કોરોના કાળમાં સૌથી વધુ વિવાદનો મુદ્દો રહ્યો હોય તો તે શાળામાં અભ્યાસ કરતા બાળકોની ફી નો રહ્યો છે. શહેર શાળા સંચાલકો સામાન્ય રીતે વિવાદિત કારણોથી જ ચર્ચામાં આવતા રહે છે. ફી માફ નહી કરવાનાં મુદ્દે કે ભણાવ્યા નહી હોવા છતા પણ ફીની પઠાણી ઉઘરાણી કરવા જેવા મુદ્દે શાળા સંચાલકો ચર્ચામાં આવતા રહે છે. જે આ વર્ષે પણ બાળકોને અભ્યાસ માટે બોલાવાય તેવી શકયતા નહિવત જણાઈ રહી છે.
લોકડાઉનમાં બંધ પડેલી શાળાઓમાં સ્કૂલ ફી ઘટાડવા અંગે વાલીઓ લાંબા સમયથી લડત આપી રહ્યાં છે. ત્યારે કોરોનાના રૂપમાં આવેલ અત્યાર સુધીની સૌથી મોટી દુર્ઘટનામાં બાળકો અનાથ થઈ ગયા છે, આવા બાળકોને સરકારનો પૂરો સાથ આપવા માટે કેન્દ્ર તરફથી આવા બાળકો માટે રાજ્યોને વ્યવસ્થા કરવા માટે જણાવ્યું છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ સરકાર વતી આવા બાળકોની જવાબદારી લેવાની જાહેરાત કરી છે.
આ ઘોષણાઓમાં મફત શિક્ષણ, આરોગ્ય વીમો, માસિક સ્ટાફપેન્ડ્સ અને 23 વર્ષની ઉંમરે એકમુશ્ત 10 લાખ સુધીની મદદ આપવામાં આવશે. ત્યારે ગુજરાતના શાળા સંચાલકોએ એક બાજુ કોરોનામાં વાલીઓની છત્રછાયા ગુમાવનારા બાળકોની ફી માફ કરવાની જાહેરાત કરી, તો બીજી બાજુ કોરોનામાં જેમની ફી બાકી રહી ગઇ તેમની સામે કાર્યવાહી કરવાની તૈયારીમાં લાગી ગઈ છે. ત્યારે શાળા સંચાલક મંડળના આવા બેવડા ધોરણથી લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.
લોકોના વેપાર-ધંધા ઠપ થઇ જતા સરકારે 25 ટકા ફી માફ કરવાની જાહેરાત કરી હતી. જેથી કેટલાંક વાલીઓ દ્વારા શાળાની ફી ભરવામાં આવી નથી. તેવા સમયે શાળાઓની હાલત પણ કફોડી થઇ છે. તો બીજી બાજુ અમદાવાદ શહેર શાળા સંચાલક મંડળે શહેરની શાળાઓ પાસેથી બાકી ફીનો આંકડા માંગ્યો છે. જેમાં ગુગલ ફોર્મમાં વિગતો જેવી કે શહેર, માધ્યમ, વિદ્યાર્થીઓની સંખ્યા, કેટલાં વિદ્યાર્થીઓની કેટલી ફીની રકમ બાકી વગેરે પ્રકારની વિગતો માંગવામાં આવી છે. આ વિગતોને એકત્ર કર્યા બાદ સરકારમાં રજૂઆત કરવામાં આવશે અને કાયદાકીય કાર્યવાહી પણ કરવામાં આવશે તેમ જણાવાયું હોવાની માહિતી પ્રાપ્ત થઇ રહી છે.
આ અંગે સરકારમાં રજૂઆત કરવા તથા જરૂરી કાયદાકીય અભિપ્રાય લઈ શકીએ તે માટે દરેક શાળાઓની કેટલીક માહિતી એકત્રિત કરવી અતિ આવશ્યક છે માટે Google Form માં આપ આપની શાળાની માહિતી આવતીકાલ સુધી ભરીને મોકલી આપો એવી અપેક્ષા શાળા સંચાલક મંડળ તરફથી વ્યક્ત કરવામાં આવી છે. આ માહીતી સત્વરે બિનચૂક મોક્લી આપવા વિનંતી કરી છે.
જો કે અમદાવાદ શહેર શાળા સંચાકલ મંડળે “સંગાથ” અભિયાન હેઠળ કોરોના મહામારીમાં માતા-પિતા બંને કે પિતા ગુમાવનારા વિદ્યાર્થીઓની બે વર્ષની ફી માફ કરવાનો નિર્ણય લીધો છે. આ ઉપરાંત તેમાં વિદ્યાર્થીને આર્થિક રાહત આપવા માટે 2019-20 ની બધી ફી પણ પાછી આપવાનો નિર્ણય કર્યો છે. જયારે આ કોરોના કાળ દરમિયાન જે વિદ્યાર્થીઓના માતા કે પિતા કોરોનાથી સંક્રમિત થયાહોય તેવા વિદ્યાર્થીઓની એક મહિનાની ફી નહીં લેવામાં પણ નિર્ણય લેવામાં આવ્યો છે. જેનો લાભ અમદાવાદની 550 થી વધુ ખાનગી સ્કૂલોમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓને મળશે.
નોંધનીય છે કે, લોકડાઉનમાં બંધ પડેલી શાળાઓમાં સ્કૂલ ફી ઘટાડવા અંગે વાલીઓ લાંબા સમયથી લડત આપી રહ્યાં છે. ત્યારે આ લડતના અંતે રાજ્ય સરકારે 25 ટકા સમગ્ર શૈક્ષણિક વર્ષની ફીમાં રાહત આપવાનો નિર્ણય લીધો ત્યારે વાલીઓનો આરોપ લગાવીને કહ્યું- ફી રાહતના નામે સરકારે લોલીપોપ પકડાવ્યો છે. જો કે કોરોનાના કારણે છેલ્લાં બે વર્ષથી ઓફલાઇન શાળાઓ શરૂ થઇ શકી નથી. પરિણામે મહત્તમ શાળાઓએ ઓનલાઇન શિક્ષણ આપવાનું શરૂ કર્યું હતું. પરંતુ પરીક્ષા લેવામાં આવી ન હતી. અને વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવામાં આવ્યા છે. ત્યારે ઓનલાઇન વિદ્યાર્થીઓને શિક્ષણ કેટલું પ્રાપ્ત થયું તે બાબત તો અસ્પષ્ટ જ છે.