સુરતમાં ગ્રીષ્મા વેકરિયા મર્ડર કેસ બાદ રાજ્યભરમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. ગ્રીષ્માની જાહેરમાં હત્યા કરનાર ફેનિલ ગોયાણી કપલ બોક્સ ચલાવતો હોવાનું સામે આવ્યું હતું. ગ્રીષ્મા વેકરિયાનીહત્યા બાદ પાટીદાર આગેવાનોએ પોલીસ કમિશનરને રજૂઆત કરીને શહેરમાં ચાલતાં સ્પા, કપલ બોક્સ, હુક્કાબાર, સ્મોકિંગ રૂમ્સ અને કૂટણખાના સહિતની જગ્યાઓને કારણે યુવાનો આડા પાટે ચઢી રહ્યા હોવાનું જણાવી તેમના પર કડક કાર્યવાહીની માગ કરવામાં આવી હતી.
જેના પગલે સુરતની વરાછા, સરથાણા, પુણા અને અમરોલી પોલીસ દ્વારા પોતપોતાના વિસ્તારોમાં આવેલાં સ્પા, કપલ બોક્સ સહિતની જગ્યાઓ પર તવાઈ બોલાવી દરોડા પાડ્યા હતા અને ચેકિંગ શરૂ કર્યું હતું. જેમાં પુણાના એક કપલ બોક્સમાં પોલીસે તપાસ દરમિયાન સીસીટીવી ફૂટેજ પણ જપ્ત કર્યાં છે.
સુરતના કામરેજના પાસોદરામાં એકતરફી પ્રેમમાં પાગલ 20 વર્ષીય ફેનિલ ગોયાણીએ 21 વર્ષીય ગ્રીષ્મા વેકરિયાનું જાહેરમાં નિર્મમ હત્યા કરી દીધી હતી. પાટીદાર યુવતીની આ પ્રકારે કરપીણ હત્યા થતાં પાટીદાર આગેવાનોએ ગત સોમવારે સુરત પોલીસ કમિશનર અને રેન્જ આઈજીની મુલાકાત કરી હતી. અને તેઓને રજૂઆત કરતાં પાટીદાર આગેવાનોએ જણાવ્યું હતું કે, સુરતમાં વરાછા રોડ, અમરોલી અને કામરેજના વિસ્તારોમાં સ્પા, કપલ બોક્સ અને સ્મોકિંગ રૂમમાં યુવાનો પોતાનો મોટાભાગનો સમય પસાર કરતાં હોવાને કારણે તેઓ આડા પાટે ચઢી જાય છે. સાથે જ આરોપ લગાવ્યો હતો કે આ જગ્યાઓએ પર ડ્રગ્સ સહિતના દૂષણો પણ ધમધમતા હોય છે. આ સાથે પાટીદાર આગેવાનોએ આવી જગ્યાઓ પર કડક કાર્યવાહી કરવા અને આવી ઘટના બીજી વખત ન બને તેમજ યુવાધનને બરબાદ થતું બચાવવા માટે રજૂઆત કરી હતી.
પાટીદાર આગેવાનો અને અન્ય સમાજના લોકોની રજૂઆતના પગલે વરાછા, સરથાણા, પુણા અને અમરોલી પોલીસ તરત એક્ટિવ થઈ ગઈ હતી અને પોતાના વિસ્તારોમાં આવેલાં સ્પા અને કેફેની આડમાં ચાલતાં કપલ બોક્સ જેવી જગ્યાઓ પર યુદ્ધના ધોરણે દરોડા પાડીને તપાસ અભિયાન તેજ કર્યું હતું. પુણામાં પોલીસની સાથે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા પણ પોલારિસ શોપિંગ સેન્ટરમાં આવેલાં મીટ મી કાફે પર દરોડા પાડવામાં આવ્યા હતા.
જો કે, પોલીસને અહીંથી કાંઈપણ વાંધાજનક વસ્તુઓ મળી ન હતી. પોલીસ દ્વારા આ કાફેના સીસીટીવી ફૂટેજ તપાસવા માટે ડીવીઆર જપ્ત કરવામાં આવી છે અને તેની તપાસ બાદ જો કોઈ વાંધાનજક વસ્તુઓ મળશે તો કાર્યવાહી કરવામાં આવી શકે છે. પોલીસે આ મામલે કાફેના માલિકને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યો હતો.