‘નોકરીઓ જ નથી, અનામતનું શું કરીશું?’ રાજ્યસભામાં સવર્ણોને અનામત પર ચર્ચા

0
લેટેસ્ટ News અને Videos માટે પેજ લાઈક કરો

લોકસભામાં પસાર થઈ ગયા બાદ હવે સવર્ણોને અનામતનો ખરડો રાજ્યસભામાં રજૂ કરવામાં આવ્યો છે. રાજ્યસભામાં કેટલાક પક્ષોએ તેને પોતાનો ટેકો આપ્યો છે, જ્યારે કેટલાક પક્ષોએ તેનો આકરો વિરોધ કર્યો છે. મહત્વનું છે કે, આ ખરડાની વિરુદ્ધમાં લોકસભામાં માત્ર ત્રણ જ મત પડ્યા હતા.

રાજ્યસભામાં આ બિલને પસાર કરવા માટે 244 મત તેની તરફેણમાં પડવા જરુરી છે. હાલ ભાજપ, કોંગ્રેસ તેમજ અન્ય પક્ષોના મળીને કુલ 167 મત તેની તરફેણમાં પડવાની શક્યતા છે. જ્યારે DMK, AIADMK, આરજેડી, ટીડીપી જેવા પક્ષો આ બિલનો વિરોધ કરી રહ્યા છે.

સમાજવાદી પાર્ટીના નેતા રામગોપાલ યાદવે આ ખરડા અંગે જણાવ્યું હતું કે, જ્યારે સરકારે સામાન્ય વર્ગના લોકો માટે 50 ટકાની મર્યાદા તોડી દીધી છે, તો પછી પછાતો માટે પણ 27 ટકાને બદલે તેમની વસ્તી પ્રમાણે 54 ટકા અનામત આપી દેવી જોઈએ. તેમણે એમ પણ કહ્યું હતું કે, નોકરીઓ હશે જ નહીં તો અનામતનો કશોય અર્થ નથી.

રામગોપાલ યાદવે એમ પણ કહ્યું હતું કે, આ ખરડા દ્વારા આ લોકો (સરકાર) દેશના સવર્ણોને મૂર્ખ બનાવવાનો પ્રયાસ કરી રહી હોય તો મને તેની બુદ્ધિ પર દયા આવે છે. કારણકે દેશના પછાત, દલિત અને આદિવાસીઓને તો તમે બનાવી શકો છો, પરંતુ જે બધાને ફેરવે છે તેને ફેરવવો એટલો સરળ નથી. જોકે, તેમણે એ પણ સ્પષ્ટ કર્યું હતું કે તેમનો પક્ષ આ ખરડાની તરફેણમાં છે.

કોંગ્રેસના નેતા આનંદ શર્માએ જણાવ્યું હતું કે, કોંગ્રેસ પાર્ટી આ બિલના સમર્થનમાં છે. પરંતુ અમે ઈચ્છિએ છીએ કે આ બિલને રાજનીતિક દ્રષ્ટિકોણને બદલે સામાન્ય લોકોના દ્રષ્ટિકોણથી જોવામાં આવે. તેમણે કહ્યું હતું કે, સંસદની કાર્યવાહી હજુય વધારીને આજે રાત્રે જ મહિલાઓને અનામતનું બિલ લઈ આવવા પણ કહ્યું હતું. શર્માએ કહ્યું હતું કે, સરકાર સપનાં બતાવવાને બદલે પોતાના કામનો હિસાબ આપે.

કોંગ્રેસના નેતાએ ખરડાના ટાઈમિંગ પર સવાલ ઉઠાવતા કહ્યું હતું કે, કાર્યકાળના સાડા ચાર વર્ષ બાદ સરકાર આ બિલને લઈને કેમ આવી? તેનો એક અર્થ સ્પષ્ટ છે કે ત્રણ રાજ્યોમાં ચૂંટણી હાર્યા બાદ સત્તા પક્ષને સમજણ આવી છે. શર્માએ જણાવ્યું હતું કે, કેટલા લોકોની વાર્ષિક આવક 8 લાખ ઉપર છે? આટલી આવકની મર્યાદામાં તો 98 ટકા સવર્ણો કવર થઈ જશે.

ભાજપના સાંસદ પ્રભાત ઝાએ સવર્ણોને અનામત અંગે જણાવ્યું હતું કે, આ સરકારે પહેલીવાર દેશના સવર્ણોની ચિંતા કરી છે, જે સાબિત કરે છે કે મોદી સરકાર સબકા સાથ સબકા વિકાસનું પાલન કરે છે. તેમણે કહ્યું હતું કે, આ અનામતથી દેશની 95 ટકા જનતાને લાભ થશે. તેમણે કોંગ્રેસને આ બિલને માત્ર મોદી સાથે ન જોડીને જોવા પણ અપીલ કરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here