PM નરેન્દ્ર મોદી 16 મે 2022 ના રોજ બુદ્ધ પૂર્ણિમાના અવસર પર નેપાળની મુલાકાતે જવાના છે. તેમની આ મુલાકાત નેપાળના વડાપ્રધાન શેર બહાદુર દેઉબાના આમંત્રણ પર નક્કી કરવામાં આવી છે. પીએમ મોદી 2014 બાદ પાંચમી વખત નેપાળ જશે. આ સમયે પીએમ મોદીની નેપાળ મુલાકાતને ચીનની દૃષ્ટિએ ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, નેપાળ સરકાર તેમના દેશના મહત્વપૂર્ણ પ્રોજેક્ટ માટે ચીનની કંપનીઓને બદલે ભારતીય કંપનીઓના સંપર્કમાં છે.
આ અંગે નેપાળના પીએમ અને મોદી વચ્ચે પણ વાતચીત થવાની છે. આવી સ્થિતિમાં સ્પષ્ટ છે કે ચીન પીએમ મોદીની નેપાળ મુલાકાતને પસંદ નથી કરી રહ્યું. પીએમ મોદીના નેપાળ પ્રવાસ પર ડ્રેગનની નજર રહેશે. નેપાળમાં રોકાણ દરમિયાન મોદી ગૌતમ બુદ્ધના પ્રિય સ્થળ લુમ્બિનીની પણ મુલાકાત લેશે. મળતી માહિતી મુજબ નેપાળના પીએમ શેર બહાદુર દેઉબાના આમંત્રણ પર પીએમ મોદી બુધ પૂર્ણિમાના દિવસે નેપાળ જશે. આ દરમિયાન પીએમની લુમ્બીનાની મુલાકાતનો પણ પ્રસ્તાવ છે. લુમ્બિનીમાં પીએમ મોદી પવિત્ર માયાદેવી મંદિરમાં પૂજા કરશે. પીએમ મોદી નેપાળ સરકારના નેજા હેઠળ લુમ્બિની ડેવલપમેન્ટ ટ્રસ્ટ દ્વારા આયોજિત બુદ્ધ જયંતિ કાર્યક્રમને પણ સંબોધિત કરશે.
PM નરેન્દ્ર મોદી લુમ્બિની મઠ વિસ્તારમાં ઇન્ટરનેશનલ બુદ્ધિસ્ટ કોન્ફેડરેશન (IBC), નવી દિલ્હી સાથે જોડાયેલા પ્લોટમાં અલગથી બૌદ્ધ સંસ્કૃતિ અને વારસા માટે કેન્દ્ર બનાવવા માટે “ફાઉન્ડેશન” સમારોહમાં ભાગ લેશે. આ સિવાય બંને દેશોના પીએમ મોદી દ્વિપક્ષીય બેઠકમાં પણ ભાગ લેશે.