લો બોલો! અમદાવાદમાં બુટલેગરોએ પોલીસકર્મીને માથામાં હથોડો માર્યો

ગુજરાતમાં દારૂબંધીની માત્ર પોકળ વાતો જ થાય છે. અમદાવાદ શહેરમાં જ અનેક જગ્યા પર દારૂની રેલમછેલ થતા વીડિયો અનેકવાર સોશિયલ મીડિયામાં વાયરલ થઇ ચૂક્યા છે ત્યાં જ કેટલાક ધારાસભ્યો તો દારૂના દુષણને ડામવા ખુલ્લેઆમ રસ્તામાં આવી બુટલેગરો સામે બાયો ચઢાવી છે. તે છતા અમદાવાદ શહેરમાં દારૂ વેચનાર બુટલેગરો ખુલ્લેઆમ કાયદાના ધજાગરા ઉડાવી પોલીસને પડકાર ફેંકે છે.

અમદાવાદના નરોડામાં મુઠિયા ગામ પાસે બે વોન્ટેડ બુટલેગરો ખુલ્લેઆમ ફરી રહ્યા હોવાની બાતમી મળતા જ નરોડા ડી સ્ટાફના ચાર પોલીસકર્મીઓ બન્ને આરોપીઓને પકડવા માટે પહોંચ્યા હતા. આ દરમિયાન પોલીસ કાફલાને જોઇ બુટલેગરો તેમના પર તુટી પડ્યા હતા અને અનિલ ઉર્ફે કાલીએ એક પોલીસકર્મીને માથામાં લોખંડનો હથોડો ઝીંકી દીધો હતો. બુટલેગરની દાદાગીરી આટલે અટકી ના હોય તેમ બાદમાં અન્ય 5-7 જેટલા શખ્સોએ ત્રણ પોલીસકર્મીને ફટકાર્યા હતા. પોલીસને માર માર્યા બાદ આ બુટલેગરો સરળતાથી ત્યાંથી પલાયન પણ થઇ ગયા હતા.

આ ઘટના બાદ ઇજાગ્રસ્ત પોલીસકર્મીઓને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં લઇ જવાયા હતા. આ અંગે પોલીસકર્મીએ નરોડા પોલીસ સ્ટેશનમાં છ શખ્સો સામે હત્યાના પ્રયાસની ફરિયાદ નોંધાવી છે.

જોકે આ ભયાનક ઘટના બાદ કેટલાક પોલીસ સૂત્રોનું તો એવું પણ કહ્યું હતું કે, પોલીસને નિયમિત હપ્તો પહોંચાડવામાં ઢીલ થતાં તેમને પકડવા માટે પોલીસ ત્યાં પહોંચી હતી. પરંતુ હપ્તાની લેતીદેતીમાં બુટલેગર અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયા બાદ ઝપાઝપી થઇ હતી. જેમાં ડી સ્ટાફ્ના કોન્સ્ટેબલ સુરેશ પર બુટલેગર અનિલે હુમલો કર્યો હોવાનું સ્થાનિક લોકોમાં ચર્ચાઇ રહ્યુ છે.

જોકે આ ઘટના બાદ નરોડામાં આ મુદ્દો ચર્ચાનો વિષય બન્યો છે. આ અંગે પોલીસ કોન્સ્ટેબલ સુરેશે નરોડા પોલીસ સ્ટેશનમાં આરોપી અનિલ, સંજય, પ્રદિપ, તેના પિતા સહિત છ સામે ફરિયાદ નોંધાવી છે.

Scroll to Top