GujaratNewsPolitics

પાટીદારો આવનારી લોકસભા ચૂંટણીમાં આ બેઠકો પર બની શકે છે ગેમ ચેન્જર વાંચો

ગુજરાતમાં ઘણી ચર્ચાઓ અને રસાકસી બાદ વિધાનસભા ચૂંટણી તો ખતમ થઇ ગઈ છે, પાટીદારોના વિરોધ વચ્ચે પણ ભાજપ ચૂંટણી જીતવામાં સફળ તો રહી છે પણ ખાસ કરીને સૌરાષ્ટ્રમાં પાટીદારોએ ભાજપ વિરોધી વોટીંગ કરતા ચૂંટણીમાં બહુમતી મેળવતા ભાજપને આંટા આવી ગયા હતા.

હાલ વિધાનસભાની ચૂંટણી પૂરી થઇ જતા પાટીદાર અનામત આંદોલન પણ ઠંડુ પડી ગયું છે જો કે આ વર્ષે આવા સમયે જ યોજાનારી લોકસભાની ચૂંટણીને લઈને ફરીએકવાર 2-3 મહિનામાં રાજકીય માહોલ ગરમાઈ જાય તેવી શક્યતાઓ જોવાઈ રહી છે, પાટીદારો ગુજરાતના રાજકારણમાં હંમેશાથી કેન્દ્રના સ્થાને રહ્યા છે ત્યારે સાથી પક્ષોના સાથ છોડવાને કારણે અને વચનો પુરા કરવામાં નિષ્ફળતાને કારણે ભાજપ હવે ભીંસમાં મુકાઈ ગઈ છે, તેવામાં પાટીદાર ફેક્ટર પર પણ ગુજરાતમાં રાજકીય પક્ષો ઘણો આધાર રાખે છે.

અમરેલી લોકસભા

ગુજરાતમાં પાટીદારોની મહત્તમ વસ્તી ધરાવતા જિલ્લા / લોકસભા બેઠકમાં અમરેલી જિલ્લો મોખરાના સ્થાને છે જેમાં આવતી અમરેલી, સાવરકુંડલા, ધારી, લાઠી, રાજુલા અને ગારીયાધાર તેમ ૬ વિધાનસભામાંથી રાજુલા સિવાયની ૫ બેઠકોમાં પાટીદાર વસ્તી મહત્તમ છે તેમજ તે પાંચેય વિધાનસભામાં હાલ પાટીદાર ધારાસભ્યો જ છે તથા પાટીદારોના વર્ચસ્વ ધરાવતી તે ૫ માંથી ૪ બેઠકો હાલમાં કોંગ્રેસ પાસે છે અને બાકીની રાજુલા બેઠક પર પણ કોંગ્રેસના જ ધારાસભ્ય છે. અમરેલી લોકસભાના વર્તમાન સાંસદ નારણ કાછડિયા છે.

રાજકોટ લોકસભા 

આ સિવાય રાજકોટની લોકસભા બેઠકમાં પણ ટંકારા, વાંકાનેર, રાજકોટ પશ્ચિમ, રાજકોટ પૂર્વ, રાજકોટ દક્ષિણ, રાજકોટ ગ્રામ્ય અને જસદણ વિધાનસભાનો સમાવેશ થાય છે, જેમાં ટંકારા, જસદણ તેમજ રાજકોટ શહેરની બેઠકો પાટીદારોની વસ્તી વધારે છે, રાજકોટ લોકસભા બેઠક પર વર્તમાન સાંસદ મોહન કુંડારિયા છે.

હાલમાં રાજકોટ લોકસભાની ટંકારા, વાંકાનેર અને જસદણ વિધાનસભા કોંગ્રેસ પાસે છે જયારે રાજકોટ પશ્ચિમ – પૂર્વ – દક્ષિણ – ગ્રામ્ય વિધાનસભા ભાજપ પાસે છે.

પોરબંદર લોકસભા

પોરબંદર લોકસભા બેઠક કહેવા માટે જ પોરબંદર લોકસભા છે બાકી આ લોકસભામાં રાજકોટ જીલ્લાની બેઠકો વધારે છે, પોરબંદર લોકસભા બેઠકમાં ગોંડલ, જેતપુર, ધોરાજી, પોરબંદર, કુતિયાણા, માણાવદર, કેશોદ વિધાનસભાનો સમાવેશ થાય છે. જેમાં પોરબંદર અને કુતિયાણા સિવાયની વિધાનસભા બેઠક પર પાટીદારોની વસ્તી ઘણી નિર્ણાયક છે. હાલમાં આ બેઠક પર ભાજપના વિઠ્ઠલ રાદડિયા સાંસદ છે.

