બેલારુસે બુધવારે દાવો કર્યો હતો કે લગભગ 100 ભારતીય વિદ્યાર્થીઓને પોલેન્ડ બોર્ડર ગાર્ડ્સ દ્વારા માર મારવામાં આવ્યો હતો અને તેમને યુક્રેન પરત મોકલવામાં આવ્યા હતા, ત્યારબાદ તેમને રોમાનિયામાં શરણાર્થી શિબિરમાં રાખવામાં આવ્યા હતા. સંયુક્ત રાષ્ટ્રમાં બેલારુસના રાજદૂત વેલેન્ટિન રાયબાકોવે બુધવારે યુએન જનરલ એસેમ્બલીમાં એક નિવેદન આપતાં આ ટિપ્પણી કરી હતી.
રયબાકોવે કહ્યું, ‘પોલેન્ડ બોર્ડર ગાર્ડ્સે 26 ફેબ્રુઆરીના રોજ લગભગ 100 ભારતીય વિદ્યાર્થીઓના એક ગ્રુપને માર માર્યો અને તેમને યુક્રેન પરત મોકલી દીધા, જેમને એ પછી રોમાનિયાના શરણાર્થી શિબિરમાં રાખવામાં આવ્યા હતા.’ સંયુક્ત રાષ્ટ્રમાં યુક્રેનના રાજદૂત સર્ગેઈ કિસલિત્સ્યાએ જણાવ્યું હતું કે તેના દેશમાં રશિયન સૈન્ય કાર્યવાહીમાં એક ભારતીય નાગરિકનું મોત થયું અને એક ચીની નાગરિક ઘાયલ થયો.
યુક્રેનના પડોશી દેશો દ્વારા ભારતીયોને બહાર કાઢવામાં આવી રહ્યા છે
વિદેશ સચિવ હર્ષવર્ધન શ્રિંગલાએ મંગળવારે કહ્યું કે લગભગ 8,000 ભારતીયો, મુખ્યત્વે વિદ્યાર્થીઓ, યુક્રેનમાં ફસાયેલા છે. ભારત યુક્રેનના પશ્ચિમી પડોશીઓ જેમ કે રોમાનિયા, હંગેરી અને પોલેન્ડથી પોતાના નાગરિકોને વિશેષ ફ્લાઇટ્સ દ્વારા બહાર કાઢી રહ્યું છે, કારણ કે યુક્રેનિયન એરસ્પેસ 24 ફેબ્રુઆરીથી બંધ છે.