શહેરના અનેક વિસ્તારોમાં બાળકોને માર મારી તેમજ ડામ આપીને ભીખ મંગાવતી તેમજ ચોરી કરાવતી ગેંગનો પર્દાફાશ મહિલા ક્રાઇમ બ્રાંચે કરતાં ચાર મહિલાઓની ધરપકડ કરીને ૧૭ બાળકોને રસ્ક્યુ કરાવ્યાં છે.
અમદાવાદ શહેરના જુદા-જુદા વિસ્તારમાં બાળકો પાસે ભીખ મંગાવતી અને ચોરી કરાવતી મહિલા સહિત 2 લોકોની મહિલા ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી છે. પોલીસે વટવામાં આવેલા એક મકાનમાં રેડ પાડી 17 બાળકોને રેસ્કયુ કરાવ્યા હતા. જેમાં 5 છોકરા અને 12 છોકરીઓનો સમાવેશ થાય છે.
બાળકોને અલગ અલગ સંસ્થાઓમાં મોકલી આપવામાં આવ્યા છે આ મામલે મહિલા આરોપી આનંદી અહાનંદ સલાટ અને તેના સાગરીત સંપત તનિકા સલમની પૂછપરછ કરવામાં આવી છે. આરોપી મહિલાની ચુંગાલમાંથી છોડવાયેલી 10 વર્ષની બાળકીએ જણાવ્યું હતું કે, તેની પાસે કામ કરાવતા અને ભીખ મંગાવતા હતા. જો તે કામ ન કરે તો તેને મારતા હતા અને આંખમાં મરચું પણ નાખતા હતા.
વટવાના એક મકાનમાં ક્રાઇમ બ્રાંચે રેડ કરી હતી. જેમાં ચાર મહિલાઓ બાળકો સાથે મળી આવી હતી. હ્યુમન ટ્રાફિકિંગને લઇને ક્રાઇમ બ્રાંચની ટીમે ચાર મહિલાઓની તથા અન્ય એક આરોપી સંપત મુદલિયારની ધરપકડ કરી છે.
મહિલા ક્રાઇમ બ્રાંચે બાળકોને બાળવિકાસ ગૃહ સહિતની અલગ અલગ સંસ્થાઓમાં મોકલી આપ્યાં છે. પોલીસ સૂત્રોનાં જણાવ્યા અનુસાર નાનાં બાળકોનાં થતાં અપહરણના કિસ્સામાં આ પ્રકારની ગેંગ જવાબદાર હોય તેવું લાગી રહ્યું છે.
દરેક બાળકોના શરીર પર નિશાન
દરેક બાળકોના શરીર ઉપરથી કંઈકને મારના અથવા દાઝેલાના નિશાન પણ મળી આવ્યા છે. આ બાળકો પોલીસ સામે કંઈ બોલી ન શકે તે માટે આરોપીઓ તમામ બાળકોને પોલીસ માર મારશે તેમ કહી ડરાવતા હતા.
આ પહેલા પણ આનંદી સલાટ ઝડપાઈ હતી
આ રેકેટમાં અન્ય લોકોની પણ સંડોવણી હોવાનું પોલીસ માની રહી છે. આગામી દિવસોમાં શહેરમાં બાળકો પાસે ભીખ મંગાવવાનું મોટું રેકેટ બહાર આવે એવી શકયતા છે. ઉલ્લેખનીય છે કે, મહિલા આરોપી આનંદી સલાટ પાસેથી અગાઉ પણ બાળકોને રેસ્ક્યુ કરવામાં આવ્યા ત્યારે એફિડેવિટ કરી તેમને છોડાવવામાં આવ્યા હતા.
કેવી રીતે કરી રેડ
વટવા પિકનિક હાઉસ પાસે આવેલી માનવનગર સોસાયટીના મકાનમાં મહિલા ક્રાઈમ બ્રાન્ચની છ ટીમો રેડ કરવા ગઈ હતી. જેમાંથી ત્રણ ટીમોએ ઘરને 50 મીટર દૂરના મેદાનમાંથી ઘેરી લીધું હતું. જ્યારે બાકીની ત્રણ ટીમોએ ઘરમાં રેડ કરી હતી ત્યારે પાંચ બાળકો સાથે આરોપી આનંદી સલાટ ઘરમાં મળી આવી હતી.
પોલીસને વધુ બાળકો હોવાની ચોક્કસ માહિતી મળી હોવાથી અન્ય ટીમો મેદાનથી દૂર ઉભી હતી ત્યાં ઝાડની નીચેથી વધુ બાળકો મળ્યા હતા. જેની પૂછપરછ કરતા તે આ જ પરિવારના હોવાનું જાણવા મળ્યું હતું. રેડ દરમિયાન એક બાળક ભાગી જવામાં સફળ રહ્યું હતું.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર થોડાક દિવસો પહેલાં વટવા વિસ્તારમાં ચોરીના કેસમાં બે નાનાં બાળકોની વટવા પોલીસે અટકાયત કરી હતી. પોલીસે તેમની પૂછપરછ કરી ત્યારે ચોરી કરનાર બાળકોએ ચોંકાવનારો ધટસ્ફોટ કર્યો હતો કે આનંદી સલાટ નામની મહિલાએ ચોરી કરવાનું અને ભીખ માગવાનું શીખવાડ્યું હતું.