પોરબંદર લોકસભાની ગોંડલ, જેતપુર, પોરબંદર, કેશોદ બેઠક પર ભાજપના અને ધોરાજી, માણાવદર બેઠક પર કોંગ્રેસના ધારાસભ્ય છે તેમજ કુતિયાણામાં એનસીપીના કાંધલ જાડેજા ધારાસભ્ય છે.

જામનગર લોકસભા

જામનગર લોકસભા બેઠકમાં કાલાવાડ, જામનગર ગ્રામ્ય, જામનગર ઉત્તર, જામનગર દક્ષિણ, જામજોધપુર, ખંભાળિયા, દ્વારકા વિધાનસભાનો સમાવેશ થાય છે. જેમાં કાલાવડ, જામનગર ગ્રામ્ય, જામનગર દક્ષિણ, જામજોધપુર વિધાનસભા બેઠકો પર પાટીદારો નિર્ણાયક છે, આ સિવાય આહીર જ્ઞાતિ પણ આ લોકસભા બેઠક પર મોટું સ્થાન ધરાવે છે.

હાલમાં ભાજપના પુનમ માડમ જામનગર લોકસભાના સાંસદ છે, તો જામનગર લોકસભામાં આવતી કાલાવાડ, જામનગર ગ્રામ્ય, જામજોધપુર, જામ ખંભાળિયા વિધાનસભા બેઠક પર કોંગ્રેસના તો જામનગર ઉત્તર – દક્ષિણ, દ્વારકા વિધાનસભા બેઠક પર ભાજપના ધારાસભ્યો છે.

જુનાગઢ લોકસભા 

આમતો જુનાગઢ વિધાનસભા બેઠક પર કોઈ એક જ્ઞાતિનું વર્ચસ્વ ના કહી શકાય, આ વિધાનસભા બેઠક પર પાટીદાર, કારડીયા, આહીર અને કોળી સમાજની વસ્તી વધારે છે. જુનાગઢ લોકસભા બેઠકમાં જુનાગઢ, વિસાવદર, માંગરોળ, સોમનાથ, તાલાલા, કોડીનાર, ઉના વિધાનસભા બેઠકોનો સમાવેશ થાય છે. જેમાં જુનાગઢ, વિસાવદર, ઉના વિધાનસભા બેઠક પાટીદારો નિર્ણાયક ભૂમિકામાં છે. આ સાથે મહત્વની બાબત તે છે કે આ લોકસભા બેઠકની તમામ વિધાનસભા બેઠકો પર કોંગ્રેસના ધારાસભ્યો છે.

હાલમાં ભાજપના રાજેશ ચુડાસમા જુનાગઢ લોકસભા બેઠકથી ધારાસભ્ય છે.

ભાવનગર લોકસભા

ભાવનગર લોકસભા બેઠકમાં તળાજા, પાલીતાણા, ભાવનગર ગ્રામ્ય, ભાવનગર પૂર્વ, ભાવનગર પશ્ચિમ, ગઢડા, બોટાદ વિધાનસભા બેઠકોનો સમાવેશ થાય છે. જેમાં તળાજા અને ભાવનગર ગ્રામ્ય સિવાયની દરેક બેઠક પર પાટીદાર ફેક્ટર મહત્વનું છે.

હાલમાં ભાવનગર લોકસભામાં આવતી તળાજા અને ગઢડા વિધાનસભા બેઠક પર કોંગ્રેસના ધારાસભ્યો તેમજ બાકીની વિધાનસભા બેઠક પર ભાજપના ધારાસભ્યો છે. ભાવનગર લોકસભાના વર્તમાન સાંસદ ભારતીબેન શિયાળ છે.

ગાંધીનગર લોકસભા

ગાંધીનગર લોકસભા પણ કહેવા પુરતી ગાંધીનગર લોકસભા છે બાકી તેમાં અમદાવાદના જ વિસ્તારો મોટું સ્થાન ધરાવે છે, ગાંધીનગર લોકસભા બેઠકમાં ગાંધીનગર ઉત્તર, કલોલ, સાણંદ, ઘાટલોડિયા, વેજલપુર, નારણપુરા અને સાબરમતી વિધાનસભા બેઠકનો સમાવેશ થાય છે. આમ ગાંધીનગર લોકસભા બેઠક પણ પાટીદારોના મહત્તમ મત ધરાવતી બેઠક છે.

