંદિર સંકુલનો સમાવેશ થાય છે. સોમનાથ મંદિરને નવા વિકાસકાર્યોની ભેટ મળવા જઇ રહી છે ત્યારે પ્રભાસપાટણ ક્ષેત્રના લોકો અને ટ્રસ્ટીઓ સહિત તંત્રમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. મંદિરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમનાથ મંદિર ટ્રસ્ટના ચેરમેન બન્યા બાદ વિકાસ કાર્યોને વેગ મળ્યો છે.
સોમનાથ પ્રોમેનેડ ને PRASHAD (યાત્રાધામ કાયાકલ્પ અને આધ્યાત્મિક, હેરિટેજ પ્રમોશન ઝુંબેશ) યોજના હેઠળ કુલ રૂ. 47 કરોડથી વધુના ખર્ચે વિકસાવવામાં આવી છે. મંદિર અને આસપાસનાં વિસ્તારોનું આધુનિકરણ કરવામાં આવી રહ્યું છે. સોમનાથ મંદિરનું સંકુલ પણ વિશાળ બનાવવામાં આવી રહ્યું છે. સોમનાથ કલાકેન્દ્રમાં બનેલ પૌરાણિક સંગ્રહાલયનું લોકાર્પણ પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ કરશે.
સોમનાથ ટ્રસ્ટ દ્વારા 100 કરોડ કરતા વધારે ના ખર્ચ થી તૈયાર થયેલ 4 વિકસાત્મક કાર્યોનું લોકાર્પણ અને પાર્વતી મંદિરનું ખાતમુહર્ત વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમીત શાહ વર્ચ્યુઅલ માધ્યમથી કરશે. ‘પ્રવાસી સુવિધા કેન્દ્ર’ ના પરિસરમાં વિકસિત સોમનાથ પ્રદર્શન કેન્દ્ર, જૂના સોમનાથ મંદિરના ટુકડા થયેલા ભાગો અને જૂના સોમનાથના નાગર શૈલીના મંદિર સ્થાપત્ય શિલ્પો દર્શાવે છે.
શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા રૂ. 3.5 કરોડના ખર્ચે જૂના સોમનાથનું જીર્ણોદ્ધાર મંદિર સંકુલ પૂર્ણ કરવામાં આવ્યું છે. આ મંદિર અહિલ્યાબાઈ મંદિર તરીકે પણ ઓળખાય છે કારણ કે તે ઈન્દોરની રાણી અહિલ્યાબાઈ દ્વારા બનાવવામાં આવ્યું હતું. અહિલ્યા બાઈએ મંદિરને ખંડેરોમાંથી બદલીને તેને હેરિટેજમાં ફેરવી દીધું હતું. યાત્રાળુઓની સલામતી અને ઉન્નત ક્ષમતા માટે સમગ્ર જૂના મંદિર સંકુલનો સંપૂર્ણપણે પુન:વિકાસ કરવામાં આવ્યો છે.
30 કરોડના ખર્ચે પાર્વતી મંદિર બનાવવાની દરખાસ્ત છે. જેમાં સોમપુરા સલાટ શૈલીમાં મંદિરનું નિર્માણ, ગર્ભગૃહનો વિકાસ અને નૃત્ય મંડપનો સમાવેશ થાય છે. આ પ્રસંગે ગુજરાતના સીએમ અને ડેપ્યુટી સીએમ સાથે કેન્દ્રીય ગૃહમંત્રી, કેન્દ્રીય પ્રવાસન મંત્રી ઉપસ્થિત રહેશે. હાલ મંદિર પ્રથમ જ્યોતિર્લિંગ હોવાના કારણે શ્રધ્ધાળુઓ માટે આસ્થાનું કેન્દ્ર તો છે જ સાથે સાથે અન્ય કેટલાક વિકાસ કાર્યો દ્વારા તેને હવે આકર્ષણનું કેન્દ્ર બનાવવા માટે પણ મોદી સરકાર કામગીરી કરી રહી છે.
સોમનાથ મંદિર નજીક 49 કરોડના ખર્ચે બનેલ અત્યાધુનિક સમુદ્રદર્શન વોક વે, જુના સોમનાથ તરીકે ઓળખાતા મહારાણી અહલ્યાદેવી મંદિરનું નવીનીકરણ થયેલ મંદિરનું લોકાર્પણ પણ કરશે. આ ઉપરાંત 30 કરોડના ખર્ચે બનનાર પાર્વતીમંદિરનું ખાતમુહર્ત કરાશે.