વટવા પોલીસે આ મહિતી મહિલા ક્રાઇમ બ્રાંચને આપી હતી જેમાં એસીપી મિની જોસેફની ટીમ આનંદી સલાટના ઘર પાસે છેલ્લા ૧૫ દિવસથી રેકી કરતી હતી.
ગઈ કાલે મોડી રાતે મહિલા ક્રાઈમ બ્રાંચની ટીમે વટવા વિસ્તારમાં આવેલા એક મકાનમાં દરોડો પાડ્યો હતો. જેમાં ૮ મહિનાથી લઈ ૨૦ વર્ષ સુધીનાં ૧૭ બાળકો મળી આવ્યાં હતાં. બાળકો સાથે આનંદી સલાટ અને અન્ય ત્રણ મહિલાઓ પણ મળી આવી હતી.
બાળકોના શરીર પર મારના તેમજ ડામ દેવાનાં નિશાન છે. જેથી તેમને ડામ દીધા બાદ ભીખ માગવા માટે ચોરી કરવા માટે મોકલવામાં આવતાં હતાં. તમામ બાળકોને અલગ અલગ રીતે ચોરી કરવાની તેમજ ભીખ માગવાની તાલીમ આપવામાં આવી છે. આનંદી સલાટ આરોપી બાળકો પાસે ચોરી અને ભીખ મંગાવતી હતી અને જો કોઇ બાળક જવાનો ઇન્કાર કરે તે તેની સાથે અમાનવીય અત્યાચાર કરતી હતી.
રેસ્ક્યુ દરમિયાન મળી આવેલી એક બાળકી પુનાથી લાવ્યા હોવાનું પોલીસ તપાસમાં ખૂલ્યું છે. જેના આધારે પોલીસ માની રહી છે કે આનંદી સલાટ અને તેની સાથે સંકળાયેલી ગેંગ બાળકોનું અપહરણ કરીને તેમને ભીખ માંગવા તેમજ ચોરી કરાવવા માટે મજબૂર કરે છે અને જો કોઇ વિરોધ કરે તો તેને ડામ આપે છે.
ક્રાઇમ બ્રાંચના એસીપી મિની જોસેફે જણાવ્યુ છે કે આનંદી સલાટ ૬૦ વર્ષની છે અને તેણે એવો દાવો કર્યો છેકે ૧૭ બાળકો પૈકી ૧૨ બાળકો તેનાં છે. આ સિવાય અન્ય બાળકો તેની ત્રણ પુત્રવધૂનાં હોવાનું તે કહી રહી છે. આનંદી સલાટની ત્રણ પુત્રવધૂની પણ પૂછપરછ કરવામાં આવી છે.
જેમાં તેણે કબૂલાત કરી છે તેના પૂર્વ પતિ દ્વારા બાળકોનાં જન્મ થયાં છે. પોલીસને આનંદી સલાટ તેમજ તેની પુત્રવધૂએ આપેલાં નિવેદનોની વાત ગળે નહીં ઊતરતાં તેની આકરી પૂછપરછ શરૂ કરી છે.
રેસ્ક્યુ દરમિયાન મળી આવેલાં બાળકો આનંદી સલાટ અને તેની પુત્રવધૂનાં છે જે જાણવા માટે મહિલા ક્રાઇમ બ્રાંચ ડીએનએ ટેસ્ટ કરાવશે. આરોપી મહિલાની ચુંગાલમાંથી છોડવાયેલી એક બાળકીએ જણાવ્યું હતું કે તેની પાસે કામ અને ભીખ મંગાવતા હતાં. જો તે કામ ન કરે તો તેને મારતા હતા અને આંખમાં મરચું પણ નાખતા હતા. પોલીસે હાલ આ બાળકો અંગે તપાસ
શરૂ કરી છે કે આ બાળકો ગુમ થયેલાં બાળકોમાંથી કોઈ છે કે કેમ.
પોલીસે વધુમાં જણાવ્યું છે કે જ્યાં પણ બાળકોને ભીખ માંગતા પોલીસ પકડીને સંસ્થોમાં મોકલી આપે ત્યાં આ ટોળકી ખોટાં પ્રૂફ લઇને પહોંચી જતી હતી અને બાળકોને છોડાવી દેતી હતી. હાલ આનંદી સલાટ સાથે અન્ય ગેંગ સંકળાયેલી છે કે નહીં તે શોધવા માટે મહિલા પોલીસે ચક્રો ગતિમાન કર્યાં છે. પોલીસ જે રેસ્ક્યુ કર્યું તેમાં ચાર બાળક અને ૧૨ છોકરી મળી છે.