હાલમાં ગાંધીનગર લોકસભા બેઠકમાં આવતી ગાંધીનગર ઉત્તર અને કલોલ વિધાનસભા કોંગ્રેસ તેમજ સાણંદ, ઘાટલોડિયા, વેજલપુર, નારણપુરા અને સાબરમતી વિધાનસભા બેઠક પર ભાજપના ધારાસભ્યો છે. ગાંધીનગરના વર્તમાન સાંસદ એલ.કે. અડવાણી છે.

મહેસાણા લોકસભા

મહેસાણા લોકસભા પર પણ પાટીદારો ઘણા નિર્ણાયક છે, આ બેઠક પર વર્ષોથી પાટીદાર જ સાંસદ બને છે. મહેસાણા લોકસભા બેઠકમાં ઊંઝા, વિસનગર, બેચરાજી, કડી, મહેસાણા, વિજાપુર અને માણસા વિધાનસભા બેઠકોની સમાવેશ થાય છે. જેમાંથી ઊંઝા, બેચરાજી અને માણસા વિધાનસભા પર કોંગ્રેસના તેમજ વિસનગર, કદી, મહેસાણા અને વિજાપુર બેઠક પર ભાજપના ધારાસભ્યો છે. મહેસાણાના વર્તમાન સાંસદ જયશ્રીબેન પટેલ છે.

સુરત લોકસભા

પાટીદાર આંદોલનનાના એપી સેન્ટર ગણાતા સુરતમાં લોકસભા વિસ્તાર વૈવિધ્ય ભરેલો છે. જેમાં ઓલપાડ, સુરત પૂર્વ, સુરત ઉત્તર, વરાછા, કરંજ, કતારગામ, સુરત પશ્ચિમ વિધાનસભા બેઠકનો સમાવેશ થાય છે. જેમાંથી ઓલપાડ, વરાછા, કરંજ, કતારગામ અને સુરત ઉત્તર વિધાનસભા બેઠકો પર પાટીદારોના મતો મહત્વના છે. હાલમાં આ દરેક બેઠક ભાજપ પાસે છે. સુરતના વર્તમાન સાંસદ દર્શનાબેન જરદોશ છે.

અમદાવાદ પૂર્વ લોકસભા

અમદાવાદ પૂર્વ લોકસભા મતવિસ્તારમાં દહેગામ, ગાંધીનગર દક્ષિણ, વટવા, નિકોલ, નરોડા, ઠક્કરબાપા નગર અને બાપુનગર વિધાનસભાનો સમાવેશ થાય છે. જેમાંથી દહેગામ સિવાયની બેઠકો પર પાટીદાર મતો નિર્ણાયક ભૂમિકામાં છે, હાલ આ લોકસભા વિસ્તારની બાપુનગર વિધાનસભામાં જ કોંગ્રેસના ધારાસભ્યો છે બાકીની વિધાનસભા પર ભાજપના જ ધારાસભ્યો છે. અમદાવાદ પૂર્વના વર્તમાન સાંસદ પરેશ રાવલ છે.

આમ આવનારી લોકસભા ચૂંટણીમાં 26 માંથી 10 લોકસભા બેઠકો પર પાટીદારો મતો નિર્ણાયક ભૂમિકામાં છે, જો કે તેમાંથી શહેરી બેઠકો પર પાટીદાર હોય કે અન્ય સમાજ હોય તે ભાજપ તરફી જ રહ્યા છે તેમજ અમરેલી – જુનાગઢ જેવી વિધાનસભામાં પાટીદાર આંદોલન ઉપરાંત ખેડૂતોના પ્રશ્ને પણ પાટીદાર સમાજ ભાજપના વિરોધમાં છે, ત્યારે હવે આવનારા દિવસોમાં આંદોલન કઈ દિશા પકડે છે, હાર્દિક પટેલ, ખેડૂતો અને યુવાનોના પ્રશ્નો ઉકેલાય છે કે નહી તેના આધાર પર જ રાજકીય પક્ષો પોતાની રણનીતિ બનાવી મેદાનમાં ઉતરશે અને ગુજરાતના તેમજ લોકસભા છે એટલે દેશના રાજકારણનું ભાવિ નક્કી કરશે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker