રાજ્યમાં એકવખત ફરીથી ભારેથી અતિભારે વરસાદની શક્યતા હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરાઈ છે. બીજી તરફ વરસાદી સિસ્ટમ જવાથી સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદને લઈને જે ચેતવણી આપવામાં આવી હતી તે દૂર કરાઈ છે. તેમ છતાં આગામી સમયમાં રાજ્યના સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત, ઉત્તર અને મધ્ય ગુજરાતમાં સારો વરસાદ થવાની આગાહી વ્યક્ત કરાઈ છે. જેમાં 21 તારીખના અતિભારે વરસાદ પડવાની શક્યતા છે.
જ્યારે આજની વાત કરવામાં આવે તો રાજ્યના સુરત, ભરૂચ, નર્મદા, છોટા ઉદેપુર, જૂનાગઢ, ગીર સોમનાથ અને અમરેલીમાં હળવો વરસાદની શક્યતા રહેલી છે. આજે સવારના 6 વાગ્યાથી 10 વાગ્યા સુધીમાં છોટા ઉદેપુરના બોડેલીમાં 27 મીમી, પોરબંદરના કુતિયાણામાં 26 મીમી, ખેડાના વાસોમાં 13 મીમી, પંચમહાલના જાંબુઘોડામાં 12 મીમી, છોટા ઉદેપુરના જેતપુર પાવીમાં 11 મીમી અને વડોદરાના કારંજમાં 10 મીમી વરસાદ વરસ્યો છે.
હવામાન વિભાગના આગાહી મુજબ, આગામી દિવસોમાં અમદાવાદ સહિત મધ્ય ગુજરાતમાં પણ વરસાદ થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
રિપોર્ટ્સ અનુસાર, રાજ્યમાં હાલ વરસાદી માહોલના લીધે 23.67 ઈંચ સાથે આ વર્ષે ચોમાસામાં સરેરાશ 71.63% વરસાદ વરસ્યો છે હજુ પણ રાજ્યમાં 20% વરસાદની અછત વર્તાયેલી છે. રાજ્યમાં સૌરાષ્ટ્રમાં પડેલા ભારે વરસાદના કારણે હજુ પણ કેટલાક ગામો અસરગ્રસ્ત રહ્યા છે. જેમાં 8 સ્ટેટ હાઈવે, 77 પંચાયત અને 4 અન્ય સહિત કુલ 89 માર્ગ હજુ પણ બંધ હોવાનું કહેવામાં આવ્યું રહ્યું છે, જ્યારે 23 ગામોમાં હજુ સુધી વીજ પુરવઠો પહોંચી શક્યો નથી. સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા આ અંગે જરુરી કામગીરી કરાઈ રહી છે.