અફઘાનિસ્તાનથી આવનારા હિંદુ-શીખોને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું મોટું નિવેદન

તાલિબાન દ્વારા કબજો મેળવી લીધા બાદ અફઘાનિસ્તાનમાં ઊભી થયેલી પરિસ્થિતિને લઈને ચર્ચા કરવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા મંગળવારના રોજ ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવવામાં આવી હતી. જેમાં તેમણે અફઘાનિસ્તાનમાં ફસાયેલા ભારતીયો સુરક્ષિત રીતે પરત ફરે તે સુનિશ્ચિત કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો.

સૂત્રોના જણાવ્યા મુજબ, વડાપ્રધાન દ્વારા અફઘાનિસ્તાનમાંથી ભારત આવનારા હિંદુ અને શીખોની મદદ કરવાનું પણ જણાવવામાં આવ્યું છે. જ્યારે આ બેઠકમાં ગૃહ મંત્રી અમિત શાહ, રક્ષા મંત્રી રાજનાથ સિંહ અને એનએસએ અજીત ડોભાલ હાજર રહેલા હતા.

સૂત્રોના જણાવ્યા મુજબ, વડાપ્રધાન દ્વારા કરવામાં આવેલ આ બેઠકમાં તમામ સંબંધિત અધિકારીઓને આગામી દિવસોમાં અફઘાનિસ્તાનથી ભારતીય નાગરિકોની સુરક્ષિત વાપસી સુનિશ્ચિત કરવા માટે તમામ જરૂરી પ્રયત્ન કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.

જ્યારે એક વરિષ્ઠ અધિકારીના મુજબ, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે કે, ભારતે પોતાના નાગરિકોની રક્ષા સિવાય તે પ્રત્યેક હિંદુ અને શીખોને પણ આશ્રય આપવો જરૂરી છે. જે ભારત આવવા ઈચ્છે છે અને તે તમામની મદદ કરવી જરૂરી છે. મદદ માટે ભારત તરફ જોઈ રહેલા આપણા અફઘાન ભાઈઓ અને બહેનોની મદદ કરવી જરૂરી છે.

વડાપ્રધાનની બેઠકમાં મુખ્ય સચિવ ડોક્ટર પીકે મિશ્રા અને કેબિનેટ સચિવ રાજીવ ગૌબા સહિત ઘણા વરિષ્ઠ અધિકારીઓ હાજર હતા. બેઠકમાં વિદેશ સચિવ હર્ષવર્ધન શ્રૃંગલા અને રાજદૂત રુદ્રેન્દ્ર ટંડન પણ હાજર રહ્યા હતા. રુદ્રેન્દ્ર ટંડન મંગળવારના કાબુલથી આવેલી ફ્લાઈટમાં જામનગર ગયા હતા.

ભારત દ્વારા કાબુલ સ્થિત દૂતાવાસમાંથી પોતાના કર્મચારીઓને સુરક્ષિત રીતે વતન પરત લાવી દેવામાં આવ્યા છે. કાબુલમાં ભારતીય રાજદૂત તથા દૂતાવાસના 120 કર્મચારીઓને લઈને ભારતીય વાયુસેનાનું એક વિમાન મંગળવારના રોજ અફઘાનિસ્તાનથી ગુજરાતના જામનગર આવ્યું હતું. ત્યાંથી વિમાન દિલ્હી નજીક આવેલા એરબેઝ પર પહોંચ્યું હતું.

Scroll to Top