મોરબી: અમદાવાદમાં 19 દિવસના ઉપવાસ આંદોલન પછી હાર્દિક પટેલ ફરી મેદાને આવ્યો છે. આજે ગાંધી જયંતિથી હાર્દિક પટેલે ફરી પ્રતિક ઉપવાસનું બ્યુગલ ફુંક્યું હતું. મોરબી જિલ્લાના બગથળા ગામેથી હાર્દિક પટેલે પ્રતિક ઉપવાસ આંદોલનની શરૂઆત કરી હતી. આજે સવારના 10થી સાંજે 5 વાગ્યા સુધી પ્રતિક ઉપવાસ કર્યા બાદ જાહેર સભાને સંબોધી હતી. જેમાં હાર્દિક પટેલે જણાવ્યું હતું કે, ગુજરાતમાં સાત દિવસમાં 5 ખેડૂતોએ આત્મહત્યા કરી છે.
બે-અઢી મહિના બાદ ટંકારા-મોરબી આસપાસ ખેડૂત મહાસંમેલનમાં ત્રણ લાખ ખેડૂતો એકઠા કરીશું
હાર્દિકે વધુમાં જણાવ્યું હતું કે, ચાર માગણીઓને લઇને આજે મેં પ્રતિક ઉપવાસ બગથળા ગામે કર્યા હતા. છેલ્લુ એક વર્ષ મોરબી માટે કપરૂ રહ્યું છે. મોરબીમાં પીવાના પાણી અને સિંચાઇના પાણીની તકલીફ પડી રહી છે. તેમ છતાં મોરબી જિલ્લાને અસરગ્રસ્ત જાહેર કરવામાં આવ્યો નથી. ગુજરાતના 200 તાલુકામાં એક દિવસ ઉપવાસ કરૂ કો ખેડૂતના દીકરાને બાયું ચડાવતા કરી દઉં.
મોરબી જિલ્લાનો વિકાસ થયો જ નથી. ગેસના બાટલાના ભાવ 350થી 800 થયા પરંતુ કપાસના ભાવ 800થી 1500 થયા જ નહીં. વાંક મારો અને તમારો છે.
કારણ કે આપણે ખરાબ મુખ્યમંત્રીને ચૂંટીને મોકલ્યા છે. બે-અઢી મહિના બાદ ટંકારા-મોરબી આસપાસ ખેડૂત મહાસંમેલન કરીશું. જેમાં ત્રણ લાખ ખેડૂતોને ભેગા કરીશું.
ચાર વર્ષ પહેલા ડીએપી ખાતરનો ભાવ 750 હતો આજે 1400 થઇ ગયો
સરકારે ખેતીમાં 10 કલાક વીજળી આપવાની જાહેરાત કરી છે પરંતુ મળે છે માત્ર 5 કલાક જ. ચાર વર્ષ પહેલા ડીએપી ખાતરનો ભાવ 750 હતો આજે 1400 પર પહોંચ્યો છે. હું દાવો કરૂ છું કે આ સરકાર 2700 સુધી ભાવ પહોંચાડશે. ખેડૂતના આકસ્મિક મોત પર સરકારે 2 લાખ રૂપિયાની સહાયની જાહેરાત કરી છે. આમ સરકારનું સ્પષ્ટ માનવું છે કે, સહાય જોઇતી હશે તો ખેડૂતે મરવું પડશે. કેનાલમાં પાણી છોડવામાં નહીં આવે તો કેનાલ પર પગપાળા ચાલી આંદોલન કરીશું.
મોરબીના બગથળામાં આજે હાર્દિક પટેલ દ્વારા પ્રતિક ઉપવાસ કરવાની શરૂઆત કરવામાં આવી હતી. તેણે 2 કિલોમીટરની બાઇક અને કાર રેલી યોજી નકલંક મંદિરના દર્શન કરી ઉપવાસ આંદોલનની શરૂઆત કરી હતી. ઉપવાસસ્થળે 5 પીએસઆઇ, 82 હેડ કોન્સ્ટેબલ, 24 મહિલા પોલીસ, 6 ટ્રાફિક પોલીસ સહિત 117 પોલીસ જવાનો દ્વારા ચૂસ્ત બંદોબસ્ત ગોઠવાયો હતો.
પ્રતિક ઉપવાસમાં ઉમટી પડ્યું માનવ મહેરામણ
મોરબીના બગથળા ગામે આજે હાર્દિક પટેલ દ્વારા 10 વાગ્યાથી પ્રતિક ઉપવાસ આંદોલન કરવામાં આવ્યું હતું. પ્રતિક ઉપવાસમાં મોટી સંખ્યામાં સૌરાષ્ટ્રભરના લોકો ઉમટી પડ્યા હતા.
સાથોસાથ કનુ કલસરીયા પણ ઉપસ્થિત રહ્યા હતા. સ્ટેજ પર પાસના કન્વીનરો પણ જોડાયા હતા.
હાર્દિકે ટ્વીટ કર્યું કે, ગુજરાતના મુખ્ય 28 જિલ્લા અને 150થી વધારે તાલુકાઓમાં આ કાર્યક્રમ કરવામાં આવશે
આ અંગે હાર્દિકે ટ્વિટ કરીને લખ્યું છે કે, પૂજ્ય મહાત્મા ગાંધીની જન્મ જયંતિ, બીજી ઓક્ટોબરથી મોરબીમાં સામાજિક ન્યાય અને ખેડૂતોની દેવામાફીની માંગણી સાથે એક દિવસનો ધરણા કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો છે.
ગુજરાતના મુખ્ય 28 જિલ્લા અને 150થી વધારે તાલુકાઓમાં આ કાર્યક્રમ થશે. ગામડે ગામડે લોકક્રાંતિનું આહવાન થશે.
હાર્દિક પટેલ ગઇકાલે રાત્રે જ મોરબીના નવાગામે આવ્યો હતો અને અહીં રાત્રિ રોકાણ કર્યું