પાટીદારોને અનામત અપાવવા આ ધાર્મિક સંસ્થા મેદાનમાં, સુપ્રીમમાં કેસ લડવાનો ખર્ચ ઉઠાવશે, બીજો શું લેવાયો નિર્ણય?

અમદાવાદઃ પાટીદાર અનામત આંદોલન સમિતી (પાસ)ના કન્વિનર હાર્દિક પટેલના આમરણાંત ઉપવાસને પાટીદારોનું સમર્થ વધી રહ્યું છે ત્યારે કડવા પાટીદારોની ધાર્મિક સંસ્થા ખુલ્લેઆમ તેના સમર્થનમાં બહાર આવી છે. શ્રી ઉમિયા માતાજી સંસ્થાને એક ઠરાવ પસાર કરીને હાર્દિક પટેલની માગણીઓને સમર્થન આપ્યું છે.

સંસ્થાને પાટીદારોને અનામત માટેની લડતને આગળ વધારવાનો પણ નિર્ણય કર્યો છે. સુપ્રીમ કોર્ટમાં પાટીદારોને અનામત અપાવવા માટે છ અરજીઓ થઈ છે. આ અરજીઓને લગતો તમામ ખર્ચ હવે શ્રી ઉમિયા માતાજી સંસ્થાન ઉટાવશે. વકીલોના ખર્ચથી લઈને તમામ કાર્યવાહીના ખર્ચમાં સહયોગી થવાનો ઠરાવ પસાર કરાયો છે.

શ્રી ઉમિયા માતાજી સંસ્થાને લીધેલો આ નિર્ણય બહુ મોટો છે. ગુજરાતમાં હાર્દિક પટેલે પાટીદારોને અનામત અપાવવા માટેનું આંદોલન ફરી વેગવંતુ કરવાનો નિર્ણય લીધો એ પછી પાટીદારોની કોઈ મોટી સંસ્થા હાર્દિકના સમર્થનમાં ખુલ્લેઆમ બહાર આવી હોય એવું પહેલી વાર બન્યું છે.

આ ઉપરાંત હરિદ્વારની જેમ અંબાજી ખાતે પાંચેક કરોડના ખર્ચે નવું વિશ્રાંતિગૃહ બનાવવા કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.

હાર્દિકના સમર્થનમાં 51 પાટીદારોએ કરાવ્યું મુંડન

હાર્દિકના નિવાસ સ્થાન છત્રપતિ નિવાસે ઉપવાસી છાવણીમાં સરકારની નીતિનો વિરોધ કરીને હાર્દિકના સમર્થનમાં રાજ્યના વિવિધ જિલ્લામાંથી આવેલા 51 પાટીદાર યુવાનોએ મુંડન કરાવીને વિરોધ નોંધાવ્યો હતો. સાથે જ સરકાર હાર્દિક જે માંગણી સાથે આમરણાંત ઉપવાસ પર બેઠો છે તે નહીં માને તો ઉગ્ર વિરોધ કરવાની ચીમકી આપી હતી.

આજે કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા શક્તિસિંહ ગોહિલ હાર્દિકના સમર્થનમાં ઉપવાસી છાવણી પહોંચશે. તો પ્રવીણ તોગડિયાના આંતરાષ્ટ્રીય હિંદુ પરિષદનું ડેલિગેશન તેને સમર્થન આપવા માટે જશે. હાર્દિક પટેલ પાટીદાર અનામત અને ખેડૂતોના દેવા માફીને લઈને 25મી ઓગસ્ટથી આમરણાંત ઉપવાસ પર ઉતર્યો છે.

ગોહિલે મુલાકાત પહેલા બીજેપી પર સાધ્યું નિશાન

કોંગ્રેસના શક્તિસિંહ ગોહિલ આમરણાંત ઉપવાસ કરતાં હાર્દિક પટેલને મળવા આજે સોમવાર અને જન્માષ્ટમી પર સવારે 11.30 વાગ્યે મળવા જશે. હાર્દિકની સારી તબિયત માટે પ્રાર્થના કરતાં તેમણે આશા રાખી હતી કે બીજેપી અહંકાર છોડશે અને હાર્દિકની સાથે મંત્રણા કરશે. અંગ્રેજો પણ ઉપવાસી સાથે સંવાદ કરતા હતા તો લોકતંત્રમાં બીજેપી શા માટે સંવાદ ના કરે? તેવો સવાલ કર્યો હતો.

દરેક લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here