PUNJAB ELECTION 2022: પંજાબમાં આ પક્ષ પહોંચશે સત્તા પર, ભાજપ માટે અસ્તિત્વ બચાવવાનો પડકાર

પંજાબ વિધાનસભાની ચૂંટણી (PUNJAB ELECTION 2022)ને લઈ જાણિતી સર્વે સંસ્થા ABP-સી વોટર્સનો એક સર્વે સામે આવ્યો છે. આ સર્વેમાં રાજ્યમાં કોંગ્રેસને મોટો ઝટકો લાગી શકે છે. જ્યારે રાજ્યમાં આમ આદમી પાર્ટી (AAP) સરકાર બનવા તરફ જઈ રહી હોવાનું અનુમાન લગાવવામાં આવ્યું છે.

આ સર્વે અનુસાર આગામી વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ રાજ્યમાં 38 થી 46 બેઠકો મળવાનું અનુમાન છે. જ્યારે પ્રદેશમાં AAPને 51-57 બેઠકો મળવાનું અનુમાન છે. પંજાબ વિધાનસભાની ચૂંટણી આ વખતે કોંગ્રેસ અને AAP વચ્ચે ટક્કર રહેશે તેમ માનવામાં આવી રહ્યું છે. કેન્દ્રની NDA સરકારે નવા ત્રણ કૃષિ કાયદાનો અમલ કર્યો જેનો સૌથી વધુ વિરોધ પંજાબ અને હરિયાણામાં જોવા મળ્યો હતો.

પંજાબના દરેક ઘરમાંથી ખેડૂતો વિરોધ કરવા નિકળ્યા હતા જેની અસર વિધાનસભાની ચૂંટણીમાં પણ જોવા મળી શકે છે. પંજાબ વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે પોતાનું અસ્તિત્વ બચાવવા માટે સંઘર્ષ કરવો પડી શકે છે. ABP-સી વોર્ટર્સ સર્વે અનુસાર પ્રદેશમાં ભાજપને 0-1 બેઠક મળી શકે છે. ભાજપ સામે નારાજગીનું બીજુ કારણે અકાળી દળથી વર્ષો બાદ છુટા પડવાનું પણ છે.

અત્યાર સુધી ભાજપ અકાળી દળના સહારે પંજાબમાં સરકારમાં હતી. પરંતુ હવે ભાજપ માટે પંજાબમાં પોતાનું અસ્તિત્વ બચાવવા માટે કપરા ચઢાણ પાર પાડવા પડશે. પંજાબમાં લાંબો સમય સુધી સત્તામાં રહેનાર અકાળી દળને સર્વેમાં 16-24 બેઠકો મળવાનું અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું છે. જો કે, ભાજપ સાથે ગઠબંધન તુટ્યા બાદ અકાળી દળ પણ નબળું દેખાઈ રહ્યું છે.

પ્રકાશસિંહ બાદલની ઉંમર થઈ ગઈ છે. તેઓ જનતાની વચ્ચે જઈ શકતા નથી. ઉપરાંત ઘણા સમય સુધી સત્તામાં રહેવાના પરિણામે લોકોમાં તેમની સામે નારાજગી પણ વધી છે. મહત્વનું છે કે, પંજાબમાં કુલ 117 વિધાનસભા બેઠકો છે. 2017ની ચૂંટણીમાં પંજાબમાં કોંગ્રેસ 77 બેઠકો પર વિજય મેળવ્યો હતો. જો કે, હાલમાં પ્રદેશમાં કોંગ્રેસની વર્તમાન પરિસ્થિતિ સારી નથી.

આંતરિક વિખવાદ અને સત્તાના સંઘર્ષમાં કોંગ્રેસની બદનામી થઈ છે. કેપ્ટન અમરિન્દર સિંહનો કેટલાક સમયથી ઝુકાવ ભાજપ તરફી હોવાનો પણ આક્ષેપ લગાવવામાં આવી રહ્યો છે. નવજોતસિંહ સિદ્વુ કોઈ પણ ભોગે કેપ્ટનને મુખ્યમંત્રી પદેથી હટાવવા માટે પ્રયાસ કરી રહ્યાં છે. પાર્ટીની આંતરિક લડાઈને કારણે લોકોમાં કોંગ્રેસની ઈમેજને લઈ નિરાશા જોવા મળી રહી છે.

Scroll to Top