ગુજરાતમાં કોરોનાની વણસતી જતી પરિસ્થિતિને ધ્યાનમાં લઇને ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજયના વિદ્યાર્થીઓના હિતમાં આજે ધો.10 અને 12ની પરીક્ષા મોકૂફ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તેની સાથે ધો.1થી 12ના વર્ગોમાં પ્રત્યક્ષ શિક્ષણ એટલે કે વર્ગ ખંડ શિક્ષણ આગામી તા.10 મી મે સુધી અથવા રાજય સરકાર દ્વારા અન્ય આદેશ ન થાય ત્યાં સુધી બંધ રાખવાની જાહેરાત કરાઈ છે.
બીજી તરફ આજે જ ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા દરેક શાળાઓને ધો.12 વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓની કોમ્પ્યુટર પ્રાયોગિક વિષય પરીક્ષા લઇને તેના ગુણ 15 મી મે સુધીમાં બોર્ડની વેબસાઇટ પર મૂકી દેવાની સૂચના આપવામાં આવી છે. આમ બે અલગ અલગ વાતોથી શાળાના આચાર્યો મૂંઝવણભરી પરિસ્થિતિમાં મૂકાયા છે.
મુખ્યમંત્રીના આદેશ પ્રમાણે બીજો હુક્મ ના થાય ત્યાં સુધી ધો.1થી 12ના વિદ્યાર્થીઓને શાળામાં બોલાવવાના નથી. બીજીબાજુ બોર્ડ કોવિડ 19ની એસ.ઓ.પી.ને ધ્યાનમાં લઇને અનુકુળતાએ પરીક્ષા લઇને ગુણ વેબસાઇટ પર 15 મી મે પહેલાં અપલોડ કરવાનું કહ્યું છે. તો મુખ્યમંત્રીએ કીધું તે એસ.ઓ.પી. જ છે તો અમારે કઇ એસ.ઓ.પી.નું પાલન કરવું.
ગુજરાતમાં કોરોનાના કાળો કહેર વર્તાવ્યો છે. વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં લઇને ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજયના વિદ્યાર્થીઓના હિતમાં ધો.10 અને 12 ની પરીક્ષા સ્થગિત રાખવાનો આજે નિર્ણય જાહેર કર્યો છે. તેની સાથોસાથ રાજ્ય સરકારે વિદ્યાર્થીઓના સ્વાસ્થ્ય હિતમાં એક વધુ નિર્ણય લેતા જાહેર કર્યું છે કે સમગ્ર રાજ્યમાં ધોરણ 1 થી 12ના વર્ગોમાં પ્રત્યક્ષ શિક્ષણ એટલે કે વર્ગ ખંડ શિક્ષણ આગામી 10 મી મે સુધી અથવા રાજ્ય સરકાર દ્વારા અન્ય આદેશ ના થાય ત્યાં સુધી બંધ રાખવામાં આવે.
ત્યાં ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના નાયબ નિયામક (પરીક્ષા) જે.જી. પંડયાએ રાજયની શાળાના આચાર્યોને એક સરકયુલર મોકલ્યો છે. જેમાં જણાવવામાં આવ્યું છે કે, ધો.12 (વિજ્ઞાન પ્રવાહ) ના પરીક્ષાર્થીઓની શાળા કક્ષાના પ્રાયોગિક વિષય કોમ્પ્યુટર વિષયની પ્રાયોગિક પરીક્ષા શાળા કક્ષાએથી શાળા દ્વારા પોતાની અનુકુળતા મુજબ લેવાની સૂચના 19-3-21ના પત્રથી આપવામાં આવી છે. જે વિદ્યાર્થીઓની કોમ્પ્યુટર પ્રાયોગિક વિષયની પરીક્ષા પૂર્ણ થયેલ છે તેવા તમામ પરીક્ષાર્થીઓની કોમ્પ્યુટર પ્રાયોગિક પરીક્ષાના ગુણ બોર્ડની વેબસાઇટ પરથી શાળા દ્વારા તા.15 મી એપ્રિલથી 15 મે દરમિયાન ઓનલાઇન ભરવાનું જણાવવામાં આવ્યું છે.
આ સિવાય પરીક્ષાર્થીઓના ગુણ પરીક્ષાર્થીઓના માર્ચ -2021ની પરીક્ષાના આવેદનપત્રોના અરજી નંબર અથવા નામના આધારે ભરવાના રહેશે. તેમ જ જે શાળા દ્વારા આજ દિન સુધી કોમ્પ્યુટરની પ્રાયોગિક વિષયની પરીક્ષાનું આયોજન કર્યું ન હોય તેવી શાળાઓએ પણ સરકારની વખતો વખતની કોરોના સંદર્ભે આપવામાં આવતી સૂચનાઓને ધ્યાનમાં લઇ તથા અનુકુળતાએ પરીક્ષા લઇ લેવાની રહેશે અને ગુણ વેબસાઇટ પર અપલોડ કરવાના રહેશે.
કોમ્પ્યુટરની પરીક્ષા ઓનલાઇન નહીં પરતું ઓફલાઇન લેવી પડશે. તેના માટે વિદ્યાર્થીઓને શાળાએ બોલાવવાની ફરજ પડે ત્યારે મુખ્યમંત્રીએ ધો.1થી 12ના વિદ્યાર્થીઓને શાળાએ નહીં બોલાવવા જણાવ્યું છે. તેનાથી અમે દ્રિધાભરી સ્થિતિમાં મૂકાયા છીએ.